૭.૧૦ લાખ જૂની કારો ન વેચાતા સ્ટેડિયમમાં પાર્ક કરી દેવાઇ

Saturday 03rd April 2021 02:02 EDT
 
 

લંડનઃ ભારત હોય કે બ્રિટન દુનિયાભરમાં સેકન્ડ હેન્ડ કારનું મોટું માર્કેટ છે. સામાન્ય રીતે ઓછી આવકવાળા પરિવારો જૂની કોરોને જ પ્રાથમિકતા આપે છે, પણ કોરોનાકાળમાં નોકરી ગુમાવવા અને રોજગાર ન મળી શકવાને કારણે જૂની કારની ઇન્ડસ્ટ્રીને આશરે ૧૬૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ખરેખર તો બ્રિટનમાં જૂની કારોનું બજાર ૩૧ ટકા સુધી ઘટી ગયું છે. અહીં ૨૦૧૯ સુધી ૨૩.૧૦ લાખ જૂની કારો વેચાઇ રહી હતી પણ ૨૦૨૦માં આ સંખ્યા ઘટીને ૧૬ લાખ થઇ ચૂકી છે. મતલબ કે ૭.૧૦ લાખ કાર વેચાઇ નથી. હવે આ કારને સ્ટેડિયમમાં ઊભી કરવાની નોબત આવી છે.
સોસાયટી ઓફ મોટર મેન્યુફેક્ચર્સ એન્ડ ટ્રેડર્સના જણાવ્યા પ્રમાણે ૬.૭૦ કરોડની વસ્તી ધરાવતા બ્રિટનમાં ૪૨ લાખ કાર છે. પણ,કોરોનાને લીધે જૂની કારોનું વેચાણ ૨૮ વર્ષમાં પહેલીવાર આટલુ ઘટ્યું છે.
નવી કારોનું વેચાણ પણ ઘટ્યું
યુરોપમાં નવી કોરોનું વેચાણ ૨૬ ટકા ઘટી ગયું છે. યુરોપમાં ૫ સૌથી મોટાં બજારોમાં કાર વેચાણમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્પેનમાં ૫૧.૫ ટકા, જર્મનીમાં ૩૧ ટકા, બ્રિટનમાં ૩૯.૫ ટકા, ઇટલીમાં ૧૪ ટકા અને ફ્રાન્સમાં ૫.૮ ટકા નવી કારો વેચાઇ નથી. જ્યારે સ્વિડન યુરોપનો એકમાત્ર દેશ છે જ્યાં વેચાણ સકારાત્મક રહ્યું. અહીં નવી કારના વેચાણમાં ૨૨.૫ ટકાનો વધારો નોંધાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter