૭/૭ પછી બ્રિટનમાં સૌથી વિનાશક ત્રાસવાદી હુમલો

Tuesday 23rd May 2017 15:00 EDT
 
 

યુરોપમાં ફ્રાન્સ અને બ્રિટન સહિતના દેશો ત્રાસવાદી હુમલાઓનો શિકાર બન્યા છે. જુલાઈ ૨૦૦૫માં લંડન ટ્યૂબ બોમ્બિંગની ઘટનામાં સુસાઈડ બોમ્બર્સ દ્વારા હુમલામાં ૫૬ લોકોનાં મોત નીપજ્યાં હતા. તેના એક દાયકા કરતા વધુ વર્ષ પછી માન્ચેસ્ટરમાં સુસાઈડ એટેકમાં ૨૨ લોકોનાં મોત ઉપરાંત ૫૯ને ઈજા પહોંચી છે. અગાઉ માન્ચેસ્ટરમાં ૧૯૯૬માં IRA દ્વારા શોપિંગ મોલની બહાર કરાયેલા બોમ્બ વિસ્ફોટમાં ૨૧૨ લોકોને ઈજા પહોંચી હતી.

તાજેતરના વર્ષોમાં યુકેમાં ઘાતક હુમલાઓ

વેસ્ટમિન્સ્ટર એટેક - ૨૨ માર્ચ,૨૦૧૭ઃ ઈસ્લામિસ્ટ ખાલિદ મસૂદે વેસ્ટમિન્સ્ટર બ્રિજ પર લોકોની ભીડ પર અસંખ્યને કચડી નાખવા સાથે ચાર વ્યક્તિની હત્યા કરી હતી.
લેટનસ્ટોન નાઈફ એટેક - ૦૫ ડિસેમ્બર, ૨૦૧૫ઃ સોમાલિયામાં જન્મેલા મુહિદ્દીન માઈરે લેટનસ્ટોન અંડરગ્રાઉન્ડ સ્ટેશનના ટિકિટ હોલ ખાતે ચાકુથી આતંક મચાવ્યો હતો અને એક વ્યક્તિનું ગળુ કાપી નાખવા પ્રયાસ પણ કર્યો હતો.
લી રિગ્બી એટેક - ૨૨ મે, ૨૦૧૩ઃ સાઉથ ઈસ્ટ લંડનના વુલીચની મિલિટરી બેરેક્સની બહાર ૨૨ વર્ષના માઈકલ એડબોવાલે અને ૨૮ વર્ષના માઈકલ એડબોલાજોએ ફ્યુસિલિઅર લી રિગ્બી પર હુમલો કરી તેની ઘાતકી હત્યા કરી હતી.
લંડન ૭/૭ ટ્યૂબ બોમ્બિંગ - ૦૭ જુલાઈ, ૨૦૦૫ઃ ચાર ઈસ્લામિસ્ટ ત્રાસવાદીએ તેમની બેકપેક્સમાં રાખેલા ત્રણ બોમ્બનો વિસ્ફોટ લંડન અંડરગ્રાઉન્ડ ખાતે કર્યો હતો. આ ઘટનામાં ૫૬ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ૭૦૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં.
૧૯૯૬ IRA બોમ્બિંગ - ૧૫ જૂન, ૧૯૯૬ઃ આઈરિશ ક્રાંતિકારી સંસ્થા IRA દ્વારા ૧૯૯૬ની ૧૫ જૂને માર્ક્સ એન્ડ સ્પેન્સર અને અર્નડેલ શોપિંગ સેન્ટર નજીક ૧.૫ ટન વિસ્ફોટકો ભરેલી ટ્રકનો વિસ્ફોટ કરાયો હતો. આ ઘટનામાં કોઈનું મોત થયું ન હતું પરંતુ, ૨૧૨ લોકોને ઈજા પહોંચી હતી. વિસ્ફોટના કારણે અડધા માઈલની ત્રિજ્યામાં દુકાનો અને ઓફિસ ઈમારતોનો નાશ થવાથી ૭૦૦ મિલિયન પાઉન્ડનું નુકસાન થયું હતું.

વિશ્વભરમાં મનોરંજન સ્થળો અને નાઈટક્લબો પર ત્રાસવાદી હુમલાઓ 

નવેમ્બર ૧૩, ૨૦૧૫ - બાટાક્લાન થીએટરઃ પેરિસ ત્રાસવાદી હુમલામાં બાટાક્લાન થીએટરમાં ‘ઈગલ્સ ઓફ ડેથ મેટલ’ રોક કાર્યક્રમ દરમિયાન સામૂહિક લોહિયાળ શૂટિંગ કરાયું હતું. થીએટરમાં ૮૯ લોકોનાં મોત થયાં હતાં અને ૧૩મીના શુક્રવારની રાત્રે ફ્રાન્સની રાજધાનીમાં કુલ ૧૩૦ના મોત થયાં હતા. આખા પેરિસમાં થઈને કુલ ૩૬૮ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈસ્લામિક સ્ટેટના સાત હુમલાખોરને મારી નખાયા હતા.
નવેમ્બર ૧૩, ૨૦૧૫ - લા કેરિલોન બારઃ પેરિસ ત્રાસવાદી હુમલાખોરોએ આ બારને પણ નિશાન બનાવ્યો હતો, જ્યાં ૨૦ લોકોની હત્યા કરી હતી.
ડિસેમ્બર ૦૪, ૨૦૧૫- કેરો રેસ્ટોરાંઃ ઈજિપ્તની રાજધાની કેરોમાં અલ સયાદ રેસ્ટોરાંમાં ફાયરબોમ્બ ફેંકાતા ૧૬ લોકોનાં મોત થયાં અને ત્રણને ઈજા પહોંચી હતી. રેસ્ટોરાંમાંથી બહાર નીકળવા એક જ રસ્તો હતો.
જૂન ૧૨, ૨૦૧૬ - ઓર્લેન્ડો નાઈટક્લબઃ ફ્લોરિડાના ઓર્લેન્ડોની ગે પલ્સ નાઈટક્લબમાં ૨૯ વર્ષીય ઓમર માટીને અંધાધૂંધ ગોળીબારમાં ૪૯ લોકોને મારી નાખ્યા હતા. યુનાઈટેડ સ્ટેટ્સના ઈતિહાસમાં એક બંદૂકબાજ દ્વારા સમલૈંગિક લોકો સામે સૌથી ખતરનાક હિંસાની સૌથી મોટી ઘટના છે. પલ્સ નાઈટક્લબમાં પોલીસ સામે ત્રણ કલાક ઝીંક ઝીલ્યા પછી માટીનને ઠાર કરાયો હતો.
જૂન ૨૮, ૨૦૧૬ - કુઆલા લુમ્પુર નાઈટક્લબઃ મલેશિયાના કુઆલા લુમ્પુરની મોવિદા નાઈટક્લબ ખાતે ભીડમાં ગ્રેનેડ ફેંકાયો હતો, જેમાં આઠ લોકોને ઈજા થઈ હતી. આ વર્ષે માર્ચમાં હાઈ કોર્ટે આ ઘટના સંદર્ભે બે લોકોને ૨૫ વર્ષની તેમજ ઈસ્લામિક સ્ટેટને સપોર્ટ કરવા બદલ વધારાના ૧૦ વર્ષની સજા ફરમાવી હતી.
ન્યુ યર ઈવ, ૨૦૧૬-૧૭- ઈસ્તંબુલ નાઈટક્લબઃ તુર્કીના ઈસ્તંબુલની રેઈના નાઈટક્લબમાં નવા વર્ષની પૂર્વસંધ્યાએ મોજ માણી રહેલાં લોકો પર શૂટરે ગોળીઓ વરસાવી ૩૯ લોકોની હત્યા કરી હતી. બંદૂકબાજ ઉઝબેકિસ્તાનમાં જન્મેલો અબ્દુલકાદિર માશારિપોવ બે સપ્તાહ પછી પકડાયો હતો.
જાન્યુઆરી ૦૧, ૨૦૧૬ - તેલ અવિવ બારઃ ઈઝરાયલમાં તેલ અવિવના સિમટા બારમાં નવા વર્ષના દિવસે શૂટરે મશીનગનથી કરેલા ગોળીબારમાં બે લોકોનાં મોત સાથે સાત લોકોને ઈજા પહોંચી હતી. ગોળીબાર કરતી વખતે શૂટર નાશાત મેલ્હેમ હસતો રહ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter