૨૭ ઓક્ટોબરે સુનાકનું બજેટ

Wednesday 15th September 2021 07:05 EDT
 
 

લંડનઃ ચાન્સેલર રિશિ સુનાક ૨૭ ઓક્ટોબરે દેશનું ઓટમ બજેટ અને ત્રણ વર્ષનો સ્પેન્ડિંગ રિવ્યૂ (ખર્ચસમીક્ષા) જાહેર કરશે. કોરોના મહામારી દરમિયાન ભારે લોકપ્રિયતા હાંસલ કરનારા ચાન્સેલર માટે આ બજેટ વારંવારના લોકડાઉન્સ પછી ખાડે ગયેલા અર્થતંત્રની ગાડી પાટે ચડાવવાના કાર્યમાં મુશ્કેલ નિર્ણયોવાળું બની રહેશે. વ્હાઈટહોલના ડિપાર્ટમન્ટ્સને ખર્ચસમીક્ષામાં ૨૦૨૪/૨૫ માટે નવા બજેટ્સ અપાશે જેના પરિણામે સરકારી ખર્ચમાં કાપ મૂકાશે કે કેમ તેની પણ જાણ થઈ જશે.

ચાન્સેલરે સપ્ટેમ્બરના અંતે સમાપ્ત થઈ રહેલી ફર્લો સ્કીમ લંબાવવા ઈનકાર કર્યો છે તેમજ યુનિવર્સલ ક્રેડિટમાં સાપ્તાહિક ૨૦ પાઉન્ડના વધારો પણ રદ કરાશે, જેની અસર લગભગ ૬ મિલિયન લોકોને થશે. સરકારી વિભાગોને તેમના રોજબરોજના બજેટમાં ઓછામાં ઓછાં પાંચ ટકાની બચતના માર્ગ શોધવા જણાવી દેવાયું છે.

ચાન્સેલર રિશિ સુનાક ઓટમ બજેટમાં આગામી વર્ષ માટે પોતાની ફાઈનાન્સિયલ પ્રાથમિકતાઓ અને સત્તાવાર આર્થિક આગાહીઓ પણ સ્પષ્ટ કરશે. ચાન્સેલરે જણાવ્યું હતું કે,‘મહામારીના આરંભથી આપણે વોકોની નોકરીઓ અને જીવનનિર્વાહને સલામત રાખવા અભૂતપૂર્વ ખર્ચા કર્યા છે. ૩૦૦ વર્ષમાં સૌથી ખરાબ આર્થિક મંદી સર્જાવા છતાં, આપણે પ્લાન ફોર જોબ્સ થકી લોકોને ફરી નોકરીએ જતા કર્યા એટલું જ નહિ, બ્રિટિશ લોકોની પ્રાથમિકતાઓ પરિપૂર્ણ કરવાનું પણ ચાલું રાખ્યું છે.આ વર્ષના પાછલા ભાગમાં સ્પેન્ડિંગ રિવ્યૂમાં હું જાહેર સેવાઓમાં રોકાણો કરવાનું ચાલુ રાખવા અને પબ્લિક ફાઈનાન્સને યોગ્ય માર્ગે જાળવી રાખીને વિકાસને આગળ કેવી રીતે વધારીશું તે સ્પષ્ટ કરીશ.’

સુનાકે એમ પણ કહ્યું હતું કે કોરોના વાઈરસની ગંભીર અસરોનો સામનો કરવા સરકારે દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી સૌથી વધુ નાણાકીય કરજ લેવું પડ્યું છે. દેશ હવે વધુ દેવામાં ડૂબ્યાં વિના આરોગ્ય અને સામાજિક સારસંભાળ માટે ચૂકવણી ચાલુ રાખે તે માટે ટેક્સીસ વધારવા તે જ એક માર્ગ રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter