લંડનઃ બ્રિટિશ જેલોમાં કેદીઓની સંખ્યા કેન્સરની માફક વધી રહી છે. ૨૦ વર્ષમાં જેલની વસ્તી બમણી થઈને ૮૬,૦૦૦ જેટલા આંકડે પહોંચી છે. પશ્ચિમ યુરોપમાં જેલવાસનો દર યુકેમાં સૌથી ઊંચો છે. સરેરાશ સજામાં પણ ત્રીજા હિસ્સાનો વધારો થયો છે, જે જેલની વસ્તીમાં બે તૃતીઆંશ વૃદ્ધિ માટે જવાબદાર છે. જેલમાં એક કેદી પાછળ વર્ષે સરેરાશ ૩૬,૨૩૭ પાઉન્ડનો ખર્ચ કરાય છે. બીજી તરફ, જાહેર જેલોમાં કાર્યરત સ્ટાફની સંખ્યામાં ૩૦ ટકાનો ઘટાડો થયો છે. વર્ષ ૨૦૦૦માં દર ૨.૯ કેદી માટે એક અધિકારી હતા, જ્યારે માર્ચ ૨૦૧૪ના અંતે રેશિયો વધીને દર ૫.૩ કેદી માટે એક અધિકારીનો થયો છે.
૨૫ વર્ષ અગાઉ માન્ચેસ્ટરની સ્ટ્રેન્જવેઝ પ્રિઝનમાં કેદીઓએ રમખાણ મચાવ્યું હતું અને ત્રણ સપ્તાહથી વધુ ચાલેલા રમખાણમાં કેદીઓ જેલના છાપરે ચડી ગયા હતા. પૂર્વ લોર્ડ ચીફ જસ્ટિસ લોર્ડ વુલ્ફે આ ઘટનાની તપાસમાં જેલોની અસહ્ય પરિસ્થિતિઓને જવાબદાર ગણાવી હતી. કેટલાંક કેદીઓને દિવસમાં ૨૩ કલાક તાળાબંધીમાં રખાતા હતા, જેલમાં તૂટેલી બારીઓ, દિવાલો પર ચિતરામણો અને વંદા ભરપૂર હતા. પાંચમાંથી એક કેદીએ તેમને દિવસમાં માંડ બે કલાક કોટડી બહાર લઈ જવાતા હોવાની ફરિયાદ કરી હતી. ફરી ગુનો કરવાનો દર પણ ઊંચો હતો. ૪૫ ટકા પુખ્ત અને ૧૮ વર્ષથી ઓછી વયના ૬૮ ટકા કેદી મુક્ત કરાયાના એક વર્ષમાં જ ફરી જેલમાં આવતા હતા. હવે લોર્ડ વુલ્ફે સ્ટ્રેન્જવેઝના પુનરાવર્તનની આગાહી કરી છે.
જેલોમાં અપૂરતા સ્ટાફના કારણે કેદીઓને શિક્ષણ, તાલીમ અને કામ આપવાનું ઘટ્યું છે. ગયા વર્ષે તપાસ કરાયેલી ૭૫ ટકા જેલોમાં પ્રવૃત્તિઓ અસ્વીકાર્ય હોવાના તારણો હતા. હિંસાનું પ્રમાણ વધ્યું છે અને સપ્ટેમ્બર સુધીના વર્ષમાં કસ્ટડીમાં ૨૬૭ મોત થયાં હતાં, જે ગયા વર્ષ કરતા ૧૪ ટકા વધુ છે. મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસના આંકડા અનુસાર કસ્ટડીમાં જવાના એક વર્ષ પહેલા ૨૬ ટકા મહિલા અને ૧૬ ટકા પુરુષે માનસિક સમસ્યાઓ માટે સારવાર મેળવી હતી. બે તૃતીઆંશ કેદીઓ ડ્રગ્સના બંધાણી થઈ ગયા હતા.
જસ્ટિસ સેક્રેટરી માઈકલ ગોવે જેલની વસ્તી ઘટાડવા મૂકેલી યોજના હેઠળ હજારો કેદીઓના જેલવાસમાં કાપ મૂકાશે. વિદેશી અપરાધીઓ દેશ છોડી જાય તે શરતે તેમને ઓછામાં ઓછાં નવ મહિના વહેલા પણ છોડી શકાશે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આવા ૧૦,૦૦૦થી વધુ કેદી છે. ધ પ્રિઝન રીફોર્મ ટ્રસ્ટના અંદાજ મુજબ સજાનું પ્રમાણ કે જેલવાસ ઘટાડી ટ્રેઝરી વર્ષે એક બિલિયન પાઉન્ડ બચાવી શકે છે.
બ્રિટિશ જેલોમાં ૬૭૦ વ્યક્તિએ એક કેદી
• બ્રિટિશ જેલોમાં દેશની ૫૭,૪૦૮,૭૦૦ કુલ વસ્તીના માત્ર ૦.૧૫ ટકા વ્યક્તિ જેલમાં છે. અર્થાત, દર ૬૭૦ વ્યક્તિએ એક કેદી છે. • ૨૦૧૫માં કુલ ૮૬,૧૯૩ કેદીમાંથી આજીવન કારાવાસની સજા ધરાવનારા ૧૧,૮૩૫ કેદી હતા. • બ્રિટિશ જેલોમાં કુલ વસ્તીઃ ૧૭,૪૩૫ (૧૯૯૧), ૮૬,૧૯૩ (૨૦૧૫) • પુરુષ સેક્સ અપરાધીઃ ૩૩,૯૬૬ (૧૯૯૧), ૫૧,૩૧૩ (૨૦૦૧), ૬૯,૪૮૩ (૨૦૧૫) • સ્ત્રી સેક્સ અપરાધીઃ ૧૧૪૮ (૧૯૯૧), ૨૮૯૯ (૨૦૦૧), ૩૨૦૮ (૨૦૧૫) • વિશ્વના કેટલાંક દેશો-પ્રદેશોમાં દર ૧૦૦,૦૦૦ વ્યક્તિએ કેદીઓની સંખ્યા આ મુજબ છેઃ ઈંગ્લેન્ડ અને વેલ્સ (૧૪૮), સ્કોટલેન્ડ(૧૪૪), નોર્ધર્ન આયર્લેન્ડ (૮૮), ફ્રાન્સ (૭૮), નોર્વે (૭૧), પોર્ટુગલ(૧૩૮), સ્વીડન (૬૦), ફિનલેન્ડ(૫૭), કેનેડા (૧૦૬) અને યુએસ (૬૯૮)


