‘કિલ ધ બિલ’ વિરોધમાં હજારો લોકો જોડાયા

Wednesday 05th May 2021 06:29 EDT
 
 

લંડનઃ  પહેલી મેના મજૂર દિને હજારો લોકોએ લંડનમાં પોલીસ, ક્રાઈમ, સેન્ટન્સિંગ એન્ડ કોર્ટ્સ બિલના વિરોધમાં ‘કિલ ધ બિલ’ દેખાવો કર્યા હતા. આ દેખાવો કોઇ એક સંગઠન દ્વારા નહિ પરંતુ, અનેક માનવાધિકાર સંગઠનો તેમજ વ્યક્તિગત રીતે સોશિયલ મીડિયા કેમ્પેન દ્વારા શરુ થયા છે. પોલીસને વધુ સત્તા આપતા આ બિલથી દેખાવો કરવાના અધિકાર પર તરાપ લાગશે તેમ લોકો માની રહ્યા છે. ૬૦૦ જેટલા સંગઠનોએ આ બિલ પાછું ખેંચવા સરકાર સમક્ષ માગણી કરી છે.

બ્રિટનમાં પોલીસને વધુ શક્તિશાળી બનાવનારા બિલના વિરોધમાં દેખાવો તેજ બન્યા છે. ગુનાખોરી, પોલીસ, સજા અને અદાલતોના બિલ વિરુદ્ધ હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. શનિવારે પણ લંડનમાં ભારે દેખાવો થયા હતા. દેખાવકારો શનિવાર, ૧ મેએ ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે એકત્ર થયા હતા અને બકિંગહામ પેલેસ, વિક્ટોરિયા, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, હોમ ઓફિસ થઈને નદીની પેલી પાર વોક્સહેલ ગાર્ડન પહોંચ્યા હતા. પોલીસ પણ વિરોધ સરઘસની સાથોસાથ હળવાશથી ચાલી રહી હતી. લંડન, બ્રિસ્ટોલ, એડિનબરા, એસેસ્ટર સહિત શહેરો લોકો આ બિલનો વિરોધ કરી રહ્યા છે. બ્રિસ્ટોલ સહિત ઘણાં સ્થળે દેખાવો હિંસક પણ બન્યા હતા

સાઉધોલ બ્લેક સિસ્ટર્સના ડાયરેક્ટર પ્રજ્ઞા પટેલે જણાવ્યું હતું કે આ બિલ નાગરિક સ્વાતંત્ર્ય પર આક્રમણ છે અને વાણીસ્વાતંત્ર્ય, દેખાવો બંધ કરાવવા, વિરોધને દબાવી દેવાની સરકારની વ્યાપક નીતિના ભાગરુપ છે. ડાબેરી પત્રકાર અને લેખક પોલ મેસન પણ વિરોધકૂચમાં સામેલ થયા હતા.

બિલની જોગવાઇઓનો શા માટે વિરોધ?

પાર્લામેન્ટમાં પોલીસ, ક્રાઇમ, સેન્ટેન્સિંગ એન્ડ કોર્ટ બિલ રજૂ કરાયું છે. ૩૦૦ પેજના આ બિલમાં પોલીસ, ગુના અને સજા અંગેના મહત્ત્વના પ્રસ્તાવ છે. તેમાં ગંભીર ગુના માટે કડક સજા કરવાની, સજા કાપી લીધા પહેલાં કેદીઓને જેલમાંથી છોડવાની નીતિ રદ કરવા સહિતનો સમાવેશ થાય છે. નવા કાયદા હેઠળ કયા દેખાવોથી કેટલું જોખમ છે તેનો નિર્ણય લેવાની પોલીસને જ સત્તા મળે છે. પોલીસને દેખાવોનો સમય અને અવાજની મર્યાદા નક્કી કરવાનો પણ અધિકાર હશે. કોઇ સ્મારક કે પૂતળાને નુકસાન પહોંચાડનારાને ૧૦ વર્ષ સુધીની જેલની પણ જોગવાઇ છે. લોકોને ડર છે કે પોલીસ આ અધિકારોનો દુરુપયોગ કરીને જનતાને હેરાન કરી શકે છે, લોકોને પોતાના હક માટે અવાજ ઉઠાવતાં પણ અટકાવી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter