૯૭ વર્ષીય પ્રિન્સ ફિલિપનો કાર અકસ્માતમાં ચમત્કારિક બચાવઃ બે મહિલાને ઈજા થઈ

Wednesday 23rd January 2019 01:33 EST
 
 

લંડનઃ ડ્યૂક ઓફ એડિનબરા પ્રિન્સ ફિલિપનો ગુરુવાર, ૧૮ જાન્યુઆરીએ કાર અકસ્માતમાં ચમત્કારિક બચાવ થયો હતો. ક્વીનની સેન્ડ્રીઘામ એસ્ટેટ નજીક પ્રિન્સની લેન્ડ રોવર કાર સાથે કિઆ કારની અથડામણ થઈ હતી. અકસ્માત થતાં જ લેન્ડ રોવર ઊંધી પડીને સીધી થઈ દૂર ફંગોળાઈ હતી. કિઆ કારમાં બે મહિલા અને નાનો બાળક હતાં. પ્રિન્સ ફિલિપ ૯૭ વર્ષની વયે પણ જાતે કાર હંકારે છે તેનો વિવાદ સર્જાયો છે અને નોર્ફોક પોલીસે તપાસ આરંભી છે ત્યારે તેમને પોતાનું ડ્રાઈવિંગ લાયસન્સ પરત કરવાની ફરજ પણ પાડી શકાય તેમ છે. પ્રિન્સ ફિલિપ ઓગસ્ટ ૨૦૧૭થી જાહેર જીવનમાંથી નિવૃત્ત થયા છે. ક્વીન અને પ્રિન્સ ક્રિસમસથી સેન્ડ્રિઘામ ખાતે નિવાસ કરે છે.

પત્ની વિક્ટોરિયા સાથે પ્રવાસ કરતા ૭૫ વર્ષના બેરિસ્ટર રોય વાર્ને સૌપ્રથમ ઘટના સ્થળે પહોંચ્યા હતા. કિઆ કારમાંથી ધૂમાડો આવી રહ્યો હતો અને પાછળની સીટમાં બાળક રોતું હતું. કિઆની મહિલા ડ્રાઈવર એલી ટાઉનસેન્ડ અને અન્ય મહિલા એમા ફેરવેધરને ઈજા પહોંચી હતી. વાર્ને અને અન્ય વ્યક્તિ બાળકને બહાર કાઢ્યા પછી અન્ય વાહન તરફ ગયા હતા. સાક્ષીઓએ અકસ્માત અંગે જણાવ્યું હતું કે ૯૭ વર્ષના પ્રિન્સ અકસ્માત પછી લોહીવાળા થયા હતા અને ગભરાયેલા હતા. તેમનો પગ ફસાઈ ગયો હતો અને તેઓ મને બહાર કાઢોની વિનંતી કરતા હતા. એક સાક્ષીએ જણાવ્યું હતું કે અકસ્માત પછી પ્રિન્સને સ્થિર થતાં ૧૦ મિનિટ લાગી હતી. આ પછી તેમણે અન્ય લોકોના ખબરઅંતર પૂછ્યા હતા. તેઓ ચિંતાગ્રસ્ત જણાયા હતા અને કહ્યું હતું કે,‘આઈ એમ સચ એ ફૂલ.’ શરૂઆતમાં પ્રિન્સને ઈજા થઈ ન હોવાનું જણાવ્યા પછી પેલેસના અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે પ્રિન્સને ડોક્ટરોની સલાહ મુજબ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

ડ્યૂક ઓફ એડિનબરાની લેન્ડ રોવર સાથે કારની અથડામણ પછી, ૪૫ વર્ષીય એમા ફેરવેધર, ૨૮ વર્ષીય માતા એલી ટાઉનસેન્ડ અને તેનું નવ વર્ષનું બાળક સદનસીબે જીવતાં રહ્યાં હતાં. એક સગાંએ જણાવ્યું હતું કે કાર અકસ્માત પછી મિસિસ ટાઉનસેન્ડ ઘણાં ગભરાયેલાં અને આઘાતગ્રસ્ત હતાં. તેમની ૫૮ વર્ષીય માતા ડેબોરાહે ઉમેર્યું હતું કે તેમનો પરિવાર અકસ્માત માટે પ્રિન્સ ફિલિપને દોષી ગણાવતો નથી અને આઘાતજનક પરિસ્થિતિમાંથી બહાર નીકળવા ધ્યાન આપી રહ્યો છે. બકિંગહામ પેલેસ દ્વારા જણાવાયું હતું કે બે ઈજાગ્રસ્ત મહિલા સાથે સંપર્ક પછી તેમને શુભેચ્છા વ્યક્ત કરાઈ હતી. જોકે, માફી અંગે કોઈ સમર્થન મળ્યું નથી. અગાઉ, ફેવેધરે જણાવ્યું હતું કે અકસ્માતના ત્રણ દિવસ પછી તેમને શાહી સત્તાવાળાઓ તરફથી પૃચ્છાનો ટેલિફોન આવ્યો હતો. જોકે, પ્રિન્સ ફિલિપે હજુ સુધી અકસ્માત વિશે માફી માગી ન હોવાથી રોષ પ્રવર્તી રહ્યો છે.

જોખમી અકસ્માત પછી પણ પ્રિન્સ ડ્રાઈવિંગ કરવાનું ચાલુ રાખવા માગે છે ત્યારે બકિંગહામ પેલેસ તેમના પર હસ્તક્ષેપ કરવાના ભારે દબાણ હેઠળ છે. પ્રિન્સ ચાર્લ્સ સહિત શાહી પરિવારજનો અકસ્માતમાં સંકળાયેલા બધાં માટે ચિંતિત જણાયા હતા. ક્વીન અથવા પ્રિન્સ ચાર્લ્સે ડ્રાઈવિંગ છોડી દેવા પ્રિન્સને દબાણ કર્યું હતું કે કેમ તે વિશે પેલેસ દ્વારા કશું જણાવાયું નથી. પ્રિન્સ વિરુદ્ધ જોખમી ડ્રાઈવિંગનો ચાર્જ લાગી શકે છે અને તેમણે ડ્રાઈવિંગ લાયસન્સ પાછું આપવું પડી શકે છે. બેજવાબદાર ડ્રાઈવિંગના આરોપમાંથી બચવા તેમને લાયસન્સ પરત આપવાની ફરજ પાડી શકાય તેમ કાનૂની નિષ્ણાતોએ જણાવ્યું હતું. લોકો કહી રહ્યા છે કે પ્રિન્સને ડ્રાઈવિંગ ગમતું હોય તો પણ આટલી ઉંમરે હવે તેમણે વાહન ચલાવવું ન જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter