લંડનઃ રાજધાનીની આગવી ઓળખ સમાન પ્રસિદ્ધ ‘બિગ બેન’ એલિઝાબેથ ટાવરના સમારકામના કાર્યના ખર્ચમાં વધુ ૧૮ મિલિયન પાઉન્ડનો ઉછાળો આવ્યો છે. દ્વિતીય વિશ્વ યુદ્ધમાં બોમ્બના કારણે થયેલાં નુકસાન, પોલ્યુશન અને ટાવરમાં એસ્બેસ્ટોસની હાજરી જોવાં મળતાં ખર્ચો વધી જશે. હાઉસ ઓફ કોમન્સના કમિશને વધુ નાણાની માગણી કરી છે. વેસ્ટમિન્સ્ટરના સ્પેશિયાલિસ્ટ ટાઈમકીપરોએ પણ તેઓ બિગ બેનને રીપેર નહિ કરી શકે તેમ જણાવ્યું છે. ૧૭૭ વર્ષ પુરાણા અને ૧૩૦ સ્કવેર ફૂટમાં ફેલાયેલાં ૩૧૫ ફૂટ ઊંચાઈનાં ટાવરને નવસર્જિત કરવાની કામગીરી ૨૦૨૧માં પૂર્ણ થવાની આશા હતી.
‘બિગ બેન’ ટાવરના સમારકામ કાર્યને ભારે ધક્કો લાગ્યો છે કારણકે અંદાજિત ખર્ચ ૧૮ મિલિયન પાઉન્ડના વધારા સાથે લગભગ ૮૦ મિલિયન પાઉન્ડ પહોંચી જવાની શક્યતા છે, જે પ્રોજેક્ટના મૂળ ખર્ચ કરતાં બમણો હશે. વેસ્ટમિન્સ્ટરના સ્પેશિયાલિસ્ટ ટાઈમકીપરોએ પણ તેઓ ઐતિહાસિક એલિઝાબેથ ટાવરને રીપેર નહિ કરી શકે તેમ જણાવવા સાથે સમગ્ર પ્રોજેક્ટ કટોકટીમાં આવી પડ્યો છે. હાઉસ ઓફ કોમન્સના કમિશને ક્લોક, બેલ અને ટાવરના સમારકામ બજેટ વધારવા સાથે વધુ ૧૮.૬ મિલિયન પાઉન્ડની માગણી કરી છે. નવી માગણી સાથે સમારકામ પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ ૭૯.૭ મિલિયન પાઉન્ડ પહોંચી જશે. બે વર્ષ અગાઉ સમારકામ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ૬૧.૧ મિલિયન પાઉન્ડ ગણાવાયો હતો જે તેના મૂળ અંદાજ ૨૯ મિલિયન પાઉન્ડ કરતાં પણ બમણાથી વધુ હતો.
સ્પીકર લિન્ડસે હોયલના વડપણ હેઠળના કમિશને જણાવ્યું હતું કે એલિઝાબેથ ટાવરની હાલત ધાર્યા કરતાં વધુ ખરાબ છે. બીજા વિશ્વ યુદ્ધ સમયે બોમ્બમારા, પ્રદૂષણ અને એસ્બેસ્ટોસ સહિતના જોખમી પદાર્થની હાજરીથી નુકસાન વધુ છે. બિગ બેનના ટાઈમકીપરોએ ક્લોકને રીપેર કરવાના પ્રયાસ પણ પડતા મૂક્યા છે કારણકે તેના મિકેનિઝમને રીપેર કરવા સ્પેશિયાલિસ્ટ નિષ્ણાતની જરૂર છે. ઉલ્લેખનીય છે કે ૩૧ જાન્યુઆરીના બ્રેક્ઝિટ દિવસની રાત્રે ટાવરના ડંકા વગાડવાની માગણી ઉભી થઈ હતી પરંતુ, સરકારે ૫૦૦,૦૦૦ પાઉન્ડના ભારે ખર્ચને જોતાં તે વિચાર પડતો મૂક્યો હતો.


