લેન્કેશાયરના લેલેન્ડમાં રહેતાં વૃદ્ધા પેટ્રિસિયા બેકરે ચેરિટી માટે ૧૫,૦૦૦ ફૂટ ઊંચાઈએથી સ્કાયડાઇવિંગ કરીને તેમના ૯૦મા જન્મદિવસની રોમાંચક ઉજવણી કરી હતી. આ સ્કાયડાઇવિંગના અનુભવ બાદ ખુશખુશાલ દાદીમા પેટ્રિસિયા કહે છે, ‘એનું વર્ણન કરવું મુશ્કેલ છે. એ ડરામણું હોવાની સાથે સાથે અદ્ભુત હતું. મેં મારી જાતે આમ કર્યું હોવાનો મને મારી જાત પર વિશ્વાસ જ નથી.’ તેમના આ સાહસમાં અનેક અડચણો આવી હતી. જોકે એ બધા આગળ આખરે તો તેમનો જુસ્સો જ જીત્યો હતો. સૌથી પહેલાં તો તેમને આ સાહસ માટે તેમના ડોક્ટર મંજૂરી આપે એ જરૂરી હતું, પરંતુ ડોક્ટરે મંજૂરી આપવાની ના પાડી દીધી. આમ છતાં પેટ્રિસિયા મક્કમ રહ્યા. તેમણે એક પેરાશુટ સેન્ટરમાં મુશ્કેલ મેડિકલ ટેસ્ટ પાર પાડ્યો હતો. આ ટેસ્ટમાં પાસ થતાં તેમને સ્કાયડાઈવિંગ માટે મંજૂરી આપવામાં આવી હતી. આમ તો પેટ્રિસિયા જુલાઈમાં જ ૯૦ વર્ષના થયાં હતા અને એ જ સમયે તેઓ આ સાહસ કરવા ઇચ્છતા હતા, પરંતુ કોરોનાએ અડચણ ઊભી કરતાં તેમણે આ સ્ટન્ટને મોકૂફ રાખવો પડ્યો હતો. છ પૌત્ર-પૌત્રીઓ તેમજ ચાર પ્રપૌત્રો-પ્રપૌત્રી ધરાવતા પેટ્રિસિયાએ આ સાહસથી મેળવેલા ૧૫૦૦ પાઉન્ડ ડેરિયન હાઉસ ચિલ્ડ્રન્સ હોસ્પીસ અને હિલસાઇડ સ્પેશિયાલિસ્ટ સ્કૂલને આપી દેવાનું નક્કી કર્યું છે.