‘યલો પેજિસ’ ફોન ડિરેક્ટરી હવે માત્ર ઓનલાઈન જોવાં મળશે

Wednesday 23rd January 2019 01:43 EST
 
 

લંડનઃ દાયકાઓ સુધી બ્રિટનના ઘરોની અભરાઈઓને શોભાવતી દળદાર ‘યલો પેજિસ’ ફોન ડિરેક્ટરી હવે જોવા મળશે નહિ. પ્રકાશકોએ હવે યલો પેજિસ ડિરેક્ટરીને સંપૂર્ણ ડિજિટલ સ્વરૂપ આપતાં તેનું પ્રકાશન બંધ કરવામાં આવ્યું છે અને અભિનેતા જેમ્સ નેસ્બિટે ૧૮ જાન્યુઆરીએ બ્રાઈટનમાં આખરી નકલોનું વિતરણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સૌપહેલા બ્રાઈટનમાં જ ૧૯૬૬માં યલો પેજિસ ડિરેક્ટરીનું પ્રકાશન કરાયું હતું.

એકાઉન્ટન્ટથી માંડી ઝૂ (A to Z) સુધી તમામ ચીજવસ્તુઓના ફોન નંબર્સ માટે બોલબાલા ધરાવતી અને યાદગાર વિજ્ઞાપનો માટે પ્રસિદ્ધ ‘યલો પેજિસ’ ફોન ડિરેક્ટરીમાં અભિનેતા જેમ્સ નેસ્બિટ ઘણી જાહેરાતો સાથે સંકળાયેલો હતો. નેસ્બિટે મજાકમાં કહ્યું હતું કે, ‘ડિરેક્ટરી ઘરના ફર્નિચરનો હિસ્સો હતો અને ઘણાં કામ માટે વપરાતી હતી. મારી માતા મને મારવા તેનો ઉપયોગ કરતી હતી. મારી ગર્લફ્રેન્ડ પણ આવો જ ઉપયોગ કરતી હતી.’

ડિરેક્ટરીની આખરી નકલો મેળવવામાં બે બિઝનેસીસનો પણ સમાવેશ થયો હતો, જેમણે પ્રથમ ઈસ્યુથી છેક સુધી જાહેરાતો આપી હતી. પ્રથમ ઈસ્યુથી અત્યાર સુધી એક ટ્રિલિયન જેટલા પાના પર છપાયેલી એક બિલિયન નકલો સમગ્ર દેશમાં ૨૭ મિલિયન સરનામા પર પહોંચાડાતી હતી. સૌપ્રથમ બુક પોસ્ટ ઓફિસ દ્વારા પ્રકાશિત કરાઈ હતી અને આજે અલગ અલગ વિસ્તારો માટે કુલ ૧૦૪ એડિશન છપાતી હતી.

વધુ અને વધુ કંપનીઓ ઓનલાઈન એડવર્ટાઈઝિંગ કરવા લાગતા અને પોતાની જ વેબસાઈટ ઉભી કરવા સાથે એક સમયની દળદાર ડિરેક્ટરીના પાના ઘટી ગયાં હતાં. યલો પેજિસનું ઓનલાઈન સંચાલન માર્કેટિંગ કંપની યેલ દ્વારા કરવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter