૨૦૦ બ્રિટિશ પ્રવાસી સાથે કોરોનાગ્રસ્ત જહાજને ફ્લોરિડામાં લાંગરવા દેવાયું

ઝાનડામ ક્રુઝ શિપના ૭૫ વર્ષીય બ્રિટિશર જ્હોન કાર્ટર સહિત ચાર વ્યક્તિના મોતઃ નવ વ્યક્તિ કોરોના પોઝિટિવઃ પ્રમુખ ટ્રમ્પ અટવાયેલા બ્રિટિશ પ્રવાસીઓને સ્વદેશ મોકલશે

Saturday 04th April 2020 00:38 EDT
 
 

વોશિંગ્ટન,લંડનઃ કોરોનાગ્રસ્ત ઝાનડામ ક્રુઝ શિપને આખરે ગુરુવારે ફ્લોરિડાના ફોર્ટ લાઉડરડેલના પોર્ટ એવરગ્લેડ્ઝ ખાતે લાંગરવાની પરવાનગી અપાઈ હતી. કોરોનાગ્રસ્ત આ શિપમાં ૭૫ વર્ષીય બ્રિટિશર જ્હોન કાર્ટર સહિત ચાર વ્યક્તિના મોત થયા છે અને નવ વ્યક્તિ કોરોના પોઝિટિવ છે. ઝાનડામ ક્રુઝ શિપ પર કોરોનાનો ચેપ ફેલાયા પછી તેને અમેરિકામાં લાંગરવાની મનાઈ ફરમાવાઈ હતી. આશરે ૨૦૦ પ્રવાસીને ફ્લુ જેવાં લક્ષણો જણાયાં હતાં. જોકે, તેની સિસ્ટર શિપ રોટરડેમ પર કોરોના વાઈરસના લક્ષણો જણાયાં નથી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઝાનડામ ક્રુઝ શિપ પર અટવાયેલા ૨૦૦થી વધુ બ્રિટિશ પ્રવાસીને સ્વદેશ મોકલવાની યોજનાને સમર્થન આપ્યું હતું. ઓપરેટિંગ કંપની હોલેન્ડ અમેરિકાએ જણાવ્યું હતું કે  પોર્ટ એવરગ્લેડ્ઝ આવ્યા પછી તમામ મહેમાનોના આરોગ્યની ચકાસણી કરાશે તેમજ યુએસ કસ્ટ્મ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન દ્વારા એન્ટ્રી માટે મંજૂરી અપાશે.

અગાઉ, બુધવારે વ્હાઈટ હાઉસના પ્રેસ બ્રીફિંગમાં પ્રમુખ ટ્રમ્પે ઝાનડામ પરના બ્રિટિશ પ્રવાસીઓને સ્વદેશ પરત મોકલવાની યોજનાને સમર્થન આપ્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે, ‘અમે કેનેડાને પણ જણાવ્યું છે. આ શિપમાં બ્રિટિશર્સ સાથે કેનેડિયન્સ પણ છે. આ શિપ પરના પ્રવાસીઓને લેવા કેનેડા અને યુકે આવી રહ્યા છે. ઘણા લોકો બીમાર છે અને અમે તેમની સંભાળ લઈ રહ્યા છીએ. અહીંના રાજ્યોની પોતાની સમસ્યાઓ છે અને તેઓ પ્રવાસીઓને લેવા માંગતા નથી. અમારે માનવતાના ધોરણે તેમને લેવા પડશે, અમારી પાસે કોઈ પસંદગી નથી કારણકે લોકો મરી રહ્યા છે.’

પ્રવાસીઓને યુએસમાં પ્રવેશ અપાશે તેવા પ્રશ્નના ઉત્તરમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે,‘અમે કશું કરીશું. અત્યારે તો તેમની સંભાળ લેવા જહાજો પર મેડિકલ ટીમ્સ મોકલી રહ્યા છીએ. અમે કેનેડિયન્સને કેનેડાની ઓથોરિટિઝને સોંપી દઈશ. તેઓ તેમને સ્વદેશ લઈ જશે. આવું જ યુકે સાથે કરાશે. અમારે લોકોને મદદ કરવી જ રહી. તેઓ ગમે ત્યાંથી આવ્યા હોય, તેઓ ભારે મુશ્કેલીમાં છે.’

ઝાનડામ ક્રુઝ શિપ પર ફ્લુના લક્ષણો સાથે આશરે ૨૦૦ લોકો બીમાર છે અને કોવિડ-૧૯ના નવ ચોક્કસ કેસ છે. ચારમાંથી બે મૃતકને કોરોના વાઈરસ હોવાનું કન્ફર્મ થયું છે. આ શિપમાં ૭૫ વર્ષીય બ્રિટિશર જ્હોન કાર્ટરનું કોરોના વાઈરસના કારણે મોત થયા પછી તેમની પત્ની એકાંતવાસમાં છે અને પતિ વિના એકલી જ છે. કાર્ટરના પરિવારે આ શિપને લાંગરવાની પરવાનગી આપવા પ્રમુખ ટ્રમ્પ અને ફ્લોરિડા ઓથોરિટિઝને વિનંતી કરી હતી. કાર્ટરના પરિવારે જણાવ્યું હતું કે મોબાઈલ ફોન કામ કરતો ન હોવાથી કાર્ટરના વિધવા સાથે વાત થઈ શકતી નથી. તેઓ ખોરાક પણ લઈ શકતાં નથી અને ડર અનુભવે છે.

ક્રુઝ ઓપરેટર હોલેન્ડ અમેરિકાની માલિકીના ઝાનડામ અને રોટરડામ ક્રુઝ જહાજો પનામા કેનાલમાં થઈને ફ્લોરિડામાં લાંગરવાના હતા. ઝાનડામ સાત માર્ચે આર્જેન્ટિનાના બ્યુનોસ એરિસથી રવાના થયું હતું. તે ચિલીના સાન એન્ટોનિયોમાં રોકાણ કરી ૨૦ દિવસ પછી સાત એપ્રિલે ફ્લોરિડાના ફોર્ટ લાઉડરડેલ પહોંચવાનું હતું. જોકે, વચ્ચેના પોર્ટ્સ પ૨ રોકાણ ન કરવા દેવાતા બે ઓફ પનામા સિટી ખાતે ૧૫ માર્ચથી અટવાયેલું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter