લંડનઃ બ્રિટનમાં મોટા અખબારોમાં એક ‘ધ ઈન્ડિપેન્ડન્ટ’ ડિજિટલ ક્રાંતિનો પહેલો શિકાર બન્યું છે. આગામી મહિનાથી લોકપ્રિય અખબારની દૈનિક આવૃત્તિ ૨૭ માર્ચથી અને સન્ડે આવૃત્તિ ૨૧ માર્ચથી ન્યૂઝ સ્ટેન્ડ્સ પર દેખાતી બંધ થઈ જશે. આ સાથે તેમાં ૧૦૦ લોકો નોકરી ગુમાવશે.
‘ધ ઈન્ડિપેન્ડન્ટ’ના તંત્રી અમોલ રાજને તેમના ૧૫૦ કર્મચારી સમક્ષ અખબાર બંધ થવાની જાહેરાત કરી હતી. અખબારના એક સ્થાપક આન્દ્રેઆસ વ્હીટામ સ્મિથ પણ બેઠકમાં ઉપસ્થિત હતા. સ્પર્ધાના યુગમાં વધેલી પ્રિન્ટિંગ કોસ્ટ, ઘટેલાં સર્ક્યુલેશન અને વિજ્ઞાપન રેવન્યુ ૧૯૮૬માં સ્થાપિત અખબારને અંત તરફ દોરી ગઈ હતી. તેનું સર્ક્યુલેશન ૧૯૮૯માં ૪૨૧,૦૦૦ થયું હતું, જે વર્તમાનમાં ઘટી ૫૬,૦૦૦ થયું હતું. તેના ભગિની અખબાર ‘i’નું ૨૫ મિલિયન પાઉન્ડમાં જ્હોન્સ્ટન પ્રેસને વેચાણ થયું છે અને તે ૨૭૫,૦૦૦નું સર્ક્યુલેશન ધરાવે છે.
એલેકઝાન્ડર લેબેડેવ અને તેના પુત્ર એવજેનીએ છેક ૨૦૧૦થી ‘ધ ઈન્ડિપેન્ડન્ટ’માં આશરે ૫૫ મિલિયન પાઉન્ડ નાખ્યા હતા. લેબેડેવ ‘ધ ઈન્ડિપેન્ડન્ટ’ની વેબસાઈટ માટે માત્ર ૨૫નો સ્ટાફ લેશે, જ્યારે અમોલ રાજન સમગ્ર ડિજિટલ બિઝનેસ માટે એડિટર -એટ-લાર્જની ફરજ બજાવશે. તંત્રીવિભાગના ૧૭ કર્મચારી જ્હોન્સ્ટન પ્રેસને ટ્રાન્સફર કરાશે.


