લંડનઃ બોરિસ જ્હોન્સનના ૨૧ જૂનના ‘આઝાદી દિન’ રોડમેપમાં વિલંબની પ્રથમ નિશાની જોવા મળી છે. ગ્રેટર માન્ચેસ્ટર અને લેન્કેશાયરમા ઈન્ડિયન ડેલ્ટા વેરિએન્ટનો ફેલાવો જોવા મળતા ૪ મિલિયન લોકોને ઓછામાં ઓછાં પ્રવાસ, ટેસ્ટિંગ કરાવવા અને ઘરમાં બહારના લોકો સાથે નહિ મળવાની સલાહ આપી દેવાઈ છે. બીજી તરફ, વૈજ્ઞાનિક સલાહકારો પ્રોફેસર ક્રિસ વ્હીટી અને સર પેટ્રિક વોલેન્સે કોરોના વાઈરસની ત્રીજી લહેરની આશંકાને આગળ ધરી ૨૧ જૂનના ‘આઝાદી દિન’ને ઓછામાં ઓછાં બે સપ્તાહ લંબાવવા સરકાર પર દબાણ વધારી દીધું છે.
આ સલાહકારોએ મિનિસ્ટર્સને પરિસ્થિતિની ગંભીરતા સમજાવતા જણાવ્યું હતું કે વેક્સિન્સથી ૧૦૦ ટકા સુરક્ષા આપી શકાશે નહિ અને નવો વેરિએન્ટ ભારે ઝડપથી સંક્રમણ ફેલાવતો હોવાથી વધુ કેસીસ જોવા મળશે. યુકેના સોમવારે નોંધાયેલા ૫,૬૮૩ કેસમાંથી લગભગ ત્રીજા ભાગના- ૧,૬૭૩ કેસ માન્ચેસ્ટર અને લિવરપૂલની આસપાસના વિસ્તારોમાં જોવા મળ્યા હતા. વડા પ્રધાન જ્હોન્સન ૨૧ જૂનનો રોડમેપ જાળવી રખાશે કે કેમ તેના વિશે આગામી સોમવાર, ૧૪ જૂને જાહેરાતો કરે તેવી શક્યતા છે. તેમણે અત્યાર સુધી તો શુ કરવામાં આવશે તેના કોઈ સ્પષ્ટ સંકેત આપ્યા નથી.
ગ્રેટર માન્ચેસ્ટર અને લેન્કેશાયરમાં ‘ડેલ્ટા’ પ્રકોપ
હોમ સેક્રેટરી મેટ હેનકોકે ગ્રેટર માન્ચેસ્ટર અને લેન્કેશાયરમાં રહેતા ૪ મિલિયન લોકોને કોવિડનો ફેલાવો અટકાવવા ઘરમાં જ રહેવા અને બહાર લોકો સાથે નહિ હળવામળવાની સલાહ આપી છે. નોર્થ વેસ્ટ વિસ્તારો ઈન્ડિયન ‘ડેલ્ટા’ વેરિએન્ટ માટે હોટસ્પોટ ગણાવાયા છે અને ટેસ્ટિંગમાં વધારો તેમજ ટ્રેસિંગની વ્યવસ્થા માટે મિલિટરીની સહાય સાથે હેલ્થ ડિપાર્ટમેન્ટે કામગીરી વધારી દીધી છે. ગ્રેટર માન્ચેસ્ટર અને લેન્કેશાયરને સરકારી ગાઈડન્સના ‘કોરોના વાઈરસ રિસ્ટ્રિક્શન્સ’ પેજમાં સમાવી લેવાયા છે. આ ગાઈડન્સ પેજમાં નોર્થ વેસ્ટ, લેસ્ટર, લંડનના હંસલો અને નોર્થ ટાયનેસાઈડનો પણ સમાવેશ થાય છે.
હવે નેપાળ વેરિએન્ટનો પણ ખૌફ
કોરોના વાઈરસના ડેલ્ટા (ઈન્ડિયન) વેરિએન્ટ પછી યુકેમાં નવા મ્યુટન્ટ નેપાળ વેરિએન્ટને પ્રવેશ થવાથી દહેશત ફેલાઈ છે. નેપાળ વેરિએન્ટના ઓછામાં ઓછા ૨૦ કેસ મળ્યાનું કહેવાય છે. આ મ્યુટેશન વધુ ખતરનાક એટલા માટે છે કે તે અતિ ઝડપથી વધે છે અને વેક્સિનની અસર પણ ઘટાડે છે. નવા વેરિએન્ટના કારણે ૨૧ જૂનથી તમામ લોકડાઉન નિયંત્રણો ઉઠાવી લેવાના રોડ મેપ મુજબ ‘આઝાદી દિન’માં વિલંબ થવાની શક્યતા વધી ગઈ છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના કહેવા અનુસાર ઈન્ડિયન અને સાઉથ આફ્રિકન વેરિએન્ટ (Delta+K417N)ના મિશ્રણથી નવું મ્યુટેશન સર્જાયું છે.
યુકેમાં ડેલ્ટા (ઈન્ડિયન) વેરિએન્ટનું સંક્રમણ વધ્યું છે અને કેન્ટ વેરિએન્ટની સરખામણીએ તે ૧૦૦ ટકા વધુ ફેલાતો હોવાનું મનાય છે. યુકેમાં બીજી જૂન સુધીમાં ડેલ્ટા વેરિએન્ટના ૧૨,૪૩૧ કેસને સમર્થન મળ્યું છે જે, તેના અગાઉના સપ્તાહના ૬,૯૫૯ કેસ કરતાં ૭૯ ટકા વધુ છે. Delta+K417N વેરિએન્ટ ઓછાંવત્તા અંશે યુકે, પોર્ટુગલ, યુએસએ, ભારત, નેપાળ અને જાપાન સહિતના દેશોમાં ફેલાયો છે.
ડેલ્ટા વેરિએન્ટના હોટસ્પોટ
ડેલ્ટા વેરિએન્ટથી સૌથી પ્રભાવિત વિસ્તારોમાં બોલ્ટન અને બ્લેકબર્ન વિથ ડાર્વેન મોખરે છે. બોલ્ટનમાં કેસીસ ૭૯૫થી વધીને ૨,૧૪૯ તેમજ બ્લેકબર્ન વિથ ડાર્વેનમાં નવા ૩૬૮ કેસ સાથે વધીને કુલ ૭૨૪ થયા છે. જોકે, સારી નિશાની એ કહી શકાય કેબોલ્ટનમાં સંક્રમણનો દર ઘટવાની શરુઆત થઈ છે. સ્થાનિક લોકો અને લોકલ ઓથોરિટી ટીમો દ્વારા લેવાયેલાં પગલાં વાઈરસના ફેલાવાને ઘટાડવામાં સફળ રહ્યાં છે. PHEના આંકડા મુજબ ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત લોકોને હોસ્પિટલમાં દાખલ થવું પડે તેવા જોખમમાં ૧૬૧ ટકાનો વધારો જોવા મળે છે. સ્કોટલેન્ડમાં પણ ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત લોકોની સંખ્યા વધી છે.
ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીને જંગી નુકસાન
મિનિસ્ટર્સના કહેવા મુજબ યુરોપમાં નવા નેપાળ સ્ટ્રેનના હુમલાથી બ્રિટિશરોની રજાઓ ગાળવા પર જોખમ સર્જાઈ શકે છે જેના પરિણામે ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીને જંગી નુકસાન થશે. ઈન્ડસ્ટ્રીના અગ્રણીઓ અને સાંસદોના જણાવ્યા મુજબ દસ લાખથી વધુ નોકરીઓ પર જોખમ તોળાઈ રહ્યું છે. જો ઉનાળામાં પ્રવાસન થઈ નહિ શકે તો યુકેના અર્થતંત્રને બિલિયન્સ પાઉન્ડનું નિકસાન જશે તેમ નિષ્ણાતોનું માનવું છે. પોર્ટુગલમાં નેપાળ વેરિએન્ટના કેસીસ મળવાથી તેને ગ્રીન લિસ્ટમાંથી યલો લિસ્ટમાં મૂકી દેવાયું છે. આનો અર્થ એ થઈ શકે કે હજુ ઓગસ્ટ મહિના સુધી વિદેશ પ્રવાસ-પર્યટન પર ભારે નિયંત્રણો આવી જશે.