‘બેટલ ઓફ સારાગઢી’ના ૨૧ શીખ શહીદોના સ્મારકનું અનાવરણ

Wednesday 15th September 2021 06:17 EDT
 
 

લંડનઃ ૧૯મી સદીના શીખ લડવૈયાઓને અંજલિ અર્પતી ૩ મીટર (૧૦ ફીટ) ઊંચાઈની પ્રતિમાનું વોલ્વરહેમ્પ્ટનના વેડનસફિલ્ડ ખાતે ૧૨ સપ્ટેમ્બર, રવિવારે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા જાણીતા શિલ્પી લ્યૂક પેરી દ્વારા તૈયાર કરવામાં આવી છે. કેટલાક લશ્કરી ઈતિહાસકારોના મતે આ પ્રતિમા ઈતિહાસમાં મહાન લડાઈઓમાં એક ગણાતી ‘બેટલ ઓફ સારાગઢી’ની યાદ અપાવે છે.

ગુરુ નાનક ગુરુદ્વારા નજીક વેલ લેન ખાતે આ પ્રતિમા સ્મારકનું અનાવરણ આ લડાઈની વર્ષગાંઠે કરાયું હતું. આ પ્રતિમા સ્થાપવાની યોજનાને વિકસાવવામાં મદદરુપ બનેલા કાઉન્સિલર ભૂપિન્દરસિંહ ગાખાલે જણાવ્યું હતું કે આ પ્રતિમા લોકોને આ લડાઈ વિશે વધુ માહિતી પ્રાપ્ત કરવા તરફ દોરી જશે તેવી આશા છે. વેડનસફિલ્ડ સાઉથના વોર્ડ મેમ્બર મિ. ગાખાલે જણાવ્યું હતું કે,‘હું માનું છું કે આજ પછી સમગ્ર વિશ્વ સારાગઢી શું હતું અને આ માણસોએ શું યોગદાન આપ્યું છે તેના વિશે સમગ્ર વિશ્વ જાણશે.’ ૧૨ સપ્ટેમ્બર, ૧૮૯૭ના દિવસે ‘બેટલ ઓફ સારાગઢી’માં ૧૦,૦૦૦ અફઘાન ટ્રાઈબ્સમેન- આદિવાસીઓના હુમલા સામે બ્રિટિશ આર્મી ચોકીનું રક્ષણ કરવા જતા ૨૧ શીખ સૈનિકોએ શહીદી વહોરી હતી.

વોલ્વરહેમ્પ્ટનની કુલ વસ્તીમાં લગભગ ૧૦ ટકા એટલે કે આશરે ૨૩,૦૦૦ શીખોની વસ્તી છે. આ પ્રતિમાનું નિર્માણ ગુરુ નાનક ગુરુદ્વારા દ્વારા કરવામાં આવ્યું છે જેના સભ્યોએ આ સ્મારક માટે ૧૦૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી. વોલ્વરહેમ્પ્ટન સિટી કાઉન્સિલે પણ આ પ્રતિમાના નિર્માણ માટે ગુરુદ્વારાને ૯૯ વર્ષના ભાડાપટ્ટે જમીન ફાળવવા સાથે ૩૫,૦૦૦ પાઉન્ડનો ફાળો આપ્યો હતો.

શિલ્પકાર લ્યૂક પેરીએ અગાઉ પ્રથમ વિશ્વ યુદ્ધમાં બ્રિટન તરફે લડેલા સાઉથ એશિયન સૈનિકોને સન્માનવા સ્મારક પ્રતિમા તૈયાર કરી હતી. તેમણે કહ્યું હતું કે,‘ તે સમયે ૧૮૯૭માં સમગ્ર બ્રિટન આ લડી વિશે જાણતું હતું, અખબારોમાં તેની તમામ માહિતી વર્ણન અપાયું હતું. તે સમયે આ માત્ર શીખ અથવા ભારતીય બાબત જ નહતી પરંતુ, સંપૂર્ણપણે બ્રિટિશ બાબત હતી. વર્ષો વીતવા સાથે તે ભૂલાઈ ગયું હતું પરંતુ, હવે તેની પુનઃપ્રાપ્તિ થઈ છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter