‘ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ’ના છેલ્લા દિવસે લોકોએ લાંબી લાઈનો લગાવી

Wednesday 02nd September 2020 03:23 EDT
 
 

લંડનઃ સોમવાર ૩૧ ઓગસ્ટે ચાન્સેલર રિશિ સુનાકની લોકપ્રિય બનેલી ‘ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ’ યોજનાનો આખરી દિવસ હતો. કોરોના વાઈરસ મહામારીના કારણે ઠપ થયેલા હોસ્પિટાલિટી બિઝનેસીસની ગાડી પાટે ચડાવવા ઓગસ્ટ મહિનાના સોમવાર, મંગળવાર અને બુધવારના દિવસોએ રેસ્ટોરાં, કાફે અને પબ્સમાં સબસિડીયુક્ત ભોજન આપવાની સરકારની જાહેરાતને ભારે પ્રતિસાદ સાંપડ્યો હતો. આ યોજના લંબાવવા માગણી છતાં, ટ્રેઝરીએ તેનો ઈનકાર કર્યો હતો. યોજનાના છેલ્લા દિવસે તેનો લાભ લેવા લંડન, વિન્ચેસ્ટર, સાઉધમ્પ્ટન, બ્રિસ્ટોલ સહિતના સ્થળોએ લોકોએ લાઈનો લગાવી હતી.

ચાન્સેલર સુનાકે ‘ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ’ યોજના લંબાવવા ઈનકાર કર્યા પછી લોકો છેલ્લા દિવસે રેસ્ટોરાંની બહાર લાંબી લાઈનોમાં ઉભા રહ્યા હતા. ઘણા સ્થળોએ તો લોકોએ ત્રણ કલાક રાહ જોવાનું પણ પસંદ કર્યું હતું. સોશિયલ મીડિયામાં પણ લોકોએ ‘રિશિ‘સ ડિશીશ’ નામે ઓળખાયેલી યોજનામાં રેસ્ટોરાંની બહાર લાઈનોના ફોટોગ્રાફ્સ પણ શેર કર્યા હતા. મોટા ભાગના લોકો વર્ચ્યુઅલ લાઈનોમાં ઉભા રહ્યા હતા. ટેબલ્સ પર જગ્યા મેળવવા રીતસરની દોડાદોડી પણ કરી હતી.

ચાન્સેલરે જણાવ્યું હતું કે ઓગસ્ટના આરંભે યોજના શરુ કરાયા પછી ૬૪ મિલિયનથી વધુ ભોજનનું વેચાણ થયું હતું. આ યોજનામાં લોકોને રેસ્ટોરાંમાં ખાવા જવાને પ્રોત્સાહન આપવા વ્યક્તિદીઠ ૧૦ પાઉન્ડના બિલની રકમના ૫૦ ટકા સરકાર દ્વારા ચુકવાયા હતા. તેનાથી હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીને જીવતદાન મળવા સાથે અસંખ્ય નોકરીઓ બચી ગઈ હતી. ભોજન કરનારાઓને ફૂડ પર સરેરાશ ૫.૨૫ પાઉન્ડનું ડિસ્કાઉન્ટ મળ્યું હતું અને ૮૭,૦૦૦ રેસ્ટોરાં, કાફે અને પબ્સ દ્વારા ઓછામાં ઓછાં ૩૩૬ મિલિયન પાઉન્ડના ક્લેઈમ્સ કરાયા હતા.

યોજના ચાલુ રાખવાના સુનાકના ઈનકાર પછી ટોબી કાર્વેરી, હાર્વેસ્ટર, થ્રી ચિઅર્સ પબ કંપની, સ્ટોનહાઉસ પિઝા એન્ડ કાર્વેરી, ક્યુ હોટેલ્સ ગ્રૂપ તેમજ બિલ્સ સહિતના રેસ્ટોરાં અને પબ્સ દ્વારા સપ્ટેમ્બરમાં પણ પોતાના ફંડથી ૫૦ ટકા ડિસ્કાઉન્ટની આ વ્યવસ્થા ચાલુ રાખવાનો ઈરાદો વ્યક્ત કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter