૪.૪ મિલિયન દર્દીઃ NHS નું નવું વિક્રમી વેઈટિંગ લિસ્ટ!

Wednesday 17th July 2019 03:42 EDT
 
 

લંડનઃ NHS ના વેઈટિંગ લિસ્ટે નવો વિક્રમ સર્જ્યો છે. ૪.૪ મિલિયન લોકોએ સામાન્ય સારવાર માટે પણ મહિનાઓ સુધી રાહ જોવી પડે છે. અત્યાર સુધી તો શિયાળાના મહિનાઓ દરમિયાન આવી હાલત રહેતી હતી પરંતુ, હવે તો આખું વર્ષ આ સ્થિતિ રહે છે. પથારી માટે રાહ જોતાં સંખ્યાબંધ A&E પેશન્ટ્સને ટ્રોલીઓમાં બેસાડી રખાય છે તેમની સંખ્યામાં ૭૦ ટકાનો વધારો થયો છે.

NHSમાં સારવાર માટે રાહ જોતા દર્દીઓની સંખ્યામાં સતત ત્રીજા મહિને પણ વધારો થયો હોવાનું આંકડાઓ જણાવે છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જ આવા ૨૫૦,૦૦૦ દર્દીનો વધારો થયો છે. ઈંગ્લેન્ડમાં રોયલ કોલેજ ઓફ નર્સિંગના ડાયરેક્ટર પેટ્રિશિયા માર્ક્વિસ કહે છે કે કુલ ૪.૩૯ મિલિયન દર્દીના વેઈટિંગ લિસ્ટથી તેમને આશ્ચર્ય થયું નથી. સ્ટાફ અને પથારીની અછતના કારણે રાહ જોવાના સમયમાં વધારો થતો હોવાનું ખુદ NHS England સ્વીકારે છે. હોસ્પિટલમાં સારવાર હોય કે કેન્સરનું નિદાન, સારસંભાળ કે જીપીની સામાન્ય એપોઈન્ટમેન્ટ પેશન્ટ માટે રાહ જોવાનો સમય વધતો જ જાય છે. ઈંગ્લેન્ડમાં જ ૧૦માંથી એક નર્સિંગ પોસ્ટ ખાલી રહે છે અને વધુ સ્ટાફની ભરતી ન થાય ત્યાં સુધી પરિસ્થિતિ બદલાશે નહિ.

આવી ખરાબ હાલતનું એક કારણ પણ વિચિત્ર છે. વધુ ટેક્સ ભરવાનો આવશે તેવા ભયથી સ્ટાફ વધારાની સિફ્ટમાં કામ કરવાનું સ્વીકારતો નથી. નવા નિયમો અનુસાર જીપી અથવા કન્સલ્ટન્ટ્સ વર્ષે ૧૧૦,૦૦૦ પાઉન્ડથી વધુ કમાણી કરે તો તેમના કુલ પેન્શન મૂલ્યના ૯૦ ટકા સુધીના ઊંચા ટેક્સદરનો સામનો કરવો પડે છે. બ્રિટિશ મેડિકલ એસોસિયેશન દ્વારા કન્ઝર્વેટિવ પાર્ટીની નેતાગીરીના બે ઉમેદવાર જેરેમી હન્ટ અને બોરિસ જ્હોન્સનને આ મુદ્દે સુધારાની હિમાયત કરવા જણાવાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter