‘ગ્રીન ઈકોનોમી’ માટે ઈન્વેસ્ટમેન્ટ્સને ઉત્તેજન

Wednesday 20th November 2019 02:44 EST
 
(ડાબેથી) ડો. મોહન કોલ, ડો. પરમ શાહ, લોર્ડ જિતેશ ગઢિયા, લોર્ડ મેયર ઓફ લંડન પીટર એસ્ટલિન, બેરોન ઓફ વિમ્બલ્ડન તારિક અહમદ, ભારતના યુકેસ્થિત હાઈ કમિશનર શ્રીમતી રુચિ ઘનશ્યામ અને સર રોજર ગિફોર્ડ
 

લંડનઃ વિશ્વના પર્યાવરણીય પડકારો સંબંધિત ગંભીર ચિંતાઓના નિરાકરણ માટે ૧૦૦થી વધુ બ્રિટિશ અને ભારતીય અગ્રણીઓ ગુરુવાર સાત નવેમ્બરે લંડનના ગિલ્ડહોલ ખાતે એકત્ર થયા હતા. ઈન્ડિયા પ્રોફેશનલ્સ ફોરમ, ધ સિટી ઓફ લંડન, ભારતીય હાઈ કમિશન દ્વારા આયોજિત અને બ્રિટિશ ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસના ટેકા સાથે યુકે-ઈન્ડિયા સસ્ટેનેબલ ઈન્વેસ્ટિંગ ફોરમની બેઠક મળી હતી. આ કાર્યક્રમમાં લોર્ડ મેયર ઓફ લંડન પીટર એસ્ટલિન, ભારતના યુકેસ્થિત હાઈ કમિશનર શ્રીમતી રુચિ ઘનશ્યામ, કોમનવેલ્થ, યુનાઈટેડ નેશન્સ અને સાઉથ એશિયા માટે મિનિસ્ટર ઓફ સ્ટેટ, લોર્ડ અહમદ ઓફ વિમ્બલ્ડન, લોર્ડ જિતેશ ગઢિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

લોર્ડ અહમદ ઓફ વિમ્બલ્ડને ક્લાઈમેટ કટોકટીનો સામનો કરવા મોટા પ્રમાણમાં ખાનગી રોકાણો સહિત ઈન્વેસ્ટમેન્ટ્સ વધારવા હાકલ કરવા સાથે કહ્યું હતું કે યુકે ઈન્ટરનેશનલ ક્લાઈમેટ ફાઈનાન્સમાં વિશ્વમાં અગ્રસ્થાને છે. આગામી પાંચ વર્ષમાં યુકેના રોકાણો બમણા કરી ૧૧ બિલિયન પાઉન્ડથી પણ વધુ કરવા પ્રાઈમ મિનિસ્ટરે જાહેરાત કરેલી છે. જોકે, માત્ર જાહેર રોકાણો પૂરતાં થઈ રહેશે નહિ તેથી ખાનગી રોકાણોને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. તેમણે ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ તેમજ આગામી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસ દ્વારા સોલાર એનર્જીને નિયંત્રણમાં લેવા ભારતની ભૂમિકાની સરાહના કરી હતી. સંયુક્ત ગ્રીન ગ્રોથ ઈક્વિટી ફંડમાં સિટી ઓફ લંડન મારફત વૈશ્વિક બજારોમાંથી ૫૦૦ મિલિયન પાઉન્ડનું ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ મેળવી શકાયું છે. તેનું પ્રથમ રોકાણ આંધ્ર પ્રદેશમાં આયાના રિન્યુએબલ પાવરમાં કરાયું છે.

લોર્ડ મેયર ઓફ લંડન પીટર એસ્ટલિને કહ્યું હતું કે ગ્રીન ફાઈનાન્સ નવું ક્ષેત્ર છે જેમાં, સિટી ઓફ લંડન સાચું નિષ્ણાત છે કારણકે ૨૫ બિલિયન ડોલરના ગ્રીન બોન્ડ અહીં લિસ્ટ કરાયેલાં છે.

ભારત સંદર્ભે FICCI સાથેનો સંયુક્ત રિપોર્ટ પણ લોન્ચ કરાયો હતો. યુકે-ઈન્ડિયાના ગાઢ સહકાર વિશે બોલતાં હાઈ કમિશનર રુચિ ઘનશ્યામે કહ્યું હતું કે યુકે-ઈન્ડિયા સસ્ટેનેબલ ઈન્વેસ્ટિંગ ફોરમ મોટી કટિબદ્ધતા છે જે, ભારત અને યુકેના નેતાઓને આપણા સંબંધો અને સહકાર મજબૂત બનાવવા આગળ લાવે છે. વિશ્વના પર્યાવરણીય પડકારોને હલ કરવા આપણા દેશો માટે જ નહિ, ગ્લોબલ પાર્ટનરશિપનું મોડેલ બની રહેશે.

ઈન્ડિયા પ્રોફેશનલ્સ ફોરમના પ્રમુખ ડો. મોહન કોલે કહ્યું હતું કે ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવામાં ભારત વિશ્વમાં અગ્રભૂમિકા ભજવે છે અને ભારતીય બિઝનેસીસ ગ્લોબલ ગ્રીન એજન્ડામાં પહેલરુપ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં આગળ છે.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter