૩૦ સપ્ટેમ્બરથી ફર્લો સ્કીમનો અંત

Wednesday 08th September 2021 03:17 EDT
 
 

લંડનઃ કોરોના મહામારીના પગલે લાખો બિઝનેસીસ અને વર્કર્સને સપોર્ટ કરવા મૂકાયેલી ફર્લો સ્કીમનો થોડા સપ્તાહ પછી એટલે કે સપ્ટેમ્બર મહિનાની આખરે અંત આવી રહ્યો છે. ઓગસ્ટ મહિનાના આરંભે ૧.૭ મિલિયન જેટલા લોકો ફર્લો સ્કીમનો લાભ મેળવી રહ્યા હતા. હવે આ સ્કીમનો અંત આવશે તે પછી ઘણા લોકોની છટણી કરી દેવાશે તેવો ભય વ્યક્ત કરાય છે.

સરકાર ફર્લો હેઠળનો સ્ટાફ જેટલા કલાક કામ કરતો નથી તેમાં અપાતી રકમના ફાળામાં ઘટાડો કરતી રહી છે. તે માસિક ૨૫૦૦ પાઉન્ડની મર્યાદા સાથે વેતનના ૮૦ ટકાની ચૂકવણી કરતી હતી પરંતુ, જુલાઈ મહિનાથી તેમાં માસિક ૨૧૮૭.૫૦ પાઉન્ડની મર્યાદા સાથે વેતનના ૭૦ ટકા તેમજ પહેલી ઓગસ્ટથી માસિક ૧૮૭૫ પાઉન્ડની મર્યાદા સાથે વેતનના ૬૦ ટકા ફાળાના હિસાબે ચૂકવણી કરાઈ હતી. 

ફર્લો પરના કર્મચારીની આવકના બાકી ૨૦ ટકા તથા પેન્શન અને નેશનલ ઈન્સ્યુરન્સ ફાળાની રકમ માસિક ૨૫૦૦ પાઉન્ડની મર્યાદા સાથે એમ્પ્લોયર્સ દ્વારા ચૂકવાય છે. આનો અર્થ એ છે કે કર્મચારી જેટલા કલાક કામ કરતો નથી તેના વેતનની ૮૦ ટકા રકમ આજે પણ મેળવે છે. સરકારનો હિસ્સો ઘટવા સાથે તે રકમ હવે એમ્પ્લોયર ચૂકવે છે.

ચાન્સેલર રિશિ સુનાકે માર્ચ ૨૦૨૦માં જોબ રિટેન્શન સ્કીમ ત્રણ મહિના માટે અમલમાં મૂકી હતી પરંતુ, સમયાંતરે ઓક્ટોબર ૨૦૨૦ અને ડિસેમ્બર ૨૦૨૦ સુધી લંબાવાઈ હતી. આ પછી માર્ચ ૨૦૨૧માં બંધ થનારી સ્કીમ ત્રીજા લોકડાઉનના પગલે વધુ એક મહિનો એપ્રિલ ૨૦૨૧ સુધી લંબાવાઈ હતી. હવે ૩૦ સપ્ટેમ્બરે તેનો અંત આવી રહ્યો છે ત્યારે ચાન્સેલર સુનાકે ફર્લો સ્કીમ હવે નહિ લંબાવાય તેવી સ્પષ્ટતા કરી દીધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter