૫૯૦,૦૦૦ લોકો ફરી કામે વળગ્યાઃ હજુ ૧.૯ મિલિયન લોકો ફર્લો પર

Wednesday 04th August 2021 04:57 EDT
 

લંડનઃ કોવિડના માર પછી અર્થતંત્ર ફરી તેજીમાં આવી રહ્યું છે ત્યારે મે મહિના પછી ૫૯૦,૦૦૦ લોકો ફરી કામે વળગ્યા છે. આમ છતાં, જૂન મહિનાના અંત સુધીમાં હજુ ૧.૯ મિલિયન વર્કર્સ ફર્લો પર છે અને આ સપ્ટેમ્બર મહિના પછી ફર્લો યોજના સમાપ્ત થયા પછી લાખો લોકો બેરોજગાર બની જશે તેવો ભય સેવાય છે. સંપૂર્ણ ફર્લો પર રહેલા કુલ ૧.૨૩ મિલિયન લોકોમાંથી ઘણા લોકો પાર્ટ-ટાઈમ કામ કરી રહ્યા હોવાથી તેમની સંખ્યા ઘટીને ૯૭૦,૦૦૦ની થઈ છે.

વર્કર્સના વેતનનો બોજો ટ્રેઝરી પરથી ધીરે ધીરે કંપનીઓ પર આવી રહ્યો છે. જુલાઈ મહિનાથી એમ્પ્લોયર્સે તેમના કર્મચારીઓના વેતનનો ૧૦ ટકા હિસ્સો ચૂકવવો પડ્યો છે અને સરકારનો હિસ્સો ૮૦ ટકામાંથી ઘટી ૭૦ ટકા થયો છે. ઓગસ્ટ મહિનાથી એમ્પ્લોયર્સે ૨૦ ટકા હિસ્સો ભોગવવો પડશે જ્યારે સરકારનો હિસ્સો ૬૦ ટકા થઈ જશે. ફર્લો સ્કીમ સપ્ટેમ્બર મહિના પછી બંધ થઈ રહી છે. જાન્યુઆરી મહિનાથી ફર્લો પર રહેલા કર્મચારીઓની સંખ્યા ઘટતી રહી છે જ્યારે ૫.૧ મિલિયન વર્કર્સ ઘરમાં બેઠા હતા. સરકારી યોજના હેઠળ તેમને વેતનના ૮૦ ટકા અથવા મહત્તમ માસિક ૨૫૦૦ પાઉન્ડના વેતનની ગેરન્ટી અપાઈ હતી.

હવે જુલાઈ મહિનામાં ચારમાંથી એક કરતાં વધુ એમ્પ્લોયર્સના થોડા કર્મચારી ફર્લો પર છે. યુકે એરલાઈન્સની આશરે ૫૮ ટકા નોકરીઓ ઉપરાંત, ટ્રાવેલ એજન્સીઓ, ટુર ઓપરેટર્સ, ફોટોગ્રાફર્સ અને કળાક્ષેત્રમાં પણ ઘણા લોકો ફર્લો પર છે. સમગ્ર મહામારીના કાળમાં સૌથી વધુ યુવા વર્ગ ફર્લો પર હતો પરંતુ, જૂન મહિનાથી બધું બદલાયું છે. ૨૫ વર્ષથી ઓછી વયના ૬૦૦,૦૦૦ યુવાનો કામે લાગ્યા છે અથવા તેમની છટણી કરી દેવાઈ છે. હવે ૬૫થી વધુ વયના કર્મચારીઓ ફર્લો પર સૌથી વધુ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter