‘જીવંત પંથઃ સર્વોત્તમ-૮૦’ વિશે વિચારગોષ્ઠિ

અચ્યુત સંઘવી Wednesday 01st August 2018 07:28 EDT
 
 

અમદાવાદઃ ગાંધીવાદી મૂલ્યો અને સાત્વિક સાહિત્યના પ્રચાર-પ્રસાર સાથે સંકળાયેલી પ્રકાશનસંસ્થા નવજીવન પ્રેસના આંગણે યુકેથી પ્રસિદ્ધ થતાં પ્રતિષ્ઠિત સાપ્તાહિકો ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’ના પ્રકાશક અને તંત્રી શ્રી સી.બી. પટેલ અને આમંત્રિતોની ઉપસ્થિતિમાં ‘ગુજરાત સમાચાર’માં પ્રસિદ્ધ થતી તેમની કોલમ ‘જીવંત પંથ’ના ચૂંટેલા લેખ સંદર્ભે ‘જીવંત પંથઃ સર્વોત્તમ-૮૦’ પુસ્તક વિશે વિચારગોષ્ઠિનું આયોજન ગુરુવાર, ૧૯ જુલાઈની સાંજે કરાયું હતું. આ ગોષ્ઠિમાં વિચારવંત મહેમાનોએ પુસ્તક અને સી.બી. વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
કાર્યક્રમના ઉદ્ઘોષક તુષાર જોશીએ જણાવ્યું હતું કે આ સંવાદ છે, લાંબી વાતચીતનો ઉપક્રમ છે. આજનું નિમિત્ત વર્ષ ૨૦૦૫થી ૨૦૧૦ના કાલખંડમાં સી.બી. પટેલની કોલમ ‘જીવંત પંથ’ પુસ્તક વિશેની ચર્ચા છે. ‘જીવંત પંથ’ કોલમ જીવાતાં જીવનની વાત છે. હતાશામાં દુઃખી ન થવું અને સુખમાં છકી ન જવું તે પણ ‘જીવંત પંથ’ની એક સરળ વ્યાખ્યા છે. જીવન છે તો પ્રશ્નો પણ હોય જ. સી.બી.નો મુદ્રાલેખ રહ્યો છે. માતાપિતાનો વાંચનશોખ પણ તેમનામાં ઉતરી આવ્યો છે.
ટી.એ. ભટ્ટની પત્રકારોને આપેલી સલાહ ‘વાચકને વાંચન જોઈએ છે - ખૂબ વાંચન, વિશ્વસનીય વાંચન, સત્વશીલ વાંચન. રૂપાળું મેગેઝિન બનાવવાના બદલે સાચેસાચ સાપ્તાહિક સમાચારપત્ર બનાવો. સમાજના ચોકીદાર બનજો’ને તેઓ ચૂસ્તતાથી વળગી રહ્યા છે. તેઓ સ્પષ્ટવક્તા છે અને કહે છે કે મારી અભિવ્યક્તિનો અધિકાર મારો જ છે. સી.બી. માત્ર સફળ નહિ, સાર્થક પણ રહ્યા છે. તેઓ આજે પણ સહજતા સાથે જીવે છે. સ્વામી સચ્ચિદાનંદજીએ સી.બી. પટેલ વિશે લખ્યું છે કે, ‘સામયિકનો પ્રાણ તેનો તંત્રી હોય છે. તંત્રી સામયિકનો બ્રહ્મા છે. એ જેવું ધારે તેવું સામયિક રચાતું હોય છે.’
ગુજરાતના અગ્રણી દૈનિક ‘નવગુજરાત સમય’ના અખબારના તંત્રી અને પ્રસિદ્ધ પત્રકાર અજયભાઈ ઉમટે જણાવ્યું હતું કે વિચારગોષ્ઠિનો આ માહોલ સારો છે પરંતુ આપણે સી.બી.ને વધુ સાંભળવા જોઈએ. આગામી પુસ્તક સર્વોત્તમ-૧૧૧ હોય તેવી કામના છે. તેમણે બ્રિટિશ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલના જીવનનો એક પ્રસંગ ટાંક્યો હતો કે એક ફોટોગ્રાફરે ચર્ચિલનો સારો ફોટો પાડ્યા પછી એમ કહ્યું કે તમે ૧૦૦ વર્ષના થાવ ત્યારે પણ હું તમારો ફોટો પાડું તેવી ઈચ્છા છે. આ સાંભળી ચર્ચિલે જવાબ આપ્યો કે તમે પણ ત્યારે હાજર હો તેવી મારી શુભેચ્છા છે.
અજયભાઈએ સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચેનો તફાવત દર્શાવતા કહ્યું હતું કે સાહિત્ય કોઈ વાંચતું નથી અને પત્રકારત્વ વાંચવા જેવું રહ્યું નથી. સી.બી. પત્રકારોમાં એક્ટિવિસ્ટ અને એક્ટિવિસ્ટોમાં પત્રકાર છે. સી.બી. હાથમાં લીધેલો કોઈ મુદ્દો છોડતા નથી. અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઈટનો આરંભ કરાવવામાં તેમનો સિંહફાળો છે. વાંચકો પ્રત્યે તેમની જવાબદારી વધુ છે. તેમના પિતાએ લોકોને અક્ષરજ્ઞાન આપવાની જે સલાહ આપી હતી તેનું તેમણે પૂર્ણપણે પાલન કર્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કદી જાહેરમાં કોઈનો ઋણસ્વીકાર કર્યો નથી પરંતુ, વેમ્બલી હોલમાં જનમેદની સમક્ષ તેમણે સી.બી. દ્વારા ડાયરેક્ટ ફ્લાઈટના આંદોલનનો ઉલ્લેખ કર્યો હતો. આવા સી.બી. અજાતશત્રુ છે. તેઓ બ્રિટનમાં ગુજરાતીઓના બ્રાન્ડ એમ્બેસેડર છે. સી.બી.એ પુસ્તકમાં ‘ગુજરાતી ભારતીય વસાહત’ પ્રકરણમાં ગુજરાતીઓ અને ભારતીયોના સંઘર્ષ અને સિદ્ધિની વ્યથાકથા રજૂ કરી છે. સી.બી.ના લખાણમાં તળપદી ભાષા વધુ જણાય છે અને કહેવતોનો ઉપયોગ વધુ કરે છે. સી.બી.ની રમૂજ અથવા તો સેન્સ ઓફ હ્યુમર ધારદાર છે તેઓ ગુજરાતનો વ્યૂસાઈડ દર્શાવવાની સાથોસાથ સાહિત્ય ઉપરાંત, રાજકારણ, પ્રજાકારણ અને લોકો પ્રત્યે નિસબત પણ દર્શાવે છે.
આંબેડકર ઓપન યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો. અમીબહેન ઉપાધ્યાયે સી.બી.ની કોલમ જીવન પથ નહિ પરંતુ, જીવંત પંથ છે, જેમાં જીવંતતા પર્સોનિફાઈડ થાય છે. તંત્રી હિંમતવાન હોવાં જોઈએ અને જર્નાલિઝમ પ્રામાણિક હોવું જોઈએ. ડાયસ્પોરામાં ‘આઈ બિલોન્ગ ટુ ઈન્ડિયા બટ લિવિંગ ઈન બ્રિટન’ની ભાવના હોય છે પરંતુ, અહીં બંને ભૂમિ તરફનું તેમનું કમિટમેન્ટ જોવા મળે છે. સી.બી. જેવું સેન્સ ઓફ હ્યુમર વારસામાં જ મળે છે. તેમણે સાચું જ લખ્યું છે કે ક્રિશ્ચિયાનિટી અને ઈસ્લામ પ્રસરે છે, તેમાં આપણી જ ભૂલ છે.
કનોરિયા આર્ટ્સ સેન્ટરના ડાયરેક્ટર નિહારિકાબહેન શાહે વિચારગોષ્ઠિમાં પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, ‘મેં થોડા આર્ટિકલ વાંચ્યા તેમાંથી તેમના અનુભવો અને પ્રામાણિકતા છલકે છે. આને શબ્દોમાં ઉતારવું તે અલગ જ બાબત છે. તેમણે પિતાને અક્ષરજ્ઞાનનો વ્યાપ વધારવાનું આપેલું વચન પાળી બતાવ્યું છે.’
ડીએનએના પૂર્વ તંત્રી અને પત્રકાર શ્યામ પારેખે જણાવ્યું હતું કે સી.બી.ના પિતાશ્રીએ સંસાર છોડી સંન્યાસ લીધો હતો જ્યારે સી.બી.એ પત્રકારત્વનો ભેખ ધર્યો છે એમ કહી શકાય. સી.બી. અને વિષ્ણુભાઈ પંડ્યાને સાંભળવાની મારી ઘણી ઈચ્છા છે એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે તેમની વાતોમાંથી આપણને ઘણું શીખવાનું મળી શકે તેમ છે.
‘ગુજરાત સમાચાર’ના મેનેજિંગ એડિટર કોકિલાબહેન પટેલે જણાવ્યું હતું કે, ‘જીવંત પંથનો જન્મ શનિવાર ૭ મે ૨૦૦૫ના રોજ થયો જેની હું સાક્ષી રહી છું. સી.બી. બાથરૂમમાં પડી ગયા અને પાંસળીઓને ઝટકો વાગ્યો હોવાથી કશે જઈ શકાય તેમ ન હતું. તેઓ બધા સાથે વાતો કરે અને બધાની પાસેથી ‘અનુભવની ઉજાણી’ મેળવે. તેઓ હંમેશાં Inform, Inspire અને Entertain કરે. અમારા વાંચકોને ઘણી વખત ‘જીવંત પંથ’ વાંચવા ન મળે તો રીતસર ફરિયાદ કરતા હોય છે.
એનઆરજી ફાઉન્ડેશનના ચેરમેન અને મંતવ્ય ચેનલના એડિટર દિગંતભાઈ સોમપૂરાએ જણાવ્યું હતું કે તેમણે પુસ્તક વાંચ્યું નથી પરંતુ, સી.બી.ને નજીકથી જાણ્યા-વાંચ્યા છે. પોતાનું લખેલું વાંચવાની ક્ષમતા લોકો સુધી પહોંચાડે તે જ સાચો લેખક છે.
ભૂતપૂર્વ હાઇ કમિશનર અને એનઆરજી ફાઉન્ડેશનના પૂર્વ ચેરમેન કે. એચ. પટેલે પ્રતિભાવમાં જણાવ્યું હતું કે ‘ગુજરાત સમાચાર’ આવે એટલે હું સૌથી પહેલા ‘જીવંત પંથ’ અને વિષ્ણુભાઈની કોલમ વાંચી લઉં છું. સી.બી.ની ખાસિયત એવી છે કે વિવિધ ક્ષેત્રના લોકો સાથે તેમનો સંપર્ક રહ્યો છે. તેઓ મારા માટે તો રોલ મોડેલ રહ્યા છે. ગૂજરાત વિદ્યાપીઠના ગુજરાતી ભાષા સાહિત્ય વિભાગના વડા ડો. ઉષાબહેન ઉપાધ્યાયે વિચારગોષ્ઠિમાં જણાવ્યું હતું કે તેમના લેખ વાંચતા જ સ્પર્શી જાય તેવા છે. તેમાં તેમનું આંતરિક જગત છતું થાય છે. ભાદરણમાં બાળપણથી જ તેમનામાં સંસ્કારનું સિંચન થયું છે. તેમના પર સ્વામીજી અને માતાનો પ્રભાવ સ્પષ્ટપણે નિહાળી શકાય છે. અંદરથી જાગતી ઊર્મિઓએ સી.બી.ને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધા છે. તેમણે શાખ ઉભી કરવી, મક્કમતાથી બોલવું, સંવેદના દર્શાવવા સાથે પત્રકાર તરીકેની ભૂમિકાને અત્યંત સંવેદનશીલતા સાથે સાતત્ય રાખીને અત્યાર સુધી નિભાવી છે.
‘ગુજરાત સમાચાર’ના માનદ્ તંત્રી, લોકપ્રિય કટારલેખક પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાએ સી.બી. પટેલ સાથે ૧૯૯૭થી નાતો હોવાનું જણાવી કહ્યું હતું કે, ‘ભાદરણના મગ ઉપરાંત, સી.બી. પણ જાણીતા છે. સમકાલીનો વિશે કહેવું મુશ્કેલ છે કારણ કે તેમાં પક્ષપાત અને પૂર્વગ્રહ આવી જવાનો ભય છે. સી.બી. સર્વસમાવેશક છે. તેમની કોલમમાં દુનિયા, યુકે, ભારત અને ગુજરાતના વલણો આવે છે. તેઓ ‘હું’ પદ પાછળ રાખીને મૂલ્યાંકન અને વિશ્લેષણ કરે છે. તેમનો સ્વભાવ રમૂજી છતાં સ્પષ્ટવક્તા છે - જે કહે તેમાં મીનમેખ થતો નથી.
દુનિયામાં સ્થળાંતરની આગવી પીડા અને સમસ્યા છે. એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર અથવા માઈગ્રેશન થતું રહે છે. આ હિજરતોએ દુનિયા ઘડી છે. સી.બી.એ ગુજરાતની અસ્મિતાને લંડનમાં ઉભી કરી છે તે નાની સૂની વાત નથી. તંત્રી તરીકે ભાષા હોવાં સાથે લોકો સમક્ષ પહોંચવાની તાકાત જોઈએ. કહેવતો, નીરિક્ષણ, શબ્દો, વાક્યભંડોળ પણ જોઈએ. શ્યામજી કૃષ્ણ વર્મા અને દાદાભાઈ નવરોજીની તંત્રીપરંપરાને સી.બી.એ આગળ વધારી છે. કટાર લખવી એ તંત્રીલેખ લખવા કરતાં અઘરું કાર્ય છે, લોકોને તે પસંદ પડે તે પણ જરૂરી છે. તેમણે પોતાની કટારના કેન્દ્રમાં ગુજરાત, બ્રિટન અને બ્રિટનમાં ગુજરાતી-ભારતીય સમાજને રાખ્યો છે.
સી.બી. ધાર્મિક છે પણ સાંપ્રદાયિક નથી. ધાર્મિક સંસ્થાઓમાં પણ જે પોલ, ગેરરીતિઓ હોય તે તેમણે ખુલ્લી પાડી છે. સી.બી.નું વાંચન અદ્ભૂત અને વૈશ્વિક સ્તરનું છે. આજના પત્રકારો અને તંત્રીઓ વાંચનમાં દરિદ્ર છે. લેખક માટે વાંચન, નીરિક્ષણ, ચિંતન અને લેખન જરૂરી બની રહે છે. સી.બી.ની ‘જીવંત પંથ’ કોલમ પરિવાર અને સમાજલક્ષી છે, જેમાં ડાયાબિટીસ સાથે તેમની મિત્રતાની વાત અવશ્ય આવે છે.
‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક અને તંત્રી સી.બી. પટેલે ‘જીવંત પંથ’ કોલમના નામકરણ સંદર્ભે જણાવ્યું હતું કે ‘જીવંત પંથ’ એ કોઈ આત્મકથા નથી. તે લખવાની મારી ક્ષમતા કે માનસિક તૈયારી પણ ન હતી અને નથી. શરૂઆતમાં તેનું નામ ‘અનુભવની ઉજાણી’ શિર્ષક રાખવાનું મને યથાયોગ્ય જણાયું હતું. કેટલાક સુજ્ઞ વાચકોએ આ લેખમાળાનું નામ (૧) મેઘધનુષ્ય (૨) દીવાદાંડી અને (૩) ધૂપસળી રાખવા સૂચન કર્યું હતું. મેઘધનુષ્ય અત્યંત અલ્પજીવી હોય છે. દીવાદાંડી થવાની મારી ક્ષમતા નથી અને ધૂપસળી ભલે ફોરમ પ્રસરાવતી હોય પરંતુ શિર્ષક તરીકે મને માફક આવતી નથી.
સી.બી. પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ‘સત્યના આધારે અને નિર્ભય રીતે સમાચાર કે મારા વિચાર રજૂ કરવાને હું પ્રાધાન્ય આપું છું. અહીં મારા વિશે જે કહેવાયું છે તે બધું સાચું નથી. હું કશું કામ કોઈનું કરતો નથી. હું કોઈને છેતરીશ નહિ પરંતુ, મારું હિત સર્વોપરી છે. પરિવાર અને મિત્રો હોય તો પણ દુશ્મનો હોવાં જ જોઈએ. તેઓ આપણને ખામી દેખાડે છે.

માનવશરીર હિન્દુ છે, જેનું મને ગૌરવ છે પરંતુ હું સાંપ્રદાયિક નથી. દરેક વ્યક્તિ ભાષા અને જ્ઞાન દેવામાં હોંશિયાર છે. અપમાન કરવાની પણ અલગ અલગ સ્ટાઈલ હોય છે. આજનો પ્રસંગ ખરેખર વિચારગોષ્ઠિ છે. મને એમ હતું કે વિચારગોષ્ઠિમાં મુદ્દાઓ પર વાતો થશે. જોકે, મને ભ્રમમાં રખાયો છે. આમ છતાં, હું ખુશ છું. વાંચવું અને વિચારવું મારું કામ છે. હું મારી રીતે મારા વાંચકોને ઇન્ફોર્મ કરું છું, સામાન્ય માહિતી આપું છું.
હું બ્રિટનમાં રહું છું તે મારું સદભાગ્ય છે. અમારે ત્યાં સમાજ બહુ સારો છે. દુનિયામાં સારપતા ઘણી છે. આપણે તે જાણતા નથી. મને ઘણા સારા માણસો મળ્યા છે. આદર્યાં કામ કદી અધૂરાં રહેતાં નથી પણ આપણામાં સારપ હોવી જોઈએ. હું સ્પષ્ટવક્તા છું પણ ઝઘડાખોર તો નથી જ. મારા સૌપ્રથમ લહિયા તરીકેની કામગીરી કોકિલાબહેને બજાવી હતી. હવે નીલેશભાઈ મારા લહિયા છે. જો મારે એકલાએ જ કરવાનું હોત તો આટલું સારું ન લખાત.’
તેમણે મીડિયાક્ષેત્રમાં આવવાનું કારણ દર્શાવતા કહ્યું હતું કે ‘મારા સંન્યાસી પિતાએ મને લોકોને અક્ષરજ્ઞાન આપવાની સલાહ આપી હતી. તેને અનુસરવા હું આ ક્ષેત્રમાં આવ્યો છું. મારા માટે આ ‘જ્ઞાનયજ્ઞ અને સેવાયજ્ઞ’ છે. મારા કેટલાક સિદ્ધાંત છે કે પૈસા અગત્યના છે પરંતુ સર્વસ્વ નથી. કદી સરકારી સન્માન ન મેળવો અને ચૂંટણીના રાજકારણમાં ન જોડાઓ.’
સંબોધનના અંતે સી.બી.એ જણાવ્યું હતું કે, ‘મારા સક્રિય દીર્ઘજીવન માટે પ્રાર્થના કરજો અને સાથે એ પણ કહેજો કે મારામાં અહંકાર ન આવવા દે.’
કાર્યક્રમના પ્રારંભે બ્યુરો ચીફ અને પુસ્તકના સંપાદક નીલેશ પરમારે આમંત્રિતોનું સ્વાગત કરતા પુસ્તકની પૂર્વભૂમિકા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘જીવંત પંથ’ કોલમમાં પ્રકાશિત વિવિધ લેખોના સંપાદનમાં ભૂતકાળ છે, સંસ્મરણો છે, ઘટનાઓનું દસ્તાવેજીકરણ છે અને વિદેશવાસી ભારતીયોના સંઘર્ષ અને સિદ્ધિની સાથે જ તેમના ઉજળા ભવિષ્યની ઝલક પણ છે. શ્રી સી.બી.ની વાતમાં ઈતિહાસ ધબકે છે. નરી આંખે નીતરેલું સત્ય અને તથ્ય સરળ અને સ્પષ્ટ શબ્દોમાં આ પુસ્તકમાં તરી આવે છે.
તેમણે એક પ્રસંગનો ખાસ ઉલ્લેખ ટાંકતા કહ્યું હતું કે બ્રિટિશ સરકાર દ્વારા ભક્તિવેદાંત મેનોર હરેકૃષ્ણ મંદિરને તાળા મારવાનો નિર્ણય લેવાયો તેના વિરોધમાં ૧૪ માર્ચ ૧૯૯૪ના દિવસે ૩૫,૦૦૦થી વધુ ભારતીયો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પાર્લામેન્ટને ઘેરાવ કરીને આક્રોશ ઠાલવ્યો હતો. આખરે સત્તાધીશોએ આદેશ રદ કરવાની ફરજ પડી હતી. આ આંદોલનની આગેવાની સદા સક્રિય સી.બી.એ જ લીધી હતી.
સી.બી. પટેલના જીવનના ૮૦ વર્ષ નિમિત્તે ૮૦ લેખનું સંપાદન કરાયું હોવાનો સંદર્ભ ટાંકતા તેમણે કહ્યું હતું કે બ્રિટનવાસી ભારતીય સમુદાય સમક્ષ જ્યારે જ્યારે પડકારો સર્જાયા છે ત્યારે શ્રી સી.બી. તેમની વહારે પહોંચ્યા છે તેનો ઈતિહાસ ગવાહ છે.
(તમામ તસવીરોઃ
ઝાટકિયા સ્ટુડિયો-અમદાવાદ)

• કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો •

સર્વશ્રી પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા, પ્રસિદ્ધ પત્રકાર અજય ઉમટ, ગુજરાત સમાચારના મેનેજિંગ એડિટર કોકિલાબહેન પટેલ, વરિષ્ઠ પત્રકાર ભૂપતરાય પારેખ, જયસુખભાઈ મહેતા અને તેમના પત્ની, ભૂતપૂર્વ હાઇ કમિશનર કે. એચ પટેલ, તનિશ્ક શોરૂમના માલિક જતીનભાઈ પારેખ, સિનિયર ઓન્કોલોજિસ્ટ ડો. ભાવેશભાઈ બી. પારેખ, ડો. ઉર્વીબહેન બી. પારેખ, વરિષ્ઠ પત્રકાર અને કટારલેખક શ્યામ પારેખ, ડિજીટલ ભાસ્કરના એડિટર મનિષ મહેતા, એનઆરજી ફાઉન્ડેશનના ચેરમેન અને મંતવ્ય ચેનલના એડિટર દિગંત સોમપુરા, પંકજ મુધોલકર, આંબેડકર ઓપન યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અમીબહેન ઉપાધ્યાય, ગૂજરાત વિદ્યાપીઠના ગુજરાતી વિભાગના વડા ડો. ઉષાબહેન ઉપાધ્યાય, કનોરિયા આર્ટ્સ સેન્ટરના ડાયરેક્ટર નિહારિકાબહેન શાહ, ચિત્રકાર તૃપ્તિબહેન દવે, હર્ષદ સ્ટુડિયોના જયેન્દ્રભાઇ ઝાટકિયા, પત્રકાર પૂર્વી અપૂર્વ દવે, નિહિર પટેલ, સહિતનો સમાવેશ થયો હતો. કાર્યક્રમના સમાપને આમંત્રિત મહેમાનોએ નવજીવન પ્રેસના આંગણામાં જ આવેલા ‘કર્મ કાફે’માં ‘ગાંધી થાળી’ના સાત્વિક ભોજનનો રસાસ્વાદ માણ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter