લંડનઃ બ્રિટનમાં ઉચ્ચ અભ્યાસાર્થે આવેલા મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ પુરો કર્યા પછી બ્રિટન છોડી જતા હોવાનું સત્તાવાર આંકડાઓ સ્પષ્ટ કરે છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS) અનુસાર એપ્રિલ ૨૦૧૬ થી એપ્રિલ ૨૦૧૭ના એક વર્ષના ગાળામાં ૭,૪૦૯ ભારતીય વિદ્યાર્થી તેમની સ્ટુડન્ટ વિઝાની મુદ્દત પુરી થાય તે પહેલા બ્રિટન છોડી ગયા હતા. માત્ર ૨૨૦૯ જણાએ બ્રિટનમાં વધુ રોકાણ કરવા માટે વિઝાની મુદ્દત વધારવા માગણી મૂકી હતી.
ONSના ડેટા મુજબ, ‘થાઇ, ભારતીય અને ઉત્તર અમેરિકન વિદ્યાર્થીઓ તેમના સ્ટુડન્ટ્સ વિઝાની મુદ્દત પૂર્ણ થવા અગાઉ જ બ્રિટન છોડી જાય છે, જ્યારે રશિયન, બાંગલાદેશી, પાકિસ્તાની અને સાઉદી અરેબિયન વિદ્યાર્થીઓ બ્રિટનમાં રહેવા તેમના વિઝાની મુદ્દત વધારે છે.’ આનાથી એ બાબતને પણ સમર્થન મળ્યું હતું કે, ભારતીય વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના ઉચ્ચ અભ્યાસમાં બ્રિટનને મુખ્ય પસંદગી આપતા નથી.
બ્રિટન જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ખૂબ ઘટાડો થતો જાય છે. વર્ષ ૨૦૦૭માં ૯,૬૦૦ (આશરે ૭ ટકા) ભારતીય વિદ્યાર્થીઓને વિઝા અપાયા હતા પરંતુ, ૨૦૧૦માં ફાળવેલા ૪૦,૫૦૦ વિઝામાં તેમનો ફાળો માત્ર પાંચ ટકા જ રહ્યો હતો. જોગાનુજોગ આ આંકડાઓ એપ્રિલ ૨૦૧૫માં દાખલ કરાયેલી નવી એક્ઝિટ ચેક સિસ્ટમ પરિણામ સાથે મેળ ખાય છે. આ ચેક સિસ્ટમનો હેતુ જે લોકો બ્રિટન આવ્યા હતા, તેઓ તેમની જવાની તારીખે બ્રિટનથી પરત ગયા હતા કે નહિ તે ચકાસવાનો હતો.