લંડનઃ જોઈન્ટ કમિટી ઓન વેક્સિનેશન એન્ડ ઈમ્યુનાઈઝેશન (JCVIની ભલામણને અનુસાર ઈંગ્લેન્ડમાં કોરોનાથી સંક્રમણનું જોખમ ધરાવતા ૫–૧૧ વયજૂથનાં આશરે ૫૦૦,૦૦૦ બાળકોને કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ નેશનલ હેલ્થ સર્વિસ (NHS) દ્વારા આપવામાં આવશે.
ડાયાબિટીસ, ઈમ્યુનોસપ્રેશન, લર્નિંગ ડિસેબિલિટીઝ તેમજ અન્ય ગંભીર બીમારીઓ ધરાવતા બાળકોને કોરોના વાઈરસથી સંક્રમિત થવાનું જોખમ રહેલું છે. NHS વેક્સિનેશન પ્રોગ્રામના નાયબ વડા અને ભારતીય મૂળના ડો. નિક્કી કાનાણીએ જણાવ્યું હતું કે, ‘આપણે જાણીએ છીએ કે વેક્સિન્સ ઓમિક્રોન વેરિઅન્ટ સહિત કોરોનાની ગંભીર બીમારી સામે નોંધપાત્ર રક્ષણ આપે છે. આથી, આપણા બાળકોને અને ખાસ કરીને કોરોનાથી સંક્રમણનું જોખમ હોય તેમને રક્ષણ આપવું વિશેષ મહત્વનું છે.’
યુએસ અને ઈઝરાયેલની સરખામણીએ બ્રિટન ૫–૧૧ વયજૂથને વ્યાપકપણે વેક્સિન આપી રહ્યું નથી અને અન્ય દેશોની સરખામણીએ તે ઘણું ધીમું પણ છે. આ બાળકોને Pfizer-BioNTech (PFE.N) વેક્સિનના ૧૦ માઈક્રોગ્રામના બે ડોઝ આપવામાં આવશે જે, પુખ્ત વયના લોકોને અપાતા ડોઝના ત્રીજા ભાગનો છે.
અગાઉ, NHS દ્વારા ૧૨થી વધુ વયજૂથ માટે વેક્સિનની કામગીરી શરૂ કરાઈ છે અને ૧૨-૧૭ વયજૂથના બાળકોને વેક્સિનના ૩.૫ મિલિયનથી વધુ ડોઝ આપી દીધાં છે જેમાં ૨.૪ મિલિયનથી વધુ પ્રથમ ડોઝ છે. ઈંગ્લેન્ડમાં શાળાના બાળકોમાં સંક્રમણનું પ્રમાણ ઊંચુ છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના અંદાજ મુજબ ૨૨ જાન્યુઆરીએ પૂર્ણ થયેલા સપ્તાહ સુધીમાં શાળાના નાના વિદ્યાર્થીઓના ૧૨ ટકાને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે.


