૨૩ માર્ચથી ફર્સ્ટ અને સેકન્ડ ક્લાસ ટપાલ ટિકિટોના ભાવ વધશે

Tuesday 25th February 2020 09:12 EST
 
 

લંડનઃ રોયલ મેઈલ તેની ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસ ટપાલટિકિટોના ભાવ વધારી રહેલ છે. ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પની કિંમત છ પેન્સ વધીને ૭૬p અને સેકન્ડ ક્લાસ સ્ટેમ્પની કિંમત ચાર પેન્સના વધારા સાથે ૬૫p થશે. આ ભાવવધારો ૨૩ માર્ચથી અમલમાં આવશે. રોયલ મેઈલે જણાવ્યું છે કે સેવાની જાળવણી માટે ભાવવધારો આવશ્યક હતો.

પોસ્ટલ ફર્મ રોયલ મેઈલે જણાવ્યું છે કે તેની ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસ ટપાલટિકિટોના ભાવમાં છ પેન્સ સુધીનો વધારો ૨૩ માર્ચથી અમલમાં આવશે. ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પની કિંમત છ પેન્સના વધારા સાથે ૭૬p તેમજ સેકન્ડ ક્લાસ સ્ટેમ્પની કિંમત ચાર પેન્સના વધારા સાથે ૬૫p થશે. કંપનીએ જણાવ્યું હતું કે તેની સેવાની યોગ્ય જાળવણી માટે ભાવવધારો કરવો જરૂરી હતો. સમગ્ર યુરોપમાં યુકેની ટપાલટિકિટોના દર શ્રેષ્ઠ મૂલ્યના છે.

રોયલ મેઈલના મેનેજિંગ ડાયરેક્ટર ઓફ લેટર્સ સ્ટીફન અગારે જણાવ્યું હતું કે ‘કંપની પડકારજનક માર્કેટમાં કામ કરી રહી છે અને ૨૦૨૧ સુધીમાં નુકસાન સહન કરવાનું જોખમ ધરાવે છે. આ ભાવ વધારાથી ગ્રાહકોને અપેક્ષિત સેવાની ગુણવત્તા જાળવવામાં મદદ થશે.’

ગત માર્ચમાં કંપનીએ ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પની કિંમત છ પેન્સ વધારીને ૭૦p અને સેકન્ડ ક્લાસ સ્ટેમ્પની કિંમત ત્રણ પેન્સ વધારી ૬૧p કરી હતી. કંપનીના કહેવા અનુસાર ૧૦૦ ગ્રામ વજન સુધીના લેટર્સ માટે યુરોપિયન સરેરાશ ૯૯p અને આટલાં જ વજનના સેકન્ડ ક્લાસ લેટર્સ માટે ૭૭p છે.

વિશ્વની સૌપ્રથમ પોસ્ટલ ટિકિટ ‘Penny Black’ના ૧૮૪૦માં આગમન સાથે પોસ્ટ મેળવવા અને મોકલવામાં ઈતિહાસ રચાયો હતો. આ પહેલા દુનિયામાં પોસ્ટના ભાવ ઘણા ઊંચા હતા અને વપરાયેલા કાગળના આધારે ચાર્જ લેવાતો હતો. પહેલા જ વર્ષે ૬૮ મિલિયનથી વધુ ‘Penny Black’ ટિકિટનું ઉત્પાદન કરાયું હતું. આ ટપાલટિકિટથી ભલે ઐતિહાસિક પરિવર્તન આવ્યું પરંતુ, ૧૦૦ વર્ષના ઈતિહાસમાં તેની ડિઝાઈન્સમાં ઘણો ઓછો સુધારો જોવાં મળ્યો હતો. સ્ટેમ્પ્સમાં શાસન કરતા રાજવી અને વિશેષ પ્રસંગોને આવરી લેવાનો રિવાજ થયો હતો. શાહી સભ્ય ન હોય તેવી સૌપહેલી આધુનિક સ્પેશિયલ સ્ટેમ્પ જુલાઈ ૧૯૬૫માં વિન્સ્ટન ચર્ચિલની યાદમાં પ્રસિદ્ધ કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter