૯૯ વર્ષના રિયલ લાઇફ હીરો કેપ્ટન ટોમ મૂર

‘NHS ચેરિટીઝ ટુગેધર’ માટે ૨૬ મિલિયન પાઉન્ડ એકત્ર કર્યા

Wednesday 22nd April 2020 06:00 EDT
 
 

લંડનઃ બીજા વિશ્વ યુદ્ધના બ્રિટિશ આર્મીના હીરો, ૯૯ વર્ષના પીઢ કેપ્ટન ટોમ મૂરે NHSને બચાવવા માટે છેડેલા ચેરિટી અભિયાનમાં ૨૬ મિલિયન પાઉન્ડથી વધુનું જંગી દાન મળ્યું છે. ૩૦ એપ્રિલે ૧૦૦મી વર્ષગાંઠ ઉજવતા પહેલા કેપ્ટન મૂરે પોતાના ગાર્ડનમાં ૧૦૦ લેપ્સ (૨.૫ કિ.મી. અથવા ૧.૬ માઈલ) ચાલીને ૧૦૦૦ પાઉન્ડનું દાન એકત્ર કરવાનો નિર્ધાર જાહેર કર્યો હતો. NHS ચેરિટીઝ ટુગેધર માટે તેમના અભિયાનનું એવું વાવાઝોડું ચાલ્યું કે ‘મૈં અકેલા હી ચલા થા જાનિબે મંઝિલ મગર, લોગ આતે રહે, કારવાં બઢતા ગયા...!’ની માફક દેશવિદેશમાંથી લોકો કેપ્ટનના શુભ આશયમાં જોડાતા ગયા હતા. આનાથી પ્રોત્સાહિત થઈને એક વખત તેમણે દાન મળતું રહેશે ત્યાં સુધી ચાલતા રહેવાની જાહેરાત પણ કરી હતી. જસ્ટગિવિંગે જણાવ્યું છે કે તેના પ્લેટફોર્મ પર કોઈ એક અભિયાનને મળ્યું હોય તે આ એકમાત્ર સૌથી મોટું દાન અભિયાન છે.
બ્રિટિશ આર્મીના પૂર્વ કેપ્ટન ટોમ મૂરેએ બે કહેવતો ‘વન્સ અ સોલ્જર, ઓલવેઝ સોલ્જર’ અને ‘એજ ઈઝ જસ્ટ નંબર’ ચરિતાર્થ કરી બતાવી છે. એક સમયે તેમણે ૧૯૪૦માં ઘરેલુ અને વિદેશી શત્રુઓ સામે દેશને બચાવવાની હિંમત દર્શાવી હતી અને લગભગ આઠ દાયકા પછી કેપ્ટન મૂર વોકર સાથે ચાલીને કોરોના વાઇરસના જંગમાં NHSને બચાવવા મેદાને પડ્યા છે. ઝિમર ફ્રેમ વોકર સાથે ડગુમગુ ચાલતા વૃદ્ધની છબી સમગ્ર બ્રિટન અને વિદેશમાં પણ અંકિત થઈ જવા સાથે દાનનો ધોધ સતત વહ્યો છે.

દિગ્ગજોએ વરસાવ્યા પ્રશંસાના ફૂલ

પ્રિન્સ ચાર્લ્સ, ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ, વડા પ્રધાન બોરિસ જ્હોન્સન, હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક તેમજ અસંખ્ય સેલેબ્રિટીઝે કેપ્ટન મૂરના ઉમદા કાર્યની પ્રશંસા કરી છે. કેપ્ટન ટોમને નાઈટહૂડ ખિતાબ આપી ‘સર ટોમ’ બનાવવા આઠ લાખથી વધુ લોકોએ ઓનલાઈન પિટિશન્સ પર સહીઓ કરી છે. ડાઉનિંગ સ્ટ્રીટે પણ તેમને કોઈ મહત્ત્વપૂર્ણ ખિતાબ અપાય તેવો સંકેત આપ્યો છે. બીજી તરફ, કેપ્ટન મૂરને તેમના જન્મદિને સ્પિટફાયર ફ્લાયપાસ્ટ અપાય તેવી પણ શક્યતા છે. આ માટે ૧૯૪૫માં નિર્મિત અને બેટલ ઓફ બ્રિટનમાં ભાગ લેનારા સ્પિરિટ ઓફ કેન્ટ વિમાનનું રિપેરિંગ ચાલે છે. અત્યારથી તેમને જન્મદિનની શુભેચ્છાના કાર્ડ્સ મળી રહ્યા છે.

‘આપણે સહુ એકસંપ રહીશું’

૧૬ એપ્રિલની સવારે તેમણે બ્રેડફોર્ડશાયરના નિવાસે નિર્ધારક આખરી કદમો ભર્યા ત્યારે યોર્કશાયર રેજિમેન્ટની ફર્સ્ટ બટાલિયનના સૈનિકોએ તેમને વિશેષ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.કેપ્ટન મૂરે ટ્વીટર પર લખ્યું હતું કે, ‘હું કદાચ નાણા એકત્ર કરવા મારા બગીચામાં ચાલી રહ્યો છું પરંતુ, આ બ્રિટિશ પ્રજાનું યોગદાન છે. તમે બધા અદ્ભૂત છો અને બ્રિટનને મહાન બનાવો છો. તમારો આભાર. આપણે સહુ સૌથી કપરાં કાળમાં પણ એકસંપ રહીશું.’

થોમસ મૂરનો જન્મ કેઈટલે, વેસ્ટ યોર્કશાયરમાં થયો હતો. તેમની માતા શિક્ષકા અને પિતા બિલ્ડિંગ ટ્રેડ સાથે સંકળાયેલા હતા. કેપ્ટન મૂરે સિવિલ એન્જિનીયરિંગની ટ્રેનિંગ મેળવી છે. તેઓ ૬૦ના દાયકામાં યોર્કશાયરમાં રહી ઓફિસ મેનેજરનું કામ કરતા હતા ત્યારે તેમની મુલાકાત પામેલા સાથે થઈ હતી અને તેઓ ૧૯૬૮માં લગ્નગાંઠથી જોડાયા હતા. તેમને બે પુત્રી લ્યૂસી અને હન્નાહ છે. પત્ની પામેલાનું ૨૦૦૬માં અવસાન થયા પછી તેઓ દીકરી હન્નાહ સાથે બ્રેડફોર્ડશાયરના માર્સ્ટોન મોરેટેઈન ગામમાં રહે છે.

કેપ્ટન થોમસ મૂરનું ઈન્ડિયા કનેક્શન

કેપ્ટન મૂર ૨૦ વર્ષના હતા ત્યારે ધ ડ્યૂક ઓફ વેલિંગ્ટન્સ રેજિમેન્ટ ૮મી બટાલિયનમાં જોડાયા હતા. ઓક્ટોબર ૧૯૪૧માં તેઓ ૧૪૬મી રોયલ આર્મર્ડ કોર્પ્સ રેજિમેન્ટના ભાગ તરીકે ભારતના બોમ્બે આવ્યા હતા. બોમ્બેથી પૂના થઈ હાલ ખડકી તરીકે ઓળખાતા કિરકી ટાઉનમાં પહોંચ્યા હતા. અહીં તેઓ ૫૦મી ઈન્ડિયન ટેન્ક બ્રિગેડમાં મૂકાયા અને બ્રિગેડ ચોમાસામાં રસ્તા માર્ગે ત્રણ સપ્તાહ પછી કલકત્તા પહોંચી હતી. તેમની બટાલિયનનો કેમ્પ રાંચી નજીક લોહરડાગા જિલ્લામાં રખાયો હતો. કેપ્ટન મૂરેએ આરાકાનની બે યુદ્ધ કવાયતોમાં ભાગ લીધો હતો અને ત્યાંથી તેઓ જાપાનીઝ સામે લડવા મ્યાંમાર (બર્મા)ના રંગૂન પહોંચ્યા હતા. આ પછી તેઓ ઈંગ્લેન્ડના બોવિંગ્ટનમાં પરત આવ્યા અને વ્હીકલ ડેપો બંધ કરાયો ત્યાં સુધી ઈન્સ્ટ્રક્ટર તરીકે રહ્યા હતા. તેમને ૧૪૫મી રેજિમેન્ટ રોયલ આર્મર્ડ કોર્પ્સમાં ઓફિસરની તાલીમ માટે પસંદ કરાયા હતા અને બઢતી મેળવી કેપ્ટનના હોદ્દા પર પહોંચ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter