લંડનઃ યુકેમાં સામાન્ય ચૂંટણી આઠ જૂને યોજાવાની છે ત્યારે રાજકીય પક્ષોએ ઉમેદવારોની જાહેરાત સાથે ચૂંટણી મેનિફેસ્ટો પણ જાહેર કરી લોકોનું ધ્યાન આકર્ષિત કરવા વચનો આપવાની શરૂઆત કરી છે. વડા પ્રધાન થેરેસા મેએ ૧૭ મે, બુધવારે કન્ઝર્વેટિવ પાર્ટીનો મેનિફેસ્ટો જારી કર્યો હતો, જેમાં ઈમિગ્રેશનમાં ઘટાડો, ટેક્સ-ફ્રી પર્સનલ એલાવન્સ વધારવા તેમજ NHSના ભંડોળમાં વધારાની જાહેરાતનો સમાવેશ કરાયો છે. સોશિયલ કેરનું ભંડોળ આપવાની ટોરી યોજના હેઠળ મધ્યમવર્ગીય પેન્શનરોને લાભ મળશે, જ્યારે વિન્ટર ફ્યુલ પેમેન્ટ માટે સાધનસજ્જતાની કસોટી દાખલ કરવામાં આવશે. લોકોએ પોતાની સારસંભાળની ચુકવણી માટે જીવનકાળમાં ઘર વેચવું ન પડે તેવો કાયદો લાવવાનું વચન પણ ટોરી પાર્ટીએ આપ્યું છે. નવા નિયમોના પરિણામે નર્સિંગ હોમ સારવારની જરૂર હોય તેવા પેન્શનરો તેમની સંપત્તિ વધુ પ્રમાણમાં જાળવી શકે તેવી રાહત મળશે. કન્ઝર્વેટિવ મેનિફેસ્ટોના મુખ્ય મુદ્દાઓ આ મુજબના છેઃ
ટેક્સ અને પેન્શન્સઃ ઈન્કમ ટેક્સ, નેશનલ ઈન્સ્યુરન્સ અને VAT નહિ વધારવાની ખાતરી આપતી ડેવિડ કેમરનની ‘ટ્રિપલ લોક’ યોજના રદ કરાશે • ટેક્સ બને તેટલો ઓછો રાખવાની ખાતરી• ૨૦૨૦ સુધીમાં ટેક્સ-ફ્રી પર્સનલ એલાવન્સ વધારી ૧૨,૫૦૦ પાઉન્ડ તેમજ ૪૦p ટેક્સરેટની મર્યાદા ૫૦,૦૦૦ પાઉન્ડ સુધી વધારવાની પ્રતિબદ્ધતા • ૨૦૨૦ સુધીમાં કોર્પોરેશન ટેક્સ ઘટાડીને ૧૭ ટકા કરાશે અને બિઝનેસ રેટ્સની સંપૂર્ણ સમીક્ષા થશે • પેન્શન્સ માટે ‘ડબલ લોક’ સિસ્ટમ એટલે કે કમાણી અથવા ફૂગાવામાંથી જે વધુ હશે તેને પ્રમાણસર પેન્શન્સમાં વધારો થશે • પેન્શન સિસ્ટમમાં ગેરવહીવટ બદલ સખત શિક્ષા
ઈમિગ્રેશનઃ વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઈમિગ્રેશન આંકડામાં રાખીને વાર્ષિક નેટ ઈમિગ્રેશન હજારોની સંખ્યા સુધી ઘટાડવાનું લક્ષ્યાંક રખાયું છે. • વિદેશી વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ પૂર્ણ થતા જ સ્વદેશ ચાલ્યા જાય તેવી અપેક્ષા સિવાયકે, નવી જરૂરિયાતોના કારણે તેમને યુકેમાં રહેવાની પરવાનગી મળે તેમ હોય. • માઈગ્રન્ટ વર્કર્સને કામે રાખતી કંપનીઓ પર લદાયેલો ઈમિગ્રેશન સ્કિલ્સ ચાર્જ વધારીને પાર્લામેન્ટની મુદતના અંત સુધીમાં વાર્ષિક ૨,૦૦૦ પાઉન્ડ કરવામાં આવશે.
અર્થતંત્રઃ આગામી દાયકાની મધ્ય એટલે કે ૨૦૨૫ સુધીમાં ખાધરહિત અને સંતુલિત બજેટનું વચન અપાયું છે. • એક્ઝિક્યુટિવ્ઝના પે-પેકેટ્સ શેરહોલ્ડર્સની મંજૂરીને આધીન રાખતો કાયદો • લિસ્ટેડ કંપનીઓએ એક્ઝિક્યુવ્ઝના વેતન અને યુકે વર્કફોર્સના રેશિયોની પ્રસિદ્ધિ કરવાની રહેશે • ૨૫૦થી વધુ કર્મચારી ધરાવતી કંપનીએ સ્ત્રી અને પુરુષના વેતનમાં ખાઈ વિશેનો ડેટા જાહેર કરવો પડશે • જીડીપીના ૦.૭ ટકાની વિદેશી સહાયની ફાળવણી યથાવત • જીડીપીના ઓછામાં ઓછાં બે ટકા ડિફેન્સ પાછળ ખર્ચાશે અને ડિફેન્સ બજેટમાં નવી પાર્લામેન્ટના દર વર્ષે ફૂગાવા ઉપરાંત ૦.૫ ટકાની વૃદ્ધિ
બ્રેક્ઝિટઃ યુરોપિયન સિંગલ માર્કેટ અને કસ્ટમ્સ યુનિયનનું સભ્યપદ છોડી દેવાશે. • યુકે માટે ખરાબ સમજૂતી કરતા ‘નો ડીલ’ વધુ સારું રહેશે • બ્રેક્ઝિટ પૂર્ણ થયાં પછી જ અને પ્રજાની સંમતિ હશે તો જ સ્કોટિશ આઝાદી વિશે રેફરન્ડમ લેવાશે.
હેલ્થ અને સોશિયલ કેરઃ આગામી પાંચ વર્ષ દરમિયાન NHS પાછળ ખર્ચમાં ઓછામાં ઓછાં ૮ બિલિયન પાઉન્ડની વધુ ફાળવણી કરાશે • પેન્શનરોને સાધનસજ્જતા અનુસાર વિન્ટ ફ્યુલ ચુકવણી કરાશે તેમજ સોશિયલ કેર સિસ્ટમમાં ૨.૮ બિલિયન પાઉન્ડની ખાધ પૂરવા લોકોએ હોમ કેર વિઝિટ માટે વધુ નાણા ચુકવવા પડશે. • પેન્શનરોએ તેમની બચત અને સંપતિનું મૂલ્ય ૧૦૦,૦૦૦ પાઉન્ડ રહે તે પછી પોતાની સારસંભાળ માટે ચુકવણી કરવાની નહિ રહે, હાલ માત્ર ૨૩,૨૫૦ પાઉન્ડ સુધીનું જ રક્ષણ મળે છે • કોઈએ સારસંભાળ માટે જીવનકાળ દરમિયાન ઘર વેચવાની જરૂર નહિ રહે
બંધારણ અને શિક્ષણઃ સીમાંકનની સમીક્ષા સાથે સાંસદોની સંખ્યા ઘટાડીને ૬૦૦ સુધી લાવવાની ખાતરી • મત આપવા માટે ઓળખપત્ર ફરજિયાત બનાવાશે • ઓનર્સ સિસ્ટમની સમીક્ષા • ગ્રામર સ્કૂલ્સ પરના પ્રતિબંધનો અંત • દર વર્ષે ઓછામાં ઓછી ૧૦૦ ફ્રી સ્કૂલ્સ ખોલવાની ખાતરી• કોઈ પણ સ્કૂલને બજેટકાપ નડે નહિ તે માટે ૨૦૨૨ સુધીમાં સ્કૂલ્સ બજેટમાં ૪ બિલિયન પાઉન્ડની ફાળવણી


