૨૦૬,૨૬૯ પેશન્ટ્સ ડોક્ટરવિહોણાં

Tuesday 02nd February 2016 10:18 EST
 
 

લંડનઃ ગયા વર્ષે ફેમિલી ડોક્ટર્સની સંખ્યાબંધ સર્જરીઝ બંધ થવાના કારણે ૨૦૬,૨૬૯ પેશન્ટ્સ ડોક્ટરવિહોણાં બન્યાં છે. કેટલાક પેશન્ટ્સે વાહનમાં એક કલાકે પહોંચાય તેટલા અંતરે આવેલી સર્જરીઝમાં નામ નોંધાવવાની ફરજ પડી છે. બે વર્ષમાં ડોક્ટરોની નિવૃત્તિ અથવા વિદેશમાં નોકરી કરવા જવાના કારણે બંધ થયેલી સર્જરીઝની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. બીજી તરફ, નવા અને યુવાન ડોક્ટરો જીપી બનવાના બદલે હોસ્પિટલોમાં પ્રતિષ્ઠિત એને ઓછી તણાવપૂર્ણ નોકરી પસંદ કરે છે. આ મુદ્દો ચર્ચવા ૨૦૦૩ પછી પહેલી વખત તાકીદની કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં સરકાર સાથે પેકેજના મુદ્દે છ મહિનામાં નિકાલ ન આવે તો સામૂહિક રાજીનામાંનો નિર્ણય લેવાનો ઠરાવ પણ પસાર કરાયો હતો.

ફ્રીડમ ઓફ ઈન્ફોર્મેશન એક્ટ હેઠળ પ્રાપ્ત માહિતી અનુસાર ૨૦૧૫માં ઈન્ગ્લેન્ડમાં ૭૨ સર્જરી બંધ થઈ હતી, જેના પરિણામે ૨૦૬,૨૬૯ પેશન્ટ્સ ડોક્ટરની સેવા વિના રખડી પડ્યાં હતાં. આવાં પેશન્ટ્સની સંખ્યા ૨૦૧૩માં ૪૩,૬૪૯ (બંધ સર્જરી-૨૦) અને ૨૦૧૪માં ૧૩૭,૮૧૧ (બંધ સર્જરી-૫૧) ની હતી. માઈગ્રેશન અને વૃદ્ધ થતી વસ્તીથી વધેલા દબાણમાં આ સ્થિતિએ કટોકટી વધારી છે.

ગત ઓક્ટોબરમાં એક સંશોધન મુજબ ૫,૧૧૪ જીપી ગત ત્રણ વર્ષમાં નિવૃત્ત થયા હતા અને તેમની સરેરાશ વય ૫૯ વર્ષ હતી. ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં નોકરી કરવા જનારા યુવાન ડોક્ટર્સની સંખ્યા પણ વધી છે. બીજી તરફ હેલ્થ ડિપાર્મેન્ટે જણાવ્યું હતું કે આ આંકડો ઈંગ્લેન્ડમાં કાર્યરત જીપી પ્રેક્ટિસીસની કુલ સંખ્યાના એક ટકાથી પણ ઓછો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter