‘બ્રિટન કદી હાર્યું નથી, હતાશ થયું નથી’: ૭૫મા VE દિને ક્વીનનો લલકાર

બ્રિટિશરોએ દિવસભર જુસ્સા સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને પણ રાષ્ટ્રપ્રેમસભર સ્ટ્રીટ પાર્ટીઓ યોજી

Wednesday 13th May 2020 01:36 EDT
 
 

લંડનઃ બીજા વિશ્વ યુદ્ધમાં મિત્રરાષ્ટ્રોના વિજયના ૭૫ વર્ષની ઉજવણી શુક્રવાર, ૮ મેએ કરવામાં આવી ત્યારે ૯૪ વર્ષનાં ક્વીન એલિઝાબેથ દ્વિતીયે ૧૯૪૫ના ‘VE વિક્ટરી ઈન યુરોપ’ દિવસની યાદોને વાગોળતું લાગણીસભર રાષ્ટ્રીય સંબોધન કર્યું હતું. કોરોના વાઈરસ મહામારી સામે જંગ લડી રહેલા બ્રિટિશરોને બિરદાવતા તેમણે કહ્યું હતું કે,‘ વર્લ્ડ વોર હોય કે લોકડાઉન, બ્રિટન હાર્યું નથી કે હતાશ થયું નથી.’ કોરોના મહામારી દરમિયાન ક્વીનનું આ બીજુ રાષ્ટ્રીય સંબોધન હતું. બ્રિટિશરોએ દિવસભર જુસ્સા સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને પણ રાષ્ટ્રપ્રેમસભર સ્ટ્રીટ પાર્ટીઓ યોજી હતી.

આઈસોલેશનમાં રહેતાં ક્વીનનાં સંબોધનનું ફિલ્માંકન ગત સપ્તાહે વિન્ડસરના વ્હાઈટ ડ્રોઈંગ રુમમાં કરાયું હતું. ક્વીનના પિતા અને તત્કાલીન રાજવી કિંગ જ્યાર્જ છઠ્ઠાએ ૧૯૪૫ની ૮ મેએ જે સમયે દેશને સંબોધન કર્યું હતું બરાબર તે જ સમયે ક્વીનનું સંબોધન પ્રસારિત કરાયું હતું. મહારાણીએ કહ્યું હતું કે, ‘વિશ્વભરમાં કોરોના મહામારી ફેલાયેલી છે બીજી તરફ, બીજા વિશ્વયુદ્ધનો અંત થયાને ૭૫ વર્ષ થયાં છે. પરંતુ, આપણે તેની ઉજવણી કરી શકે તેમ નથી. હાલમાં માનવજાતને બચાવવાનું મહાન કાર્ય કરવાનું છે. આપણા માર્ગો ખાલી નથી. તે પ્રેમ અને સંવેદના તથા સેવાથી ભરપૂર છે. આપણે આપણા શહીદો અને વીર સપૂતોને આ ક્ષણે યાદ કરીએ અને તેમની સેવાને બિરદાવીએ એ જ આપણો સૌથી મોટો વિજય છે. આપણે એવા દેશના સંતાનો છીએ જે વિશ્વ યુદ્ધ હોય કે પછી કોરોનાની મહામારીમાં લાગુ થયેલું લોકડાઉન. આપણે ક્યારેય હાર માન્યા નથી કે ક્યારેય હતાશ થયા નથી. દરેક સ્થિતિનો આપણે મક્કમતાથી સામનો કર્યો છે. હું આજે પણ જોઉં છું કે, આપણા દેશના લોકોમાં બીજાનો જીવ બચાવવાનો અને બીજાને મદદ કરવાનો એવો જ જુસ્સો છે જે પહેલાં હતો. મને ગર્વ છે કે આજે પણ આ દેશ આવા જ બહાદુર નાગરિકોનો દેશ છે. હું આ તમામ લોકોને શુભેચ્છા પાઠવું છું.’

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને વિશ્વ યુદ્ધ જીતનારી પેઢીમાંથી પ્રેરણા લેવા બ્રિટિશરોને અનુરોધ કરતા કહ્યું હતું કે આપણે બધા માટે તેમના જ ઋણી છીએ. તેમણે કહ્યું હતું કે વીરતા અને ધીરતા સાથે નાઝીઓ સામે લડનારા સૈનિકો, નોસૈનિકો અને વાયુસૈનિકો પ્રત્યે આપણી કૃતજ્ઞતા શાશ્વત રહેશે.

કોરોના મહામારીના લોકડાઉનના કારણે મેળાવડાઓ શક્ય ન હોવાથી લોકોએ દિવસભર જુસ્સા સાથે શેરીઓ શણગારીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને પણ રાષ્ટ્રપ્રેમસભર સ્ટ્રીટ પાર્ટીઓ યોજી હતી. ક્વીનનું સંબોધન પ્રસારિત કરાયા પછી લોકોએ તેમના બારી બારણા ખોલીને લશ્કરી દળોના તત્કાલીન સ્વીટહાર્ટ ડેમ વેરા લિનનું યુદ્ધકાળનું રાષ્ટ્રગીત ‘વી વિલ મીટ અગેઈન’ ગાયું હતું. રોયલ એરફોર્સ દ્વારા રેડ એરોઝ ફ્લાય પાસ્ટ યોજાયું હતું તેને વધાવી લેવા લોકોએ બાલ્કનીઝમાં ઉભાં રહી હાથ હલાવ્યા હતા. એરફોર્સના પ્લેન્સ બકિંગહામ પેલેસ, લંડન આઈ પર ઉડ્યાં હતાં અને ટાયફૂન ફાઈટર જેટવિમાનોએ એડિનબરા, કાર્ડિફ અને બેલફાસ્ટના આકાશમાં ઉડાન ભરી હતી.

બાલ્મોરલ ખાતે પ્રિન્સ ચાર્લ્સ બ્રિટનની આઝાદી, તેના સામ્રાજ્ય અને પાછળથી કોમનવેલ્થમાં રહ્યા તે તમામ પ્રદેશોના રક્ષણ માટે જીવનનું બલિદાન આપનારા સર્વિસમેન્સની યાદમાં બે મિનિટના મૌનમાં સામેલ થયા હતા. પત્ની કેમિલા, ડચેસ ઓફ કોર્નવોલની સાથે હાઈલેન્ડ ડે ડ્રેસ અને મેડલ્સ સાથે સજ્જ પ્રિન્સ ઓફ વેલ્સે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તાજેતરમાં જ NHS ચેરિટીઝ માટે ૩૨ મિલિયન પાઉન્ડનો ફાલો એકત્ર કરનારા ૧૦૦મી વર્ષગાંઠ ઉજવનારા લોકનાયક કર્નલ ટોમ મૂર માટે VE ડેની ઉજવણી ખાસ બની રહી હતી. તેમણે દ્વિતીય વિશ્વ યુદ્ધના પોતાના સાથીઓને યાદ કર્યા હતા. જોકે, લોકડાઉનના કારણે લોકો ભવ્ય ઉજવણી કરી ન શક્યા તે બદલ તેમણે અફસોસ પણ વ્યક્ત કર્યો હતો. યોર્કશાયરના ટોમ મૂર ૨૦ વર્ષના હતા ત્યારે આર્મીમાં દાખલ થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter