૩૧ ડિસેમ્બરની બ્રેક્ઝિટ ટ્રાન્ઝીશન મર્યાદામાં ફેરફારનો ઈનકાર

Wednesday 17th June 2020 02:30 EDT
 

લંડનઃ બ્રિટને ૩૧ ડિસેમ્બરની બ્રેક્ઝિટ ટ્રાન્ઝીશન સમયમર્યાદાને લંબાવવા સ્પષ્ટ ઈનકાર કર્યો છે. જોકે, કોરોના વાઈરસ મહામારીના કારણે બિઝનેસીસ એડજસ્ટ કરી શકે તે માટે સરહદી ચકાસણી અને ટેરિફ્સમાં છ મહિનાનો વિલંબ કરાશે તેમ કેબિનેટ ઓફિસ મિનિસ્ટર માઈકલ ગોવે ઈયુ મંત્રણાકારો સમક્ષ સ્પષ્ટ કર્યું હતું. યુરોપિયન કમિશનના વાઈસ પ્રેસિડેન્ટ મારોસ સેફ્કોવિકે જણાવ્યું હતું કે બ્રસેલ્સ સમયમર્યાદા વધારવા તૈયાર હતુ પરંતુ, યુકેનો નિર્ણય સ્વીકારી લેવાયો છે. ઉલ્લેખનીય છે કે સ્કોટલેન્ડ અને વેલ્સના ફર્સ્ટ મિનિસ્ટરોએ ટ્રાન્ઝીશન સમયમર્યાદા લંબાવવાની વિનંતીના પત્ર વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને લખ્યા હતા.

કેબિનેટ ઓફિસે જણાવ્યું છે કે ત્રણ તબક્કામાં સરહદી તપાસ દાખલ કરાશે. જાન્યુઆરીથી તમામ આયાત પર ટેરિફ્સ ચૂકવવાની થશે અને સ્ટાન્ડર્ડ માલસામાન આયાત કરનારા વેપારીઓએ બેઝિક કસ્ટ્મ્સ જરુરિયાતો માટે તૈયારી કરવાની રહેશે. તેમની પાસે ડેકલેરેશન્સ પૂર્ણ કરવા છ મહિનાનો સમય રહેશે. એપ્રિલ મહિનાથી માંસ, ડેરી ઉત્પાદનો તેમજ અન્ય પ્રાણીજ અને રેગ્યુલેટેડ પ્લાન્ટ પ્રોડક્ટ્સ માટે પ્રી-નોટિફિકેશન્સ અને સંબંધિત હેલ્થ દસ્તાવેજો જરુરી બનશે. જુલાઈમાં વેપારીઓએ આયાતના પોઈન્ટ્સ ખાતે ડેકલેરેશન્સ કરી ટેરિક ચૂકવવી પડશે. કેબિનેટ ઓફિસે કહ્યું હતું કે  યોજના વિથ્ડ્રોઅલ એગ્રીમેન્ટથી અલગ રીતે આવરી લેવાયેલા નોર્ધર્ન આયર્લેન્ડને લાગુ પડશે નહિ. બિઝનેસીસ કસ્ટમ્સ અધિકારીઓની ભરતી કરી ટ્રેનિંગ આપી શકે તે માટે ૫૦ મિલિયન પાઉન્ડના સપોર્ટ પેકેજની જાહેરાત પણ કરાઈ હતી.

યુકેના સૂત્રોએ જણાવ્યું હતું કે આ બેઠક સમયમર્યાદા વધારવા માટે આખરી તક હતી કારણકે ૧ જુલાઈની ડેડલાઈન પહેલાની આ છેલ્લી બેઠક હતી. હવે વડા પ્રધાન જ્હોન્સન અને ઈયુના વડા ઉર્સુલા વોન ડર લેયેન વચ્ચેની બેઠકમાં વેપાર વાટાઘાટોની મડાગાંઠ ઉકેલવા પ્રયાસ કરાશે. જુલાઈમાં મંત્રણા ટીમો આમનેસામને વાતચીત કરી શકે છે. આગામી સપ્તાહોમાં ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુએલ મેક્રોં બંને દેશો વચ્ચેના સંબંધોમાં ‘નવું પ્રકરણ’ આલેખવા યુકેની મુલાકાત લેવાના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter