લંડનઃ લોકડાઉનના નિયમોનો અંત લાવવા ૨૧ જૂનના રોડમેપ બાબતે ભારે અસમંજસ ચાલી રહી છે. કોવિડ વેરિએન્ટના હોટસ્પોટ્સમાં સંક્રમણ વિસ્ફોટ થવાની શક્યતા વધી રહી છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સન કહે છે કે તમામ નિયંત્રણો પડતા મૂકવામાં ૨૧ જૂનથી પણ લાંબી રાહ જોવી પડે તેવી શક્યતા છે. જોકે, તેઓ એમ પણ કહે છે કે ૨૧ જૂનના રોડમેપને છોડી દેવો પડે તેમ કોઈ ડેટા જણાવતો નથી. હેલ્થ સેક્રેટરી મેટ હેકકોકના મતે લોકડાઉન ઉઠાવી લેવા મુદ્દે અત્યારે કશું કહેવું વહેલું ગણાશે. જોકે, મોટા ભાગના નિષ્ણાતો ઓછામાં ઓછો એક મહિનો રાહ જોવાની સલાહ આપી રહ્યા છે.
ઈંગ્લેન્ડની ૩૦૦થી વધુ લોકલ ઓથોરિટીઝમાંથી અડધામાં B.1.617.2 વેરિએન્ટનો ફેલાવો જોવા મળ્યો છે ત્યારે ઉચ્ચ વૈજ્ઞાનિકોએ સરકારને લોકડાઉન નિયંત્રણો ઉઠાવી લેવામાં વિલંબ કરવાની સલાહ આપી છે. SAGEના સભ્ય અને ‘પ્રોફેસર લોકડાઉન’ નીલ ફર્ગ્યુસને ચેતવણી આપી છે કે હાલ પ્રભુત્વ ધરાવતા વેરિએન્ટથી નાની ત્રીજી લહેર આવશે પરંતુ, રોડમેપના ચોથા તબક્કામાં આગળ વધવું કે નહિ તેનો નિર્ણય લેવામાં આગામી ત્રણથી ચાર સપ્તાહ મહત્ત્વના બની રહેશે. પ્રોફેસર જ્હોન એડમન્ડ્સે પણ જણાવ્યું હતું કે તેઓ બોરિસ જ્હોન્સનને અગાઉથી પ્લાન કરેલું પગલું નહિ ભરવાની સલાહ આપશે કારણકે હાલ પરિસ્થિતિ જરા જોખમી જણાય છે.
સંક્રમણમાં વધારો વહેલા મોજાની નિશાની
સૌપહેલા ભારતમાં દેખાયેલા B.1.617.2 વેરિએન્ટના કેસીસમાં ઉછાળા અંગે ચિંતા દર્શાવી બોરિસ સરકારને સલાહ આપતા બે વૈજ્ઞાનિકો પ્રોફેસર રવિ ગુપ્તા અને પ્રોફેસર આદમ ફિને સરકારને ૨૧ જૂને લોકડાઉન નિયંત્રણો ઉઠાવી લેવામાં વિલંબ કરવાની સલાહ આપી છે. તેમનું કહેવું છે કે સંક્રમણમાં વધારો વહેલા મોજાની નિશાની દર્શાવે છે.
ન્યૂ એન્ડ ઈમર્જિંગ રેસ્પિરેટરી વાઈરસ થ્રેટ્સ એડવાઈઝરી ગ્રૂપ (Nervtag)ના સભ્ય પ્રોફેસર રવિ ગુપ્તાએ જણાવ્યું છે કે ‘નવા વેરિએન્ટના કારણે નવા કેસીસની સંખ્યામાં ભારે વધારો થઈ રહ્યો છે. દરેક લહેર ઓછાં કેસીસથી શરુ થાય છે અને પછી વિસ્ફોટક બને છે. આપણે અહીં વહેલી લહેરની નિશાની જોઈ રહ્યા છીએ.’ તાજેતરના સપ્તાહોમાં Nervtagના અન્ય સભ્યોએ પણ નવા વેરિએન્ટના ફેલાવા બાબતે ચિંતા વ્યક્ત કરી છે.
પ્રોફેસર આદમ ફિન જોઈન્ટ કમિટી ઓન વેક્સિનેશન એન્ડ ઈમ્યુનાઈઝેશનના સભ્ય છે. તેમણે નિયંત્રણો ઉઠાવી લેવામાં સાવધાની રાખવાને અનુરોધ કરી જણાવ્યું હતું કે ‘દરેકના મગજમાં આ તારીખ કોતરાઈ ગઈ છે તે કમનસીબી છે. આપણે પરિસ્થિતિ કઈ તરફ જઈ રહી છે તે જોઈ તે મુજબ એડજસ્ટ કરવાની જરુર છે. આપણે ભૂતકાળમાં નિર્ણયો લેવામાં વિલંબ કર્યો છે અને ભારે સંક્રમણ સહન કર્યું છે.’ તેમણે સરકારને જૂન અનલોકિંગમાં થોડા સપ્તાહનો વિલંબ કરવા સલાહ આપી હતી.
સમગ્ર યુકેમાં લગભગ ૭૪.૮ ટકા વયસ્ક વસ્તીને કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે ને લગભગ અડધી- ૪૮.૫ ટકા વસ્તીએ બીજો ડોઝ મેળવી લીધો છે. સોમવારે ૩,૩૮૩ પોઝિટિવ કેસ કન્ફર્મ થયા હતા અને સતત છઠ્ઠા દિવસે ૩,૦૦૦થી વધુ કેસ રેકોર્ડ થયા છે.