લંડનઃ પ્રિન્સ હેરીના સંસ્મરણોનું પુસ્તક આગામી વર્ષે બજારમાં આવી જવાની જાહેરાત થઈ છે ત્યારે પ્રિન્સ હેરી અને મેગને શાહી પરિવાર સામે જાહેરમાં બખાળા કર્યા પછી તેમાં શું લખાયું હશે તે જાણવાની ઉત્સુકતા સહુને હોય તે સ્વાભાવિક છે. જોકે, એક સર્વે અનુસાર લગભગ ૮૦ ટકા બ્રિટિશરોને પ્રિન્સ હેરીના મસાલા સંસ્મરણો વાંચવામાં રસ નથી અને ૩૮ ટકા લોકો તો એમ માને છે કે આ પુસ્તક ‘ઘણું જ અયોગ્ય’ કહેવાય.
પ્રિન્સ હેરીએ પોતાની જીવન કથની કહેવા ૨૦ મિલિયન ડોલરમાં પેન્ગ્વિન રેન્ડમ હાઉસ સાથે કરાર કર્યો છે, જેમાં શાહી પરિવારમાં અને બહાર તેના જીવનની રોચક અને મસાલાસભર વાતો અથવા ‘ટ્રુથ બોમ્બ્સ’ના વિસ્ફોટક પર્દાફાશ કરાયા હોવાનું મનાય છે. પ્રકાશન હાઉસ દ્વારા જાહેરાત કરાઈ તે અગાઉ હેરીએ પોતાના સંસ્મરણોના પુસ્તક વિશે ક્વીન, પ્રિન્સ ચાર્લ્સ અથવા પ્રિન્સ વિલિયમને કોઈ માહિતી આપી નહિ હોવાનું પણ કહેવાય છે.ડેઇલી મેઇલના અહેવાલ મુજબ પ્રિન્સ હેરી કહે છે કે ‘તેમને પુસ્તક લખવા માટે ક્વીનની પરવાનગીની જરૂર નથી.’ જોકે, સસેક્સ દંપતીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્રિન્સ હેરીએ પોતાના સંસ્મરણો પ્રસિદ્ધ કરવાનો ઈરાદાની જાણ ક્વીન અને શાહી પરિવારના અન્ય સભ્યોને તાજેતરમાં જ કરેલી છે.
યુકેમાં આ પુસ્તક બાબતે ૫,૮૦૮ વયસ્ક લોકોનો અભિપ્રાય મેળવાયો હતો જેમાં ૧૦માંથી લગભગ ચાર વ્યક્તિએ પુસ્તકને અત્યંત અયોગ્ય અને ૧૫ ટકાએ અયોગ્ય ગણાવ્યું હતું. પુસ્તકને અયોગ્ય ગણાવવામાં સ્ત્રીઓની સંખ્યા વધુ હતી.