૨૩ જૂને ઈયુ રેફરન્ડમઃ બ્રેક્ઝિટ અને રીમેઈન છાવણીઓ વચ્ચે રસાકસી

કેમરને રીમેઈન કેમ્પનું નેતૃત્વ છોડ્યુંઃ ગોર્ડન બ્રાઉન અને કોર્બીનની મુખ્ય ભૂમિકા

Wednesday 15th June 2016 06:34 EDT
 
 

લંડનઃ બ્રિટને યુરોપિયન યુનિયનમાં રહેવું કે ના રહેવું તે વિશે ૨૩ જૂને જનમત લેવાઈ રહ્યો છે ત્યારે બ્રેક્ઝિટની તરફે સમર્થન વધી રહ્યું હોવાના અહેવાલોથી રીમેઈન સમર્થકો ભારે આઘાતમાં આવી ગયા છે. તાજેતરના એક પોલમાં બ્રેક્ઝિટની તરફેણમાં ૫૫ અને રીમેઈનની તરફેણમાં ૪૫ ટકા મત હોવાનું બહાર આવ્યું છે. આ પોલમાં ઈયુને છોડવાની છાવણીને ૧૦ પોઈન્ટની સરસાઈ સાંપડી છે. જોકે, સાતથી ૧૩ જૂન સુધી લેવાયેલા છ પોલ્સની સરેરાશ ગણવામાં આવે તો રીમેઈનની તરફેણમાં ૪૯ ટકા અને બ્રેક્ઝિટની તરફેણમાં ૫૧ ટકા મત હોવાનું જણાય છે. આમ, આ મુદ્દે ભારે રસાકસી સર્જાઈ છે.

ઈમિગ્રેશન અને પેન્શનરોને કહેવાતી ધમકીના મુદ્દે ચોતરફથી ઘેરાયેલા વડા પ્રધાન ડેવિડ કેમરને રીમેઈન છાવણીની નેતાગીરી છોડી દીધી છે અને બ્રિટનને ઈયુમાં રાખવાની જવાબદારી પૂર્વ લેબર વડા પ્રધાન ગોર્ડન બ્રાઉન તથા લેબર નેતા જેરેમી કોર્બીનને સુપરત કરી દીધી છે. પરંપરાગત લેબર મતદારો બ્રેક્ઝિટને સમર્થન કરશે તેવા અહેવાલો મધ્યે બ્રાઉન વર્કિંગ ક્લાસ મતદારોને સમજાવી શકશે તેવી આશા સાથે કેમરને આ પગલું લીધું છે. વડા પ્રધાન કેમરને પણ સ્વીકારી લીધું છે કે રેફરન્ડ્મમાં બન્ને પક્ષકારો વચ્ચે તીવ્ર રસાકસી રહેશે.

બ્રેક્ઝિટ ૫૫ ટકા મત સાથે આગળ, રીમેઈનને ૪૫ ટકા

પ્રારંભિક સરસાઈ ધરાવ્યા પછી રીમેઈન કેમ્પ પાછળ પડી રહ્યો છે. ગાર્ડિયન/ICM પોલ્સ અનુસાર બ્રેક્ઝિટને ૫૩ વિરુદ્ધ ૪૭ ટકા મત સાથે છ ટકાની સરસાઈ મળે છે. બે સપ્તાહ અગાઉ આ પ્રમાણ ૫૨ વિરુદ્ધ ૪૮ ટકા હતું. ગત શુક્રવારે ORB પોલમાં બ્રિટિશરોએ બ્રસેલ્સ સાથે સંબંધ નહિ રાખવાને મહત્ત્વ આપ્યું હતું. બ્રેક્ઝિટની તરફેણમાં ૫૫ ટકાએ અને વિરુદ્ધમાં ૪૫ ટકાએ મત આપતા રીમેઈન કેમ્પમાં ગભરાટ ફેલાયો છે. વડા પ્રધાન કેમરને સ્વીકાર્યું હતું કે મારે લોકોને સમજાવવા હજુ ઘણું કરવું પડશે. વડા પ્રધાને જણાવ્યું હતું કે પોલના પરિણામ ભારે સ્પર્ધાત્મક છે અને ઘણા મતદારો કેવી રીતે મત આપવો તે બાબતે ખરેખર અનિર્ણાયક અવસ્થામાં છે. ઈયુમાંથી સામૂહિક ઈમિગ્રેશન અંગે રોષના લીધે લેબર પાર્ટીના પરંપરાગત મતદારો બ્રેક્ઝિટને ટેકો આપી રહ્યા હોવાના અહેવાલોએ નંબર-૧૦, ટોરી પાર્ટી અને લેબર પાર્ટીના હાઈ કમાન્ડ પર ભારે દબાણ આવ્યું છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા સ્વતંત્ર અભ્યાસમાં ૪૩.૪ ટકાએ ઈયુમાં રહેવા, ૩૩.૮૪ ટકાએ ઈયુ છોડવાની તરફેણ કરી હતી, જ્યારે ૨૨.૭૫ ટકા અનિર્ણીત હતા.

ઈન્ડિપેન્ડન્ટ માટે ૨,૦૦૦ લોકોના ઓનલાઈન પોલમાં જણાયું હતું કે ડેવિડ કેમરન અને ચાન્સેલર ઓસ્બોર્ન દ્વારા સંભવિત જોખમી અસરોની ગંભીર ચેતવણીઓ છતાં ટોરી મતદારો ૬૨ વિરુદ્ધ ૩૮ના માર્જિનથી બ્રેક્ઝિટને ટેકો આપી રહ્યા છે. બીજી તરફ, ૪૪ ટકા લેબર મતદારોએ પણ ઈયુ છોડવાની અને ૫૬ ટકાએ ઈયુમાં રહેવાની તરફેણમાં મત આપવાનું જણાવ્યું હતું. સમગ્ર દેશમાંથી સાંસદો અને તળિયાના કેમ્પેઈનરોના રિપોર્ટ પણ એવા છે કે લેબર મતદારો મોટા પ્રમાણમાં ઈયુ છોડવા માગે , જેની સાથે પોલના પરિણામો સુસંગત જણાય છે.

કેમરને ‘ટ્રિપલ લોક’ મુદ્દે પેન્શનરોને ગભરાવ્યા

વડા પ્રધાન કેમરને બ્રિટન ઈયુમાં નહિ રહે તો સરકારી પેન્શનને મળતી ‘ટ્રિપલ લોક’ ગેરન્ટી રદ કરાશે તેવી શક્યતા જાહેર કરી લોકોમાં ગભરાટ ફેલાવવાનો પ્રયાસ કર્યો હોવાની ટીકા જોરશોરથી થઈ રહી છે. કેમરને એમ પણ જણાવ્યું હતું કે બ્રેક્ઝિટ પછી જાહેર નાણામાં મોટી ખાધ સર્જાવાથી સંરક્ષણ તેમજ નેશનલ હેલ્થ સર્વિસની આરોગ્યસેવા ભંડોળમાં કાપ આવી શકે છે. આ ઉપરાંત, પેન્શનરોને અપાતા ફ્રી બસ પાસ અને ટીવી લાયસન્સ પણ ગુમાવવાનો વારો આવશે.

ઈન્સ્ટિટ્યુટ ફોર ફિસ્કલ સ્ટડીઝ દ્વારા એવી આગાહી કરાઈ હતી કે બ્રેક્ઝિટના લીધે સરકારને ૨૦થી ૪૦ બિલિયન પાઉન્ડ જેટલી ખાધનો સામનો કરવો પડશે અને ટ્રિપલ લોક કદાચ પરવડશે નહિ. કેમરને આનો આધાર લઈને ‘ટ્રિપલ લોક’ ગેરન્ટી રદ થઈ શકે તેમ જણાવ્યું હતું. જોકે, યુકેના ૧૨ બિલિયન પાઉન્ડના વિદેશી સહાય બજેટનું શું થશે તે જણાવ્યું ન હતું.

સરકારી પેન્શનની ‘ટ્રિપલ લોક’ ગેરન્ટીમાં દર વર્ષે ઓછામાં ઓછા ૨.૫ ટકાના દરે વૃદ્ધિનો સમાવેશ થાય છે. જોકે, વૃદ્ધ લોકોને ખરાબ અસર થવાના સરકારી દાવાઓ વચ્ચે પણ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્નને ગત સપ્તાહે એવી કબૂલાત કરવાની ફરજ પડી હતી કે ટ્રિપલ લોક સરકારી પેન્શનને બ્રેક્ઝિટની અસરમાંથી રક્ષણ આપશે.

પૂર્વ કેબિનેટ મિનિસ્ટર અને બ્રેક્ઝિટ છાવણીના અગ્રનેતા ઈયાન ડંકન સ્મિથે વડા પ્રધાન પર પાયાવિહોણી ધમકી આપવાનો આક્ષેપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે નિષ્ફળ જઈ રહેલાં અભિયાનને બચાવવા માટે બ્રિટિશ લોકો અને ખાસ કરીને પેન્શનરોને ડરાવવાનો હીણો પ્રયાસ થઈ રહ્યો છે.

યુકેમાં વર્ષે ૨૬૫,૦૦૦ લોકો આવવાની ચેતવણી

બ્રિટિશરો ૨૩ જૂને ઈયુમાં રહેવા વિશે પોતાનો મત આપશે ત્યારે માઈગ્રેશન વોચ સંસ્થાના ચેર લોર્ડ ગ્રીન દ્વારા ચેતવણી અપાઈ છે કે બ્રિટન ઈયુમાં જોડાયેલું રહેશે તો ૨૦૩૫માં દેશમાં નેટ માઈગ્રન્ટ્સની વાર્ષિક સંખ્યા ઓછામાં ઓછી ૨૬૫,૦૦૦ હશે. જમણેરી થિન્ક ટેન્કે કહ્યું હતું કે તેના અંદાજમાં તુર્કી ઈયુમાં જોડાય તે સ્થિતિનો સમાવેશ કરાયો નથી. જો તુર્કી ઈયુમાં આવે તો વધુ ૧૦૦,૦૦૦ લોકો યુકેમાં આવશે. તેમણે કહ્યું હતું કે ૩૦ વર્ષમાં બ્રિટનની વસ્તી ૮૦ મિલિયને પહોંચી જશે.

માઈગ્રેશન વોચના નવા રિપોર્ટમાં આગાહી કરાઈ છે કે બ્રિટનમાં પ્રવેશ કરનારા લોકોમાંતી ૬૦ ટકા ઈયુ નાગરિકો હશે, જ્યારે બાકીનો હિસ્સો અન્યત્ર વિશ્વમાંથી આવનારા લોકો અથવા સ્વદેશ પાછા ફરતા બ્રિટિશરોનો હશે. આ રિપોર્ટથી ઈમિગ્રેશન મુદ્દાની ચર્ચા વધુ તીવ્ર અને ગરમ બનશે.

પાઉન્ડના મૂલ્ય અને સ્ટોક માર્કેટને અસર

બ્રેક્ઝિટ અભિયાન જોર પકડી રહ્યું હોવાના અહેવાલો મધ્યે રોકાણકારોના ખચકાટ સાથે સ્ટર્લિંગ પાઉન્ડ ઢીલો પડ્યો હતો અને સ્ટોક માર્કેટને પણ અસર નડી હતી. સોમવારે સવારે ડોલર સામે સ્ટર્લિંગનું મૂલ્ય ૦.૪૬ ટકા ઘટીને ૧.૪૧૮ થયું હતું, જે એપ્રિલ પછી સૌથી નીચું મૂલ્ય છે. વેપારના પ્રથમ થોડા કલાકોમાં FTSE આંક પણ ૧૬ પોઈટ નીચો જઈ ૬૦૯૯થી નીચે ઉતર્યો હતો. બીજી તરફ, ઈયુ રેફરન્ડમ આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રોકાણકારો પણ જોખમ લેવા ઈચ્છતા નથી, પરિણામે શુક્રવારે લંડન માર્કેટ ૧.૯ ટકા નીચે ઉતર્યું હતું. કેમરને મતદારોને કહ્યું હતું કે પાઉન્ડ ઢીલો પડવાથી આયાતો વધુ ખર્ચાળ બનશે અને સાપ્તાહિક ખરીદીને અસર થશે.

લેબર પાર્ટીમાં વધેલો આંતરિક વિખવાદ

સમગ્ર શેડો કેબિનેટ ઈયુ મેમ્બરશિપ ચાલુ રાખવાને સમર્થન આપી રહી છે ત્યારે કેટલાક સાંસદોએ ચેતવણી આપી છે કે પક્ષની નેતાગીરી સામૂહિક ઈમિગ્રેશન મુદ્દે મતદારોથી ચિંતા ધ્યાનમાં લઈ રહી નથી. પીઢ ડાબેરી ડેનિસ સ્કીનર, પૂર્વ મિનિસ્ટર ફ્રાન્ક ફિલ્ડ, સાંસદ જ્હોન માન સહિતના અગ્રણીઓએ નેતાગીરીની ઝાટકણી કાઢી છે.શેડો હોમ મિનિસ્ટર એન્ડી બર્નહામે પણ રીમેઈન છાવણી પરાજય નિહાળી રહી હોવાની ચેતવણી આપી છે. ઈયુ ચર્ચામાં કેન્દ્રસ્થાને રહેલાં મુદ્દાઓમાં એક હોવાં છતાં લેબર પાર્ટીની રેફરન્ડમની મુખ્ય પ્રચાર પત્રિકામાં પણ ઈમિગ્રેશન શબ્દપ્રયોગ કરાયો નથી. બ્રેક્ઝિટની તરફેણ કરનારા માને કહ્યું હતું કે લોકોને ઈમિગ્રેશન મુદ્દે વાત કરતા ગભરાટ થાય છે, પરંતુ મતદાનના દિવસે ભારે આંચકો આવશે. લેબર પાર્ટીમાં પણ ઈવેટ કૂપર સહિત ઘણા નેતા માને છે કે મતદારોને ઈમિગ્રેશન વિશે ચિંતા છે, પરંતુ તેને ઈયુ ચર્ચાનું કેન્દ્ર બનાવવું ન જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter