લંડનઃ લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીનની માઠી દશા બેઠી છે. બ્રિટનના ઈયુ છોડવાના નિર્ણય માટે કેમરને કોર્બીનને જવાબદાર ઠેરવતા ટોણો માર્યો હતો કે, ‘ભગવાનને ખાતર હવે તો જાવ.’ કેમરનના ટોણા છતાં લેબર સાંસદોએ મૌન ધારણ કર્યું હતું. શેડો કેબિનેટના મોટા ભાગના સભ્યોના રાજીનામા અને સાંસદો દ્વારા અવિશ્વાસ જાહેર કરાયા પછી પણ કોર્બીન નેતાપદ છોડવા ઈનકાર કરી રહ્યા છે.
આ સંજોગોમાં વડા પ્રધાન કેમરને રાષ્ટ્રીય હિતમાં રાજીનામું આપવા કોર્બીનને સલાહ આપી હતી. કોર્બીનને નેતાપદ છોડવાની ફરજ પાડવા એન્જેલા ઈગલ નેતાપદની ઉમેદવારી સાથે પડકાર આપે તેવી શક્યતા છે.
કોર્બીને પ્રાઈમ મિનિસ્ટર્સ ક્વેશ્ચન્સ કાળમાં બ્રેક્ઝિટની અસરો અંગે વડા પ્રધાનને પ્રશ્ન કરવા સાથે તેઓ હજુ લેબર પાર્ટીના નેતા છે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું. આ સામે કેમરને રેફરન્ડમમાં પુરતું ધ્યાન કેન્દ્રિત નહિ કરવા બદલ લેબર નેતા સામે દોષારોપણ કર્યું હતું. આકરા પ્રહારો કરતા કેમરને કહ્યું હતું કે,‘આપણે બધાએ રેફરન્ડમ કેમ્પેઈનમાં આપણી ભૂમિકા અંગે આત્મચિંતન કરવાની જરૂર છે. તમે કહો છો કે તમે ભારે મહેનત કરી છે, પરંતુ મને કહેતા દુઃખ થાય છે કે તમે પૂરતા પ્રયાસ કર્યા નહિ. જો તમે બહાના શોધતા હો તો...બીજે જોવાની જરૂર છે. તમે અહીં બેસી રહો તે મારા પક્ષના લાભમાં હશે, પરંતુ તે રાષ્ટ્રીય હિતમાં નથી અને હું કહીશ કે,‘ભગવાનને ખાતર હવે તો જાવ.’


