૩.૭ મિલિયન પેન્શનર્સના ફ્રી ટીવી લાઈસન્સ રદ કરાયા

Wednesday 12th June 2019 03:28 EDT
 
 

લંડનઃ બીબીસીએ ૩.૭ મિલિયન પેન્શનર્સને અપાયેલા ફ્રી ટીવી લાઈસન્સ રદ કરવામાં આવ્યા હોવાની જાહેરાત કરી હતી. જોકે, નવા નિયમ મુજબ ઓછી આવક ધરાવતા પરિવારો કે જ્યાં એક વ્યક્તિને પેન્શન ક્રેડિટ બેનિફિટ મળતો હશે તે હજુ પણ ફ્રી લાઈસન્સ માટે માન્ય ગણાશે. બીબીસી મુજબ ઓછી આવકના પેન્શનરોને દર અઠવાડિયે ગવર્નમેન્ટ બેનિફિટ ચૂકવાય છે અને ૯૦૦,૦૦૦ પરિવારો પેન્શન ક્રેડિટ ક્લેઈમ કરે છે.

૨૦૧૫માં સરકારે જાહેર કર્યું હતું કે ફી સેટલમેન્ટના ભાગ તરીકે બીબીસી ૨૦૨૦ સુધી ૭૫થી વધુ વયના લોકોને ફ્રી લાઈસન્સ પૂરા પાડવાનો ખર્ચ ભોગવશે. પરંતુ, તેમાં ૨૦૨૧-૨૨ સુધીમાં બીબીસીને તેના બજેટના પાંચમા ભાગ જેટલો એટલે કે ૭૪૫ મિલિયન પાઉન્ડનો ખર્ચ થયો હોત. જ્યારે નવી સ્કીમમાં ૨૦૨૧-૨૨ સુધીમાં ૨૫૦ મિલિયન પાઉન્ડનો ખર્ચ થશે. બીબીસી દ્વારા જણાવાયું હતું કે ૭૫થી વધુની વયના તમામને ફ્રી ટીવી લાઈસન્સ માટેનો ખર્ચ ‘અભૂતપૂર્વ બંધ’માં પરિણમ્યો હોત. બીબીસી ટુ, બીબીસી ફોર, બીબીસી ન્યૂઝ ચેનલ, બીબીસી સ્કોટલેન્ડ ચેનલ, રેડિયો ૫ લાઈવ અને સંખ્યાબંધ લોકલ રેડિયો સ્ટેશનોના સંચાલનનું જોખમ ઉભું થાય તેવી શક્યતા હતી.

બીબીસીએ ઉમેર્યું હતું કે આ મુદ્દે ૧૯૦,૦૦૦ લોકો સાથે કન્સલ્ટેશન થયું હતું. જેમાં ૫૨ ટકા લોકોએ ફ્રી લાઈસન્સ નાબૂદ કરવા અથવા તેમાં સુધારા કરવાની તરફેણ કરી હતી. ૨૦૨૦ સુધીમાં પેન્શન ક્રેડિટ માટે અરજી કરવા યોગ્ય પરિવારોની સંખ્યા ૧.૫ મિલિયન થઈ શકે. બીબીસીના ચેરમેન સર ડેવિડ ક્લેમેન્ટીએ જણાવ્યું હતું કે આ ‘ખૂબ કપરો નિર્ણય હતો’ પરંતુ, તે જ ‘વાજબી અને શ્રેષ્ઠ પરિણામ’ હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter