‘પિન્કેસ્ટ પિન્ક’ રંગના વિવાદમાં ઘેરાયેલા શિલ્પી અનિશ કપૂર

Wednesday 04th January 2017 05:16 EST
 
 

લંડનઃ મુંબઈમાં જન્મેલા એવોર્ડવિજેતા શિલ્પકાર અનિશ કપૂર ‘પિન્કેસ્ટ પિન્ક’ રંગના વિવાદમાં ઘેરાયા છે. વિશ્વના સૌથી ઘેરા કાળા રંગ Vantablack S-Vis નો ઉપયોગ કરવાનો વિશેષાધિકાર મેળવનારા ૬૧ વર્ષીય કલાકારે નવા ઘેરા ગુલાબી રંગને ગેરકાયદે મેળવી નવો વિવાદ સર્જ્યો છે. કપૂર અથવા તેમના સહયોગીઓ આર્ટિસ્ટ સ્ટુઅર્ટ સેમ્પલ દ્વારા વિકસાયેલો નવો ગુલાબી (PINK) રંગ મેળવી ના શકે તે માટે આ રંગના ખરીદારોએ કાનૂની ડેક્લેરેશન પર સહી કરવાની રહે છે.

બ્રિટિશ આર્ટિસ્ટ સ્ટુઅર્ટ સેમ્પલ એક દાયકા સુધી જાતભાતના રંગો સાથે પ્રયોગો કરીને વિશ્વનો સૌથી ઘટ્ટ ગુલાબી રંગ વિકસાવ્યો છે, જેને પિન્કેસ્ટ પિન્ક નામ આપ્યું છે. આ કલરની ૫૦ ગ્રામની ડબ્બી ૩.૯૯ પાઉન્ડની કિંમત ઓનલાઇન વેચવા મુકી દેવાઈ છે, પરંતુ સમગ્ર વિશ્વમાંથી અનિશ કપૂરને એ વેચવામાં નહીં આવે એ સ્પષ્ટ સૂચના વહેતી કરાઈ છે. લંડનસ્થિત કલાકાર અનિશ કપૂરે વિશ્વના સૌથી કાળા ડિંબાગ રંગ વેન્ટાબ્લેકનો ઉપયોગ કલાવિશ્વમાં કરવાના એક્સક્લુસિવ હકો મેળવી તમામ કલાકારોને ચોંકાવી દીધા હતા. બે વર્ષ પહેલા સરે નેનોસિસ્ટમ્સ કંપનીએ Vantablack S-Vis ઘેરા કાળા રંગનું સર્જન કર્યું હતું. આ રંગ પોતાના પર પડતા ૯૯.૯૬ ટકા પ્રકાશને શોષી લે છે.

‘પિન્કેસ્ટ પિન્ક’ રંગમાં બોળેલી મિડલ ફિંગરની તસવીર સોશિયલ મીડિયા પર રાખનારા અનિશ કપૂરે ૧૯૯૧માં પ્રતિષ્ઠિત ટર્નર પ્રાઈઝ મેળવવા ઉપરાંત ૨૦૧૩માં ક્વીન એલિઝાબેથ દ્વિતીયના હસ્તે નાઈટહૂડ પણ સ્વીકાર્યુ છે. તેઓ ભારે ચમકીલા અને ઘેરા રંગો સાથે પ્રયોગો કરવાની ક્ષમતા માટે જાણીતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter