લંડનઃ બીબીસી દ્વારા ૭૫ વર્ષથી વધુ વયના લોકો માટે લાઈસન્સ ફી ચૂકવવાનો ગ્રેસ પીરિયડ ૩૧ જુલાઈએ પૂરો કરાશે અને હજુ ૨૬૦,૦૦૦ પેન્શનરોએ ફી ચૂકવવાની બાકી છે. આ વય જૂથમાં પેન્શન ક્રેડિટ બેનિફિટ ધરાવનારા સિવાયના લોકો માટે મફત ટેલિવિઝન લાઈસન્સનો અધિકાર ગત વર્ષે ઓગસ્ટમાં સમાપ્ત થયો હતો પરંતુ, મહામારીના કારણે બાબીસીએ ફેબ્રુઆરીમાં ટ્રાન્ઝિશન પીરિયડની જાહેરાત કરી હતી.
બીબીસીએ જણાવ્યું હતું કે ૭૫ વર્ષથી વધુ વયના ૩.૯ મિલિયન લોકોએ તેમની નવા ટીવી લાઈસન્સની વ્યવસ્થા કરવાની જરુર હતી અને ૩.૬ મિલિયન લોકોએ આવી વ્યવસ્થા કરી લીધી છે. બીબીસી હવે બાકી રહેલા ૨૬૦,૦૦૦ લોકોને પત્ર પાઠવી આગામી પગલાં ઉપરાંત, તેઓ ક્યાંથી સલાહ અને સપોર્ટ મેળવી શકે તેની જાણકારી આપશે.
વૃદ્ધ પેન્શનરોને ફ્રી ટીવી લાઈસન્સનો અંત લાવવા વિરુદ્ધ અભિયાન ચલાવતી સંસ્થા ‘સિલ્વર વોઈસીસ’ દ્વારા જે વયોવૃદ્ધો ફી ચૂકવી નહિ શકે તેમને કોર્ટ લઈ જવાશે તેવો પ્રશ્ન પણ પૂછાયો છે. પૂર્વ ક્રિકેટર સર ઈયાન બોથામે જણાવ્યું હતું કે ઘણા લોકોએ ભારે ખચકાટ સાથે ફી ચૂકવી છે.