‘પીપલ્સ પ્રિન્સેસ’ ડાયેનાની કાંસ્યપ્રતિમાનું અનાવરણ

Wednesday 07th July 2021 02:38 EDT
 
 

લંડનઃ વિશ્વભરમાં ‘પીપલ્સ પ્રિન્સેસ’ તરીકે પ્રસિદ્ધ થયેલાં લેડી ડાયેનાની સુંદર પ્રતિમાનું તેમના જન્મદિન ૧લી જુલાઈ, ગુરુવારે તેમના પુત્રો પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરીના હાથે લાગણીસભર અનાવરણ કરાયું હતું. આ નિમિત્તે વિખુટા પડેલા અને નારાજ ભાઈઓનું સ્નેહમિલન થયું હતું. કેન્સિંગ્ટન પેલેસના સુન્કેન ગાર્ડનસ્થિત આ પ્રતિમામાં પ્રિન્સેસ ડાયેના ત્રણ બાળકો- બે છોકરા અને એક છોકરીથી વીંટળાયેલા છે. પ્રિન્સેસે બે બાળકોના ખભા પર પોતાનો હાથ મૂક્યો હોવાની નાજૂક પળને શિલ્પમાં કંડારી લેવાઈ છે. આ પ્રતિમાની પ્રેરણા તેમના જીવનના અંતિમ કાળમાં ટુંકા કેશ અને ડ્રેસની સ્ટાઈલ પરથી લેવી હતી. પ્રતિમાના પથ્થર નીચે સુંદર કવિતાનું પણ આલેખન કરાયું છે. શુક્રવાર, ૨ જુલાઈથી પ્રતિમાને લોકદર્શન માટે ખુલ્લી મૂકાઈ હતી.

જાણીતા શિલ્પી અને આર્ટિસ્ટ ઈયાન રેન્ક-બ્રોડલી દ્વારા તૈયાર કરવામાં આવેલી આ પ્રતિમા કેન્સિંગ્ટન પેલેસના સુન્કેન ગાર્ડનમાં કાયમી સ્થાન પામી છે. આ ગાર્ડન પ્રિન્સેસ ડાયેનાના દિલમાં વિશેષ સ્થાન ધરાવતું હતું જ્યાંની હરિયાળીમાં તેઓ મોટા ભાગનો સમય વીતાવતાં હતાં. આ ગાર્ડન તેમને પ્રિય ફોરગેટ-મી-નોટ, વ્હાઈટ લીલીઝ, ટ્યુલિપ્સ અને કોસ્મો ડેઈઝીસ સહિત ૪૦૦૦થી વધુ પ્લાન્ટ્સ-ફૂલોથી ભરેલો છે. વિલિયમ અને હેરી ૨૦૧૭થી તેમની માતાની પ્રતિમાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા.

ડ્યૂક ઓફ કેમ્બ્રિજ અને ડ્યૂક ઓફ સસેક્સે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું હતું કે.‘અમારી માતાનો ૬૦મો જન્મદિવસ હોત તે નિમિત્તે અમે તેમના પ્રેમ, તાકાત અને ચારિત્ર્યનું સ્મરણ કરીએ છીએ, જે ગુણોએ તેમને આ વિશ્વમાં સારું કાર્ય કરવા અને અસંખ્ય જિંદગીઓનું પરિવર્તન કરવાનું બળ આપ્યું.અમે રોજ ઈચ્છા કરીએ છીએ કે તેઓ આજે પમ અમારી સાથે હોત અને અમે આશા રાખીએ છે કે આ પ્રતિમા સદાકાળ તેમના જીવન અને વારસાના પ્રતીકસમાન બની રહેશે. ’ કેન્સિંગ્ટન પેલેસે જણાવ્યું હતું કે ડાયેનાએ માનવતાવાદી ઉદ્દેશો માટેના દૂત તરીકેની પોતાની ભૂમિકામાં ભારે આત્મવિશ્વાસ કેળવ્યો હતો અને આ પ્રતિમા તેમના ચારિત્ર્ય અને કરુણાને દર્શાવવાનો હેતુ ધરાવે છે.

પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં અંગત મતભેદોને બાજુએ રાખીને જોડાયેલા પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી ઉપરાંત, પ્રિન્સેસ ડાયેનાના નાના ભાઈ અર્લ સ્પેન્સર, મોટી બહેન લેડી સારાહ મેક્કોરક્યુડેલ અને લેડી જેન પેલોસ, સ્ટેચ્યુ કમિટીના સભ્યો જેમી લોથર-પિન્કરટોન, ગેરી ફેરેલ, ગાય મોન્સોન, મિત્ર જુલીઆ સેમ્યુઅલ, શિલ્પી ઈયાન રેન્ક-બ્રોડલી, ગાર્ડન ડિઝાઈનર પિપ મોરિસન અને હિસ્ટોરિક રોયલ પેલેસિસ (HRP)ના અધ્યક્ષ રુપર્ટ ગાવિન અને ચીફ એક્ઝિક્યુટિવ જ્હોન બાર્નેસ તેમજ ગાર્ડનર ગ્રેહામ ડિલામોર અને ગેરી જેમ્સ ઉપસ્થિત રહ્યા હતા. સ્કોટલેન્ડની સત્તાવાર મુલાકાતે ગયેલા ક્વીન અને પ્રિન્સ ચાર્લ્સ તેમજ રોયલ ફેમિલીના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં ન હતાં.સમગ્ર યુકેથી વેસ્ટ લંડન આવેલા પ્રિન્સેસ ડાયેનાના સેંકડો ચાહકો આ કાર્યક્રમની ઝાંખી મેળવવા સવારથી બહાર ઉભા રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter