‘જ્વેલથીફ’ની કમાલઃ માત્ર 19 મિનિટમાં £10.4 મિલિયનની જ્વેલરીની ચોરી

£150,000 ની ડિઝાઈનર હર્મીસ બેગ્સ અને £15,000ની રોકડ પણ ચોરાઈ

Thursday 02nd January 2025 01:42 EST
 
 

લંડનઃ નોર્થ લંડનમાં બિલિયોનેર્સ વસે છે તેવા એવન્યુ રોડ પરના પ્રાઈમરોઝ હિલના મકાનમાંથી એક જ્વેલથીફે ભારે હિંમત અને જોખમ સાથે 7મી ડિસેમ્બરે માત્ર 19 મિનિટમાં 10.4 મિલિયન પાઉન્ડની જ્વેલરીની ચોરી કરી સનસનાટી ફેલાવી છે. બ્રિટની સૌથી મોટી ઘરફોડ ચોરીઓમાં એક આ ચોરીમાં 150,000 પાઉન્ડની ડિઝાઈનર હર્મીસ ક્રોકોડાયલ કેલી હેન્ડબેગ્સ અને 15,000પાઉન્ડની રોકડ પણ ચોરાઈ છે. ચોરાયેલી જ્વેલરીમાં 10.73 કેરેટની ડાયમન્ડ રિંગ તેમજ અન્ય બે ડી બીઅર્સ બટરફ્લાય ડાયમન્ડ રિંગ્સ, 3.03 કેરેટની અન્ય રિંગ, હર્મીસ નેકલેસ, પિન્ક સેફાયર એરિંગ્સ સહિત અનેક કિંમતી આઈટમ્સનો સમાવેશ થાય છે.

એવન્યુ રોડ, સેન્ટ જ્હોન્સ વૂડ ખાતે 13 બેડરૂમના વૈભવી મેન્શનમાં લોકોની હાજરી છતાં, સાંજના 5.11ના સુમારે એક વ્યક્તિ સેકન્ડ ફ્લોરની બારીમાંથી ઘરમાં ઘૂસ્યો હતો અને પાંચ મિનિટ બધાં રૂમ્સમાં ખોખાંખોળામાં વીતાવી હતી. આ પછી નીચે ઉતરી પ્રથમ માળે ગયો હતો. અહીં તેને સેફમાંથી ભારે મૂલ્યની જ્વેલરી સહિતની આઈટમ્સ મળી આવી હતી. તે ફરી બીજા માળે આવી ત્યાંની બારીમાંથી નાસી છૂટ્યો હતો. આમ, તેને 10.4 મિલિયન પાઉન્ડની વિશિષ્ટ બનાવટની જ્વેલરી સહિતની ચીજોની ચોરી કરવામાં માત્ર 19 મિનિટ લાગી હતી. પાંચ માળના આ મેન્શનમાં તે સમયે સ્ટાપ અને પરિવારના સભ્યો સહિત આઠ વ્યક્તિ હાજર હતી. આ શ્રીમંત પરિવાર મૂળ હોંગ કોંગનો છે.

મધ્યમ બાંધાના શ્વેત શકમંદ જ્વેલથીફની પાસે શસ્ત્ર હતુ. તેણે ડાર્ક હૂડી, કાર્ગો પેન્ટ્સ અને ગ્રે બેઝબોલ કેપ પહેરી હતી અને ચહેરો ઢાંકેલો હતો. ઘરના સિક્યુરિટી કેમેરાઓએ ચોરીની ઘટના અને રૂમ્સમાં તેની શોધખોળની પણ નોંધ લીધી હતી. પોલીસ અને ખાનગી તપાસકારો જ્વેલથીફને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા છે.

બિલિયોનેર પરિવારે શકમંદ જ્વેલથીફને પકડવામાં અને સજા થાય તેમાં મદદરૂપ માહિતી આપનારાને 500,000 પાઉન્ડ સુધીનું ઈનામ જાહેર કર્યું છે. બીજું ઈનામ, પરત મળનારી કોઈ પણ આઈટમના મૂલ્યના 10 ટકા રકમનું છે. પોલીસે લોકોને શકમંદ વિશે માહિતી આપવા તેમજ ચોરાયેલી જ્વેલરીને વેચવાનો પ્રયાસ થાય તો તેની જાણકારી આપવા અનુરોધ કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter