લંડન: બ્રિટનમાં ૩.૭ ફૂટના યુવક અને ૫.૪ ફૂટની યુવતીએ લગ્ન કરીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાના નામ નોંધાવ્યા છે. તેમના નામ પતિ-પત્નીની ઊંચાઇમાં સૌથી વધુ અંતર માટે ગિનેસ બુકમાં ઉમેરાયા છે. તેમની લંબાઈમાં ૧.૭ ફૂટનું અંતર છે. આ કપલ છે ૩૩ વર્ષનો જેમ્સ લસ્ટેડ અને ૨૭ વર્ષની ક્લોઈ. બંને વેલ્સમાં રહે છે. ગિનેસ વર્લ્ડ રેકોર્ડસે ખુલાસો કર્યો છે કે, અલગ અલગ લિંગના વિવાહિતોની શ્રેણીમાં આ કપલની ઊંચાઈમાં અંતર દુનિયામાં સૌથી વધુ છે. જેમ્સ એક ટીવી શોમાં મૂક અભિનય કરે છે. તે ડ્રાયસ્ટોફિક ડિસ્પ્લેસિયા નામથી ઓળખાતી એક દુર્લભ પ્રકારની બીમારીનો ભોગ બન્યો છે. જેમ્સ તેની પત્ની ક્લોઈને પહેલી વખત કોમન ફ્રેન્ડ્સ દ્વારા એક પબમાં મળ્યો હતો, આ પરિચય બાદમાં પ્રેમમાં અને પછી લગ્નમાં પરિણમ્યો.
જેમ્સ અને ક્લોઈએ લગ્ન કર્યા ત્યારે ચર્ચમાં ફાધરના આદેશને અનુસરીને જેમ્સે સીડી પર ચડીને પત્નીને કિસ કરી હતી. આ કપલને ઓલિવિયા નામની બે વર્ષની એક દીકરી પણ છે. ટીચર તરીકે જોબ કરતી ક્લોઈએ સ્વીકાર્યું કે શરૂમાં તેને પણ લાંબા કદના છોકરાઓ પ્રત્યે આકર્ષણ રહેતું હતું, પરંતુ જ્યારે તે જેમ્સને મળી તો તેની પસંદ એકદમ બદલાઈ ગઈ. જેમ્સને તેના પરિવારના લોકો અને મિત્રો પ્રેમથી જો નામથી બોલાવે છે. તે એક પ્રકારે આનુવંશિક બીમારીથી પીડાય છે, પરંતુ તેની દીકરીને આ બીમારી નથી.
જેમ્સ કહે છે કે જ્યારે ફ્લોરિડાના ડિઝનીના પ્રવાસ દરમિયાન ક્લોઈએ પ્રપોઝ કર્યું તો તે પોતાને ૧૦ ફૂટ ઊંચો હોવાનું અનુભવી રહ્યો હતો. તેણે કહ્યું કે મારી દીકરીને તેડવી મારા માટે દુનિયાના સૌથી સારા કામોમાંથી એક છે. ક્લોઈ સાથે લગ્ન કર્યા એને તે પોતાનો જીવનનો સૌથી સારો દિવસ માને છે. ડ્રાયસ્ટોફિક ડિસપ્લેસિયા એક દુર્લભ બીમારી છે. આ બીમારીથી વ્યક્તિનું શરીર વિકૃત અને કદ નાનું રહે છે. આ બીમારી અંદાજે એક લાખ લોકોમાંથી એક કે બે જણાને થાય છે.