લંડનઃ ગ્રેનફેલ આગ કરુણાંતિકામાં ઓછામાં ઓછી ૫૮ વ્યક્તિના મોત થયાનું બહાર આવ્યું છે ત્યારે સમગ્ર યુકેમાં હાઈ રાઈઝ ૮૭ ટાવર બ્લોક્સ સહિત ૩૦,૦૦૦ બિલ્ડિંગ્સ પણ આવા વિવાદાસ્પદ ક્વિક ફિક્સ પ્રકારના ‘કિલર’ એલ્યુમિનિયમ સુરક્ષા આવરણ ધરાવતાં હોવાની ચેતવણી અપાઈ છે. આવા બિલ્ડિંગ્સ તાકીદે તોડી પાડવાની હાકલ પણ કરવામાં આવી છે. વડા પ્રધાન થેરેસા મેએ વેસ્ટ લંડનની આગ ટ્રેજેડીમાં સંપૂર્ણ જાહેર તપાસ કરવા જણાવ્યું છે.
આર્કિટે્ક્ટ અને ફાયર એક્સપર્ટ સામ વેબના જણાવ્યા અનુસાર ઈમારતોમાં બહારની તરફ લગાવાતું સુરક્ષા આવરણ (cladding) આગ માટે કારણભૂત છે અને તે લંડન બરોઝના બિલ્ડિંગ નિયમનો સાથે સુસંગત નથી. ભાડૂતોને ત્યાં રહેવા મોકલાય તે પહેલા જ સંપૂર્ણ ફાયર સેફ્ટી તપાસ થવી જોઈતી હતી અને જો એમ ન થયું હોય તો તે ક્રિમિનલ અપરાધ છે. પ્રાપ્ત માહિતી મુજબ ૮.૬ મિલિયન પાઉન્ડના ગ્રેનફેલ ટાવરની પુનઃસજ્જાનું કામ કરનારા કોન્ટ્રાક્ટર્સે ફાયરપ્રૂફ ક્લેડિંગ માટે માત્ર ૫૦૦૦ પાઉન્ડ વધુ ખર્ચ્યા હોત તો આ દુર્ઘટના ટળી શકી હોત.
ફાયર સેફ્ટીના ભયથી યુએસમાં પ્રતિબંધિત સેંકડો રેનોબોન્ડ એલ્યુનિનિયમ કોટેડ પેનલ્સ ગયા વર્ષે આ હાઈ-રાઈઝ બિલ્ડિંગની બહાર લગાવાઈ હતી. અંદરના ભાગે પ્લાસ્ટિક ધરાવતી આ પેનલનો ખર્ચ પ્રતિ ચોરસ મીટર ૨૨ પાઉન્ડનો હતો, જે ફાયરપ્રૂફ પેનલ કરતા બે પાઉન્ડ જ સસ્તો હતો. ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ફાયર સેફ્ટી એન્ડ રેસ્ક્યુ ગ્રૂપના અધ્યક્ષ રોની કિંગે જણાવ્યું હતું કે કતાર, બેહરિન અને મિડલ ઈસ્ટમાં આ પ્રકારના ક્લેડિંગ સાથેની ઈમારતો હોય છે પરંતુ, વસવાટના બિલ્ડિંગ્સ પર કદી નહિ.

