લંડનઃ આ વર્ષે યુકેમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં ઘટાડો થવાની આગાહી બ્રિટનમાં સૌથી મોટા ફ્યુનરલ પ્રોવાઈડર્સમાંના એક ડિગ્નિટી દ્વારા કરવામાં આવી છે. ડિગ્નિટીની આગાહી છે કે વર્ષ ૨૦૧૭માં અંદાજે ૩૦,૦૦૦ ઓછાં લોકો મૃત્યુ પામશે.
સર્વિસ પ્રોવાઈડરે જણાવ્યું હતું કે બ્રિટનમાં મૃત્યુની સંખ્યા પાંચ ટકા ઘટીને આશરે ૫૬૦,૦૦૦ થવાની શક્યતા છે. વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૬ દરમિયાન આશરે ૫૯૦,૦૦૦ લોકોનાં મોત થયાં હતાં. અગાઉના વર્ષોની સરખામણીએ ૨૦૧૫માં મૃત્યુની સંખ્યા સાત ટકાના વધારા સાથે ૫૮૮,૦૦૦ થઈ હતી, જ્યારે ૨૦૧૬માં આ સંખ્યા વધીને ૫૯૦,૦૦૦ થઈ હતી. જોકે, મૃત્યુની સંખ્યા વધવા છતાં, ફ્યુનરલ એટલે કે અંતિમવિધિ કરાઈ હોય તેવા કેસીસમાં ઘટાડો નોંધાયો હતો.
ફ્યુનરલ માર્કેટમાં પણ ભારે સ્પર્ધા વધી રહી છે તે જોતાં દરેક પરિવારને યોગ્ય લઘુતમ સુવિધા મળી શકે તે માટે રેગ્યુલેશન્સની જરૂર જણાય છે. આગામી સમયમાં ડિજિટલ સર્વીસીસ ઓફર કરવામાં આવે તેવી પણ સંભાવના દેખાય છે.

