૮૦ વર્ષથી વધુ વયના ૭૮.૭ ટકાને કોવિડ વેક્સિન અપાયું

Wednesday 03rd February 2021 03:52 EST
 
 

લંડનઃ હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યું હતું કે યુકેમાં ૯માંથી એક વયસ્ક વ્યક્તિએ કોવિડ વેક્સિન મેળવી છે પરંતુ, NHS હજું હોસ્પિટલાઈઝેશનના વધતા બોજા હેઠળ છે. તેમણે કહ્યું હતું કે દેશમાં ૬.૫ મિલિયન લોકોને વેક્સિન આપવામાં આવી છે જેમાં ૮૦ વર્ષથી વધુ વયના ૭૮.૭ ટકા (પાંચમાંથી ચાર) લોકોનો સમાવેશ થાય છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે કડક લોકડાઉન નિયંત્રણો હળવાં કરવાનો નિર્ણય લેવામાં આવે તે અગાઉ મૃત્યુદર અને હોસ્પિટલાઈઝેશનમાં નોંધપાત્ર ઘટાડો થવો જરુરી છે.

હેલ્થ સેક્રેટરી હેનકોકે જણાવ્યું હતું કે ઈંગ્લેન્ડમાં ૯માંથી એક પુખ્ત વ્યક્તિને કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. જોકે, વેક્સિનના પુરવઠાની સમસ્યા થવાથી વેક્સિનેશન પૂરજોશમાં ચાલી શકતું નથી. તેમણે કહ્યું હતું કે NHS હજુ ભારે દબાણ હેઠળ છે અને ૩૮,૦૦૦થી વધુ લોકો આ રોગ સાથે હોસ્પિટલોમાં છે જેમાંથી ૪,૦૭૬ લોકો વેન્ટિલેટર પર છે. તેમણે ઉમેર્યું હતું કે જ્યારે સલામત સ્થિતિ જણાશે ત્યારે જ લોકડાઉન ઉઠાવી શકાશે. આના માટે આપણે વિશેષ કાળજી રાખવી પડશે.

દરમિયાન, પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડમાં કોવિડ-૧૯ સ્ટ્રેટેજી રિસ્પોન્સ ડાયરેક્ટર ડો. સુસાન હોપકિન્સે જણાવ્યું હતું કે કથિત ‘હર્ડ ઈમ્યુનિટી’ હાંસલ કરવાથી આપણે ઘણા દૂર છીએ. મોટા ભાગની વસ્તીનું વેક્સિનેસન કરી લેવાશે ત્યારે જ આ શક્ય બનશે.

પ્રવાસીઓ સ્વખર્ચે હોટેલમાં ૧૦ દિવસ ક્વોરન્ટાઈન

કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ દ્વારા ઝડપથી ફેલાતાં સંક્રમણને અટકાવવા યુકેએ ૨૨ હાઇ રિસ્ક દેશોમાંથી આવતાં પ્રવાસીઓને હોટેલમાં દસ દિવસ માટે સ્વખર્ચે ક્વોરન્ટાઈન કરવાનું ફરજિયાત બનાવ્યું છે. દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને અન્ય દક્ષિણ અમેરિકન દેશોના પ્રવાસીઓને આ નવી જોગવાઈઓ લાગુ પાડવામાં આવશે. આ ૨૨ દેશોમાંથી નોન-બ્રિટિશ લોકોને તો બ્રિટનમાં પ્રવાસ કરવા પર જ પાબંદી મુકી દેવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter