લંડનઃ બ્રિટનમાં કોરોના મહામારીના ગાળામાં પાંચમાંથી એક (૨૧ ટકા) વયસ્કને હતાશા-ડિપ્રેશનના લક્ષણો અનુભવ્યા હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું છે જેની સૌથી વધુ અસર યુવાનો, અશક્તો અને ઘર ભાડે આપનારા લોકોને થઈ હતી. આ વધારો હોવા છતાં, ઈંગ્લેન્ડમાં જીપી દ્વારા ડિપ્રેશનના નિદાનનું પ્રમાણ ઘટ્યું હતું. આના પરિણામે, લોકો આવશ્યક તબીબી સારસંભાળ મેળવી શક્યા ન હતા.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના ‘ઓપિનિયન્સ એન્ડ લાઈફસ્ટાઈલ’ સર્વે પર આધારિત આંકડા અનુસાર બીજા લોકડાઉન, જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૧ના ગાળામાં ૨૧ ટકા વયસ્કોને ડિપ્રેશનના લક્ષણો અનુભવાયા હતા જે આંકડો મહામારી અગાઉ કરતા બમણો આંકડો હતો. બીજી તરફ, નવેમ્બર ૨૦૨૦માં આ સંખ્યા ૧૯ ટકા હતી. યુવા વયસ્કો અને સ્ત્રીઓને ડિપ્રેશનની શક્યતા વધુ રહી હતી જેમાં, ૧૬-૨૯ વયજૂથની ૧૦માંથી ચાર કરતાં વધુ સ્ત્રીને હતાશાજન્ય લક્ષણો જણાયા હતા જેની સરખામણીએ આ જ વયજૂથના ૨૬ ટકા પુરુષોને આવા લક્ષણોનો અનુભવ થયો હતો. અશક્તો-અક્ષમ, ક્લિનિકલી અસુરક્ષિત વયસ્કો, પોતાનું ઘર ભાડે આપનારા તેમજ ઈંગ્લેન્ડના સૌથી કચડાયેલાં વિસ્તારોમાં રહેતા લોકોને ડિપ્રેશનના કોઈ પ્રકારના લક્ષણો હોવાની વધુ શક્યતા હતી.
૨૩ માર્ચ અને ૩૧ ઓગસ્ટ ૨૦૧૯ના સમયગાળાની સરખામણીએ ૨૦૨૦ના આ જ સમયગાળામાં ડિપ્રેશનનું નિદાન કરાયેલાની સંખ્યામાં ૨૩.૭ ટકાનો ઘટાડો જણાયો હતો. ઈંગ્લેન્ડમાં જીપી દ્વારા આ જ સમયગાળામાં ડિપ્રેશનનું નિદાન કરાયેલાની સંખ્યામાં ઘટાડો ૨૯.૭ ટકાનો હતો.