‘Booze, Beans and Bhajis’ કાર્યક્રમઃ બ્રિટનમાં કોર્નર શોપ્સની મહાયાત્રા

કાઉન્સિલર અમિત જોગીઆ Wednesday 21st December 2016 07:03 EST
 
 

લંડનઃ બ્રિટનની ભારતીય કોમ્યુનિટીઝના અમારા જેવાં ઘણા લોકોના દિલમાં કોર્નર શોપ્સનું વિશેષ સ્થાન રહેલું છે. સમગ્ર દેશમાં પથરાયેલા હજારો એશિયન પેરન્ટ્સની માફક મારા પેરન્ટ્સ પણ શોપકીપર હતાં. આ એવું સ્થળ છે જ્યાં સામાન્ય લોકો પણ માનસિક ગણતરીઓ કરતા હતા. આ એવો ખડક હતો અને આજે પણ છે જેણે પરિવારોને એકસાથે બાંધી રાખ્યા છે. આપણા અનેક અગ્રણી એન્ટ્રેપ્રીન્યોર્સ માટે મોટા બિઝનેસનું તે પ્રથમ કદમ હતું અને સ્થાનિક કોમ્યુનિટીઓમાં લોકોને એક સાથે બાંધી રાખવાના સૌથી અસરકારક માર્ગોમાં તે એક હતો. ઘણા લોકોએ તો આ સામાન્ય ગણાતી કોર્નર શોપને મહાન બ્રિટિશ સંસ્થા તરીકે વર્ણવી છે.

આ માત્ર કોઈ સામાન્ય દુકાન નથી પરંતુ, બ્રિટિશ ઉદ્યોગસાહસિકતાની ચમકનું પ્રતીક છે, જેણે આપણા બ્રિટનને દુકાનદારોના રાષ્ટ્ર તરીકે મોટી ઓળખ આપી છે. તાજેતરમાં બીબીસી દ્વારા વિશેષ પ્રોગ્રામનું સ્ક્રીનિંગ કરાયું હતુ, જેમાં બ્રિટનમાં રહેલી કોર્નર શોપની અર્થપૂર્ણતા તેમજ ઈમિગ્રન્ટ કોમ્યુનિટીઝ અને વિશેષતઃ આ મહાન સંસ્થાને નવી ઊંચાઈએ પહોંચાડનાર બ્રિટિશ ભારતીય કોમ્યુનિટી પર નોંધપાત્ર અસરની વિશદ ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોર્નર શોપ્સની યાત્રા વિશે વાત કરાઈ હતી, જેમાંની ઘણીએ તો મોટા પાયાના કોર્પોરેશન્સ તરીકે સ્થાન હાંસલ કર્યું છે.

આ પ્રોગ્રામની રજૂઆત બીબીસીના જર્નાલિસ્ટ અને એશિયન શોપકીપર્સના પુત્રી બબિતા શર્મા દ્વારા કરવામાં આવી હતી. આ રજૂઆતે આ સ્થાનિક સ્ટોર્સના છુપાયેલા ઈતિહાસને આપણા પડદાઓ પર ઉજાગર કર્યો છે.

બબિતા શર્માએ કોર્નર શોપના જન્મ સાથે આરંભ કરીને વર્તમાનકાળ સુધી તેની યાત્રાનું વર્ણન કર્યું હતું, જેમાં વૈશ્વિક વેપાર અને વર્ગીય ગતિશીલતાથી માંડી ઈમિગ્રેશન અને વ્યાપાર-વાણિજ્યિક દબાણો સહિત આપણા દેશના સામાજિક પરિવર્તનોને પ્રતિબિંબિત કરતા તેમના વિકાસની પગદંડી અને સમૃદ્ધિપથનો સમાવેશ કરાયો હતો.

આની સાથોસાથ, બબિતાએ કોર્નર શોપ્સમાં ઉછરેલા અભિનેતા નીતિન ગણાત્રાથી માંડી કોમેડિયન સંજીવ સિંહ કોહલી સુધીના જાણીતા સેકન્ડ જનરેશનના ઈમિગ્રન્ટ્સ સાથે મુલાકાતો પણ દર્શાવી હતી. બબિતાએ નગણ્ય સ્થિતિમાંથી કોર્નર શોપ્સના બિઝનેસને ઊંચાઈએ લઈ જનારા લોર્ડ ડોલર પોપટ જેવા વિશિષ્ટ બ્રિટિશ વ્યક્તિત્વોની વાત કરવા સાથે આર્થિક પરિવર્તનથી ઈમિગ્રેશન સુધી બ્રિટનની સામાજિક યાત્રાની શોધખોળના માધ્યમ તરીકે શોપ્સનો ઉપયોગ કર્યો હતો.

આ ડોક્યુમેન્ટરીના આરંભે બબિતાએ જણાવ્યું હતું કે,‘આખરે આપણે આ મહાન બ્રિટિશ ઈન્સ્ટિટ્યુશનની અજમાયશો અને વ્યથાઓને સલામ કરવી જ રહી! આ ડોક્યુમેન્ટરી છેવાડે આવેલી દુકાનોના જીવનના છુપાયેલાં રહસ્યોને ઉજાગર કરે છે અને મારા માતા અને પિતા સહિત પેઢીઓ સુધી આપણી સેવા કરનારા હજારો દુકાનદારોને શ્રદ્ધાંજલિ અર્પે છે.’ અભૂતપૂર્વ આર્કાઈવ્ઝ અને મહાન પાત્રોથી સમૃદ્ધ કોર્નર શોપ્સના વિચિત્ર અને અજાણ્યા પાસાને પણ બબિતા શર્માએ દર્શાવ્યાં હતાં અને બહુસાંસ્કૃતિક બ્રિટનના નોંધપાત્ર હિસ્સાને દર્શાવવા રોજબરોજના વિશ્વમાં ઝાંખી કરવાની તક પણ પૂરી પાડી હતી.

‘Booze, Beans and Bhajis’ ટાઈટલ ધરાવતા આ પ્રોગ્રામમાં આપણા દેશની ખરીદીની આદતો પર બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીએ પાડેલી અસરની પણ નોંધ લેવાઈ છે. ક્રિસમસના તહેવારની ઉજવણી નિમિત્તે બ્રિટનની હાઈ સ્ટ્રીટ્સ અને સુપરમાર્કેટ્સમાં ખરીદી માટે ભીડ છલકાઈ રહી છે અને આ જ સપ્તાહમાં ઓનલાઈન-રીટેઈલર ASOS દ્વારા બ્રિટનમાં તેમની ટીમના વિસ્તરણની જાહેરાત કરાઈ છે ત્યારે બ્રિટનના શોપિંગ વારસા પર નજર નાખવી સમયસરની બાબત બની છે.

‘Booze, Beans and Bhajis: The Story of the Corner Shop’ કાર્યક્રમ સોમવાર, ૧૯ ડિસેમ્બરે બીબીસી-૪ પર રાત્રે ૧૦ કલાકે પ્રસારિત કરાયો હતો. અવશ્યપણે આ કાર્યક્રમ ચૂકી શકાય તેવો ન જ હતો.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter