૭૪મા સ્વાતંત્ર્ય દિને યુકે ખાતેના ભારતીય હાઈ કમિશનરે શુભેચ્છા પાઠવી

Thursday 13th August 2020 05:57 EDT
 
 

લંડનઃ યુકે ખાતેના ભારતના નવા હાઈ કમિશનર ગાયત્રી ઈસ્સાર કુમારે ભારતના ૭૪મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ભારતીય નાગરિકો, ડાયસ્પોરા કોમ્યુનિટી અને યુકેમાં રહેતા ભારતના શુભેચ્છકોને શુભકામના પાઠવી છે.

એક શુભેચ્છા સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારત આઝાદ થયું ત્યારથી લગભગ દરેક ક્ષેત્રમાં વૈશ્વિક ખેલાડી તરીકે ઉભરી રહ્યું છે. સાથે જ ભારતે રાષ્ટ્રને એકસૂત્રે બાંધી રાખતા મૂલ્યોને પણ જાળવી રાખ્યા છે. છેલ્લાં ૭૩ વર્ષમાં ભારતે વૈશ્વિક શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિમાં યોગદાન આપવાની સાથે સાથે નાગરિકોનું આર્થિક અને સામાજિક કલ્યાણ સુનિશ્ચિત સારી પ્રગતિ કરી છે.

ભારત અને યુનાઈટેડ કિંગ્ડમ ૨૦૦૪થી વ્યૂહાત્મક ભાગીદારો છે. બન્ને દેશ £૨૪ બિલિયન કરતાં વધુના દ્વિપક્ષીય વ્યાપાર સાથે આર્થિક ભાગીદારીને મજબૂત બનાવવા માગે છે. તાજેતરમાં યોજાયેલી ૧૪મી ભારત – યુકે સંયુક્ત આર્થિક અને ટ્રેડ કમિટીની બેઠક યોજાઈ તેનાથી બ્રેક્ઝિટ પછીના સમયમાં આપણા વ્યાપાર અને મૂડીરોકાણના સંબંધને વધુ મજબૂત બનાવવાનો માર્ગ મોકળો થયો હતો.

યુનાઈટેડ કિંગ્ડમમાં ભારત બીજા નંબરનું સૌથી મોટું રોકાણકાર છે. યુકેમાં ઈન્ડિયન ડાયસ્પોરાની માલિકીની ૬૫,૦૦૦થી વધુ કંપનીઓ છે. તેમની સંયુક્ત આવક £૩૬.૮૪ બિલિયન છે.

તેમણે કોવિડ – ૧૯ મહામારી દરમિયાન અટવાયેલા ભારતીયોને મદદ માટે ભારતીય કોમ્યુનિટી દ્વારા કરાયેલા નિઃસ્વાર્થ પ્રયાસોની પ્રસંશા કરી હતી. આ મહામારીના સમયના સૌથી પડકારજનક સંજોગોમાં આપણા સફળ સહયોગે ભારત અને યુકે આપણા લોકોના લાભ માટે સાથે મળીને કેવી સારી રીતે કામગીરી કરી શકે તે દર્શાવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter