લંડનઃ બ્રિટનમાં સરેરાશ દર ૭૫ સેકંડે ઘરેલુ હિંસાનો એક કેસ નોંધાય છે. એન્ટિ-ડોમેસ્ટિક એબ્યુઝ ચેરિટી ‘સેફ લાઈવ્સ’ના સંશોધન અનુસાર ઘરેલુ હિંસાનો ભોગ બનનારી દર ૧૨ મહિલામાંથી એક મહિલા સત્તાવાળાનો સંપર્ક કરે તે પહેલા લગભગ ૫૦ હુમલા સહન કરે છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા મુજબ સપ્ટેમ્બર ૨૦૧૫ સુધીના છ મહિનામાં ઈંગ્લેન્ડ અને વેલ્સની પોલીસે ઘરેલુ હિંસાની ૨૦૭,૫૧૪ ઘટના નોંધી હતી, જે દર ૭૫ સેકંડે એક ઘટના બરાબર છે.
મોટા ભાગે મહિલા જ હિંસાનો શિકાર બને છે, જ્યારે પુરુષોની સંખ્યા પણ ઘણી છે. ૧૬થી ૫૯ વર્ષ વયજૂથની અંદાજે ૧.૪ મિલિયન મહિલા અથવા કુલ વસ્તીના ૮.૫ ટકા મહિલા દર વર્ષે કોઈક રીતે ઘરેલુ હિંસાનો શિકાર બને છે.
ડોમેસ્ટિક વાયોલન્સના તાજા આંકડા એક દસ્તાવેજી ટીવી ફિલ્મના પ્રારંભે દર્શાવાય છે. તેમાં ત્રણ મહિલાને તેમના પાર્ટનર દ્વારા હિંસાનો ભોગ બનતી દર્શાવાઈ છે. બે બાળકોની માતા જેમ્માને એક્સ બોયફ્રેન્ડે માર મારતા છ દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. કેન્સર થયું હોવાનું ખોટું બહાનું બનાવીને ડેવ્યેન મેસને તેના ઘરમાં ઘૂસીને જેમ્માના માથા પર જોરદાર પ્રહાર કરતા તે ફસડાઈ પડી હતી.


