‘એ પીસ બિલ્ડીંગ કોમનવેલ્થ’માં ભારતનું મહત્ત્વ વધ્યું

- રુપાંજના દત્તા Monday 20th March 2017 10:19 EDT
 
 

લંડનઃ બ્રિટન પર બ્રેક્ઝિટની ચિંતા વર્તાઈ રહી છે અને બિઝનેસ કરવાની સરળતા અને મજબૂત નિકાસ અર્થતંત્રની રચના પર ભાર મૂકીને બ્રિટન કોમનવેલ્થ દેશો સાથેના તેના સંબંધોના ફેરમૂલ્યાંકનનો પ્રયાસ કરી રહ્યું છે. મિનિસ્ટર ફોર ઈન્ટરનેશનલ ટ્રેડ લીયામ ફોક્સે જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં સૌથી ઝડપે વધતાં આયાત અર્થતંત્રોમાં ભારત પણ મહત્ત્વનો દેશ બની રહેશે.

કોમનવેલ્થ ડે (સોમવાર તા.૧૩ માર્ચ)એ ફોરેન સેક્રેટરી બોરિસ જહોન્સને જણાવ્યું હતું કે આ વર્ષની થીમ ‘એ પીસ બિલ્ડીંગ કોમનવેલ્થ’ આપણે સૌ જે પડકારોનો સામનો કરીએ છીએ તેમાં સંગઠનને પ્રસ્તુત કરે છે. કોમનવેલ્થનું ભવિષ્ય મજબૂત અને ઉજ્જવળ છે. કોમનવેલ્થની બીજી પેઢી પ્રેરણા પૂરી પાડે છે. તેમનામાં પરિવર્તનની નવું કરવાની અને ફિજીથી માલાવી, બેલિઝથી બાંગ્લાદેશ અને તેની આગળ લોકોનું જીવન સુધારે તેવું વાતાવરણ સર્જવાની શક્તિ છે.

કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે યુકેના સાંસદ અને મિનિસ્ટર ફોર ઈન્ટરનેશનલ ટ્રેડ લીયામ ફોક્સે જણાવ્યું હતું કે IMF મુજબ આગામી પાંચ વર્ષમાં જે દેશોના માલસામાન અને સર્વિસીસની આયાતમાં ખૂબ ઝડપી વધારો થવાનો છે તેમાં ભારત, બ્રુનેઈ, બાંગ્લાદેશ, મોઝામ્બિક, ઘાના અને સિયેરા લિયોનનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે તેનાથી આ દેશોના નાગરિકોને જ વૈશ્વિક સમૃદ્ધિમાં સામેલ થવાની નહિ પણ કોમનવેલ્થના તમામ દેશોના આયાતકારો અને નિકાસકારોને મહત્ત્વની તકો મળશે.

ગઈ ૯ માર્ચે કોમનવેલ્થ ટ્રેડ સમિટનો આરંભ થયો હતો. કોમનવેલ્થ એન્ટરપ્રાઈઝ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કાઉન્સિલ (CWEIC) અને કોમનવેલ્થ સેક્રેટરીએટ દ્વારા યોજાયેલી સમિટમાં સભ્ય દેશો વચ્ચે વિચારોના આદાનપ્રદાન માટે ચર્ચા બેઠકો પર વિશેષ ધ્યાન અપાયું હતું. જ્યારે ૧૦મી માર્ચે માત્ર મિનિસ્ટરો વચ્ચેની બેઠકો યોજાઈ હતી. બે દિવસની બેઠકોમાં કોમનવેલ્થના ૩૫ સભ્ય દેશોના બિઝનેસમેનો અને રાજકારણીઓ પરસ્પર મળ્યા હતા. છેલ્લાં ૧૨ વર્ષમાં ટ્રેડ મિનિસ્ટરોની આ પ્રથમ બેઠક હતી.

ભાગ લેનારા અન્ય દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કોમર્સ સેક્રેટરી મીસ રીટા એ તિઓતિયાએ કર્યું હતું. તેમણે અલ્પ વિક્સિત દેશોને વેલ્યૂ ચેઈન્સ સાથે સાંકળવાની તથા પ્રોફેશનલ્સ અને કુશળ કામદારોની ટૂંકા ગાળાની હેરફેરને સરળ બનાવવાના ઉદેશ સાથે સર્વિસ સેક્ટરમાં વેપારની સુવિધા પર ભારતના વિશેષ ધ્યાન અંગે વાત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter