લંડનઃ બ્રિટનમાં થોડા વર્ષોમાં ઓનલાઈન ડિવોર્સ સુવિધા મળતી થઈ જશે. ફેમિલી કાયદાના ટોચનાં જજ સર જેમ્સ મુંડીના જણાવ્યા મુજબ ૨૦૧૭થી દેશમાં લેપટોપ અને મોબાઇલ ફોન દ્વારા ડિવોર્સ આપી શકાશે. આ તમામ પ્રક્રિયા ઓનલાઇન થશે. ઓનલાઇન પ્રક્રિયામાં કોર્ટ રૂમમાં પતિ, પત્ની કે જજને હાજર રહેવાની જરૂર નહિ રહે. જે દંપતી ડિવોર્સ માટે સંમત થશે તેઓ ઓનલાઇન પ્રશ્નોના ઉત્તર આપી ડિવોર્સની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.લંડનની હાઈકોર્ટના ફેમિલી વિભાગના સર્વોચ્ચ જજ સર જેમ્સ મુંડીએ જણાવ્યું હતું કે, માત્ર ક્લિક થકી ડિવોર્સ આપવા કે લેવાની પ્રક્રિયા ભવિષ્યમાં શું કરી શકીએ તેના આગેકદમ તરીકે જોઈ શકાય અને તેમાં સુધારા સંભવ છે. આ સુવિધા માટે પ્રક્રિયા પૂરી થયા પછી આગામી વર્ષે બ્રિટનમાં ઓનલાઇન ડિવોર્સ લાગુ કરાશે. સર જેમ્સે જણાવ્યું કે, સંપૂર્ણ ડિજિટલાઇઝેશન પછી આ યોજના અમલમાં મુકાશે. આ પ્રક્રિયા મુજબ હવે કોઇ યુગલ લગ્નના ઇતિહાસ, સંપત્તિ અને આવક અંગેના ઓનલાઇન ઉત્તર આપી શકશે. આ ઉપરાંત, બાળકો હોય તો આ દંપતીએ બાળકોનાં ભવિષ્ય માટે કેવું આયોજન કરેલ છે તેના ઉત્તર પણ આપવાના રહેશે. જજે વધુ જણાવ્યું કે, આ યોજના ભવિષ્ય માટે નક્કર નથી, પરંતુ આગામી ચાર વર્ષમાં તેને યોગ્ય રીતે અમલી કરાશે.


