‘નો ડીલ’ બ્રેક્ઝિટ મુદ્દે કેબિનેટમાં મતભેદ

Wednesday 29th August 2018 01:55 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન થેરેસા મે પોતાની ચેકર્સ બ્રેક્ઝિટ યોજના આગળ વધારી રહ્યાં છે ત્યારે ‘નો ડીલ’ બ્રેક્ઝિટ મુદ્દે કેબિનેટમાં મતભેદ સર્જાયો છે. ઈયુતરફી ચાન્સેલર ફિલિપ હેમન્ડે જણાવ્યું હતું કે નો ડીલના સંજોગોમાં યુકેને ૮૦ બિલિયન પાઉન્ડનું નુકસાન જશે. ‘નો ડીલ’ બ્રેક્ઝિટથી યુકેની ૧૦ ટકા રાષ્ટ્રીય આવકનું ધોવાણ થશે તેવા ચાન્સેલરના દાવાના પડકારતા બ્રેક્ઝિટ સેક્રેટરી ડોમિનિક રાબે કયામતના દિવસો આવશે તેવા ભયને હળવો કરવા કહ્યું છે કે ‘નો ડીલ’થી ઉપભોક્તાઓને કોઈ અવળી અસર નહિ થાય. ચાન્સેલરના આ દાવાથી ડાઉનિંગ સ્ટ્રીટમાં પણ રોષ ફેલાયો હતો.

કેબિનેટમાં બ્રેક્ઝિટ મુદ્દે ભારે તિરાડ દર્શાવતા ચાન્સેલર ફિલિપ હેમન્ડે ઈયુતરફી ટોરી સાંસદ અને ટ્રેઝરી સીલેક્ટ કમિટીના અધ્યક્ષ નિકી મોર્ગને લખેલા પત્રમાં એવી ચેતવણી આપી હતી કે ‘નો ડીલ’ના સંજોગોમાં બ્રિટનને ભારે નાણાકીય નુકસાન સહન કરવું પડશે અને વધારાના ૮૦ બિલિયન પાઉન્ડનું કરજ મેળવવું પડશે. તેમણે કહ્યું હતું કે ફૂડ અને ડ્રિન્ક ઈન્ડસ્ટ્રી તથા કારમેકર્સ સહિતના ઉત્પાદકોએ સહન કરવાનું આવશે તેમજ નોર્ધર્ન આયર્લેન્ડ અને નોર્થ-ઈસ્ટ ઈંગ્લેન્ડને સૌથી ખરાબ અસર થશે. જોકે, કમિટીના સભ્યોએ ચાન્સેલરની આગાહીઓને ફગાવી દીધી હતી.

ચાન્સેલરની ચેતવણીના થોડાં કલાક અગાઉ જ બ્રેક્ઝિટ સેક્રેટરી ડોમિનિક રાબે કોઈ પણ સમજૂતી વિના ઈયુમાંથી બહાર નીકળવાની ખરાબ અસરોની ઉશ્કેરણી અને ડરામણી આગાહીઓને ફગાવી આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે બ્રસેલ્સ સાથે સમજૂતી ન થાય તેવા સંજોગો ધ્યાનમાં લઈ સરકાર કેવું આયોજન કરી રહી છે તે વિશે શ્રેણીબદ્ધ ટેક્નિકલ પેપર્સ પણ પ્રસિદ્ધ કર્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે મોટા ભાગના વપરાશકારોને સમજૂતી ન થવાની કોઈ અસર જણાશે જ નહિ.

બ્રેક્ઝિટ મુદ્દે કેબિનેટમાં ભારે મતભેદ હોવાનું સ્પષ્ટ થયું છે કારણકે ટ્રેઝરીના એક ટેક્નિકલ પેપરમાં જણાવાયું છે કે બ્રિટન કોઈ સમજૂતી વિના ઈયુમાંથી બહાર નીકળશે તો ઊંચા ક્રેડિટ ચાર્જિસનો સામનો કરવાનો આવશે. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે દવાઓની પેઢીઓને ઔષધિઓનો વધુ છ સપ્તાહ ચાલે તેટલો સ્ટોક સંગ્રહ કરવા જણાવ્યું છે. કેબિનેટ મિનિસ્ટર ડેવિડ લિડિંગ્ટડને તો એમ પણ કહ્યું છે કે ઈયુ સાથે સમજૂતી ઓક્ટોબરની સત્તાવાર મર્યાદાની જગ્યાએ બે મહિના મોડી ડિસેમ્બરમાં થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter