લંડનઃ ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ જેવી ખ્યાતનામ બ્રિટિશ યુનિવર્સિટીઓ અન્ડરગ્રેજ્યુએટ કોર્સીસમાં દેશના ગરીબ વિદ્યાર્થીઓની સરખામણીએ ત્રણ ગણા એટલે કે ૧૪૦૦ વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપી પોતાની તિજોરીને વધુ સદ્ધર બનાવી રહી છે. બ્રિટિશ અને ઈયુ વિદ્યાર્થી પાસેથી તેમને ફી તરીકે વાર્ષિક ૯,૦૦૦ પાઉન્ડ મળે છે, જ્યારે વિદેશી વિદ્યાર્થી પાસેથી વાર્ષિક ૪૦,૦૦૦ પાઉન્ડ જેટલી ફી વસૂલ કરવામાં આવે છે.
નવા આંકડા મુજબ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓએ ઓછી આવક સાથેના બ્રિટિશ પરિવારોના માત્ર ૬૧૩ વિદ્યાર્થીને, જ્યારે વિદેશના આશરે ૧,૪૦૦ને અન્ડરગ્રેજ્યુએટ કોર્સીસમાં પ્રવેશ આપ્યો હતો. દરિયાપારના વિદ્યાર્થીમાં આશરે ૬૦ ટકા વિદ્યાર્થી નોન-ઈયુ દેશોના હતા, જેમની પાસેથી ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીએ ઘણી ઊંચી ફી વસૂલી હતી. ભંડોળની તંગીને સરભર કરવા દેશની યુનિવર્સિટીઓ સમૃદ્ધ વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષે છે.
શૈક્ષણિક વર્ષ ૨૦૧૪-૧૪માં ઓક્સફર્ડે વાર્ષિક ૧૬,૦૦૦ પાઉન્ડથી ઓછી આવક ધરાવતા પરિવારોના ૨૬૩ વિદ્યાર્થીને, જ્યારે ઈયુના ૨૪૬ અને બિન-ઈયુના ૩૭૦ વિદ્યાર્થીને પ્રથમ વર્ષમાં પ્રવેશ આપ્યો હતો. આ જ રીતે કેમ્બ્રિજે ગરીબ પરિવારોના ૩૫૦, ઈયુના ૩૧૦ અને બિન-ઈયુના ૪૪૫ વિદ્યાર્થીને પ્રવેશ આપ્યો હતો. બન્ને યુનિવર્સિટીએ સંયુકત રીતે ઈયુના ૫૫૬ અને બિન-ઈયુના ૮૧૫ વિદ્યાર્થી એટલે કે અન્ય દેશોનાં કુલ ૧,૩૭૧ વિદ્યાર્થીને પ્રવેશ આપ્યો હતો.
ઓક્સફર્ડમાં બિન-ઈયુ અન્ડરગ્રેજ્યુએટ્સ વધારાની ૭,૧૩૫ પાઉન્ડની કોલેજ ફી સાથે કુલ ૧૫,૨૯૫થી ૨૨,૫૧૫ પાઉન્ડ ચુકવે છે, જ્યારે કેમ્બ્રિજમાં વધારાની ૫,૬૭૦-૭,૯૮૦ પાઉન્ડ કોલેજ ફી સાથે ૧૫,૮૧૬થી માંડી ૩૮,૨૮૩ પાઉન્ડ ચુકવે છે.


