લંડનઃ પ્રિન્સ ચાર્લ્સ યુકેના રાજા તરીકે પદભાર સંભાળશે ત્યારે રોયલ એસ્ટેટમાં ધરમૂળ પરિવર્તનની તૈયારી થઈ રહી છે. પ્રિન્સ ચાર્લ્સ તદ્દન સાદાઈથી એક નાના ફ્લેટના વિસ્તારમાં રહેશે અને બકિંગહામ પેલેસને પબ્લિક માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે. અન્ય ફેરફારોમાં બાલ્મોરલ કેસલને ક્વીન એલિઝાબેથ દ્વિતીયના મ્યુઝિયમમાં ફેરવી દેવાશે. પ્રિન્સ ઓફ વેલ્સ ગાદી સંભાળ્યા પછી રાજાશાહીને તદ્દન એકવડી કરી દેવાની યોજના ધરાવે છે.
મેઈલ ઓન સન્ડેના અહેવાલ મુજબ પ્રિન્સ ચાર્લ્સ રાજા બનશે ત્યારે બકિંગહામ પેલેસના ભવ્ય સ્થળે રહેવાના બદલે સત્તાવાર નાના ફ્લેટમાં રહેવાનું પસંદ કરશે. ચાર્લ્સ બર્કશાયરનું નિવાસ ઈચ્છતા નથી કારણકે હીથ્રો ફ્લાઈટની નીચેનો વિસ્તાર હોવાથી ત્યાં ભારે ઘોંઘાટ નડે છે. ચાર્લ્સ બકિંગહામ પેલેસમાં રહેવા જશે નહિ તેમજ ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજને વિન્ડસર કેસલનું નિવાસસ્થાન ફાળવશે.
ભવિષ્યમાં ક્વીનના નિધન પછી રાજાશાહીના સીધા વારસદાર તરીકે પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલ્લા તેમજ ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજનો પરિવાર જ રહેશે. બકિંગહામ પેલેસનું ૩૬૯ મિલિયન પાઉન્ડના ખર્ચે ૧૦ વર્ષીય રિનોવેશન ચાલી રહ્યું છે અને તેને વર્ષના સંપૂર્ણ સમય દરમિયાન લોકોના પ્રવેશ માટે ખુલ્લો મૂકી દેવાશે. પ્રિન્સ ચાર્લ્સ અહીં નિવાસ તો રાખશે પરંતુ, વડા પ્રધાન માટે ડાઉનિંગ સ્ટ્રીટમાં જે પ્રકારનો ફ્લેટ છે તેનાથી મોટું નહિ હોય.
ક્વીનના સત્તાવાર નિવાસમાં હાલ ૫૨ (બાવન) રોયલ અને ગેસ્ટ બેડરુમ્સ અને ૧૮૮ સ્ટાફ બેડરુમ્સ છે જેમાં ભારે કાપ મૂકી દેવાશે. ચાર્લ્સ સમક્ષ તેમના પરિવારજનોને આ ફેરફારો માટે સંમત કરવાનું ભગીરથ કાર્ય છે. ડ્યૂક ઓફ યોર્ક-પ્રિન્સ એન્ડ્રયુ વિન્ડસર ગ્રેટ પાર્કમાં આવેલા પાર્ક લોજના નિવાસમાંથી ખસવા ઈચ્છુક નથી પ્રિન્સ એડવર્ડ અને પ્રિન્સેસ એન પણ અનુક્રમે વિન્ડસરના બાગશોટ પાર્ક એને ગ્લોસ્ટરશાયરના ગાટકોમ્બ પાર્કનું નિવાસસ્થાન જાળવી રાખશે. જોકે, એન્ડ્રયુની પુત્રીઓ બીટ્રિસ અને યુજિન આ ફેરફારોમાં પોતાના નિવાસો માટે આગળ આવે તે શક્ય છે.