લંડનઃ લેબર સરકાર દ્વારા જાહેર કરાયેલી યોજનાઓ હેઠળ, એપ્રિલ 2027 થી ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સ તરફથી મળતા એટેન્ડન્સ એલાઉન્સમાં 3.5% નો વધારો થઈ શકે છે.
આ નોન-મીન્સ-ટેસ્ટેડ 66 વર્ષ અને તેથી વધુ ઉંમરના એવા લોકોને આર્થિક ટેકો પૂરો પાડે છે જેમને વિકલાંગતા અથવા ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાને કારણે નિયમિત સંભાળની જરૂર રહે છે. હાલમાં જરૂરિયાત મુજબ આ ભથ્થા હેઠળ અઠવાડિયે 76.70 અથવા 114.60 પાઉન્ડ ચૂકવવામાં આવે છે.
જો આ 3.5% નો વધારો અમલમાં આવશે, તો સાપ્તાહિક દર વધીને અનુક્રમે 79.38 પાઉન્ડ અને 118.61 પાઉન્ડ થઈ શકે છે, જે વાર્ષિક 6,167.72 પાઉન્ડ સુધીની રકમ થાય છે. વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરી પેટ મેકફેડને જણાવ્યું હતું કે, સમીક્ષા હેઠળ આવરી લેવામાં આવેલા અન્ય સ્ટેટ પેન્શન અને લાભના દરોમાં સપ્ટેમ્બર 2026 સુધીના વર્ષમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના વધારાને અનુરૂપ 3.5% નો વધારો કરવામાં આવશે.
એટેન્ડન્સ એલાઉન્સ એ લાંબા ગાળાની શારીરિક અથવા માનસિક સ્થિતિ કે વિકલાંગતા ધરાવતા લોકો માટે અપાતી વધારાની આર્થિક સહાય છે. તમારી બીમારી કઈ છે તે મહત્વનું નથી પરંતુ તે તમને કેવી રીતે અસર કરે છે તે મહત્વનું છે. જો તમે સ્ટેટ પેન્શનની ઉંમરે પહોંચી ગયા હોવ અને તમને અંગત સંભાળ માટે મદદની જરૂર હોય, અથવા તમે સુરક્ષિત છો કે કેમ તે તપાસવા માટે કોઈના સહારાની જરૂર હોય, તો તમે આ લાભ માટે પાત્ર હોઈ શકો છો.

